fbpx

શું આ તસવીરથી ટ્રમ્પની દાદાગીરી અટકશે? મોદી, પુતિન અને જિનપિંગની દોસ્તીથી શું બદલાશે?

Spread the love
શું આ તસવીરથી ટ્રમ્પની દાદાગીરી અટકશે? મોદી, પુતિન અને જિનપિંગની દોસ્તીથી શું બદલાશે?

ચીનના તિયાનજિનમાં શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન દુનિયાને નવો વર્લ્ડ ઓર્ડર જોવા મળ્યો, જ્યારે ચીન અને રશિયાના રાષ્ટ્રપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉષ્માભરી મુલાકાત કરી. ભારત, રશિયા અને ચીન અમેરિકાના વર્ચસ્વને પડકારવા માટે એક સાથે આવી રહ્યા છે. આ ત્રણેય દેશો એક-બીજા સાથે તેમની મિત્રતા અને પરસ્પર સહયોગને મજબૂત કરી રહ્યા છે. આ પગલું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની ધમકીઓ અને અમેરિકાના દબદબાને સમાપ્ત કરી શકે છે.

દુનિયામાં ડૉલરના પ્રભુત્વને પડકારવા માટે એક નવું નાણાકીય માળખું બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત, રશિયા અને ચીનની આ મિત્રતા દુનિયામાં એક નવું પાવર સેન્ટર બનાવી શકે છે, જે અમેરિકા અને તેના સાથી દેશોથી અલગ હશે. આ બધું દુનિયામાં શક્તિ સંતુલનને બદલવાનું કામ કરી રહ્યું છે. ન માત્ર SCO, પરંતુ BRICSને પણ મજબૂત બનાવીને આ ત્રણેય દેશો અમેરિકાના વર્ચસ્વને પડકારી શકે છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા (BRICS) અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) બંને જ સંગઠન સમય સાથે મજબૂત બની રહ્યા છે. બંને સંગઠનોનો ઉદ્દેશ્ય અમેરિકાના વર્ચસ્વને પડકારવાનો છે. અમેરિકાની ટેરિફ નીતિઓએ આ દેશોને નજીક લાવી દીધા છે. તાજેતરના વર્ષોમાં, BRICS એક મોટા આર્થિક સંગઠન તરીકે ઉભરી રહ્યું છે, જેની અર્થવ્યવસ્થા 20 ટ્રિલિયન ડૉલરથી વધુ છે. રશિયા અને ચીન તેને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.

BRICS દેશો હવે વૈશ્વિક અર્થવ્યવસ્થાના એક ચતુર્થાંશથી વધુ અને દુનિયાની લગભગ અડધા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. ગયા વર્ષે BRICS દેશોનો સંયુક્ત GDP ગ્રોથ ચાર ટકા હતો, જ્યારે સરેરાશ વૈશ્વિક GDP ગ્રોથ 3 ટકાની નજીક હતી. વૈશ્વિક અર્થવ્યવસ્થાનો લગભગ 40 ટકા હિસ્સો BRICS દેશોના હિસ્સામાં આવે છે, જે આ વર્ષે એક ટકા વધવાની ધારણા છે.

modi

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વર્લ્ડ બેન્કમાં સુધારાની વાત કરી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક દેશો ‘નિયો કોલોનિયલિઝમ’ના હથિયાર તરીકે પૈસાનો ઉપયોગ કરી રહ્યા છે. તેમનો ઉલ્લેખ સ્પષ્ટપણે અમેરિકા તરફ હતો. રશિયા અને ચીન રૂબલ અને યુઆનમાં એકબીજા સાથે વેપાર વધારી રહ્યા છે. બંને મોટી અર્થવ્યવસ્થાઓ દુનિયાને એક નવો નાણાકીય વિકલ્પ આપવા માગે છે. જો આ દેશો એક જોઇન્ટ મુદ્રા બનાવે છે, તો તે ડૉલરના વર્ચસ્વ માટે એક મોટો પડકાર સાબિત થશે.

ભારત માટે અત્યારે પરિસ્થિતિ ખૂબ જ સાવધાની ઉઠાવવા જેવી છે. એક તરફ, તેણે ટ્રમ્પ ટેરિફને પડકારવો પડશે, અને બીજી તરફ તેણે ચીન સાથેના સંબંધો સુધારવા પડશે, જેનો વિશ્વાસઘાતનો ઇતિહાસ રહ્યો છે. જોકે ભારત રશિયાનો જૂનો મિત્ર છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત રહ્યા છે. પરંતુ ચીન સાથેના તેના સીમા વિવાદો હજુ પણ અકબંધ છે.

વર્ષ 2020માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ સંબંધો ઠંડા પડી ગયા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જિનપિંગ વચ્ચેની તાજેતરની મુલાકાતમાં તણાવ ઘટાડવા પર ચર્ચા થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના રાષ્ટ્રપતિ સાથેની પોતાની મુલાકાતમાં સંબંધોને પાટા પર લાવવાની પહેલનું સ્વાગત કર્યું. તેમણે ગયા વર્ષે રશિયાના કઝાનમાં થયેલી વાતચીતને મહત્ત્વપૂર્ણ ગણાવી, ત્યારબાદ સીમા પર ડિસઇંગેજમેન્ટ થયું, માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ અને હવે બંને દેશો સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.

રવિવારે જિનપિંગ સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરસ્પર સન્માન, પરસ્પર વિશ્વાસ અને સંવેદનશીલતાના આધારે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની વાત કરી હતી. બીજી તરફ જિનપિંગે વૈશ્વિક વ્યવસ્થામાં મોટા બદલાવોના સમયનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત-ચીન મિત્રતા યોગ્ય પસંદગી છે અને આપણે એકબીજાના વિરોધી બનવાને બદલે સહયોગી તરીકે કામ કરવું જોઈએ. આ દાવાઓ છતા ચીનના ઇરાદાઓ પર પૂરેપૂરો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ભારત કોઈપણ કિંમતે કોઈના દબાણ હેઠળ કામ કરવા માગતું નથી, એટલે ભારતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને સંતુલન બનાવવું પડશે.

modi

જો રશિયા, ભારત અને ચીનનું ગઠબંધન મજબૂત થાય છે, તો અમેરિકાના ક્વાડ (જાપાન, ઓસ્ટ્રેલિયા, ભારત)ને પડકાર મળી શકે છે. ભારતના અલગ થવાથી, ક્વાડની સુસંગતતા નબળી પડી જશે. અમેરિકાએ તેને પ્રશાંત મહાસાગરમાં ચીનને પડકારવાના ઉદ્દેશ્યથી બનાવ્યું હતું. જોકે, ભારતનું કહેવું છે કે તે કોઈ એક પક્ષમાં નથી અને બધા દેશો સાથે પોતાના સંબંધો મજબૂત કરવા માગે છે. મોડર્ન ડિપ્લોમેસીમાં કહેવામાં આવે છે કે, ‘અહીં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન નથી હોતો,  પરંતુ દરેક દેશ પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે.

મોદી-પુતિન-જિનપિંગની મિત્રતા અને SCO-BRICSની વધતી જતી શક્તિ વૈશ્વિક વ્યવસ્થાને પૂરી રીતે બદલી શકે છે. ભારત અને ચીન મળીને અમેરિકાની ટેરિફની અસર ઘટાડવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે. SCO અને BRICS દ્વારા વૈકલ્પિક ટ્રેડ કોરિડોર અને પેમેન્ટ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે, તેનાથી અમેરિકન ડૉલરને પડકાર જરૂર મળશે. ભારત અને ચીન જેવા દેશો રેર અર્થ મિનરલ્સ  અને અન્ય સંસાધનોના પુરવઠામાં સહયોગ વધારી રહ્યા છે, જે વૈશ્વિક સપ્લાય ચેઇનને લચીલું બનાવશે.

BRICSની ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને SCOની આર્થિક પહેલ ગ્લોબલ સાઉથને IMF અને વર્લ્ડ બેંક પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી શકે છે. SCO અને BRICS દ્વારા ભારત, ચીન અને રશિયા એક એવો વર્લ્ડ ઓર્ડરને પ્રોત્સાહન આપી રહ્યા છે જ્યાં કોઈ એક દેશનું વર્ચસ્વ ન હોય. ભારત-ચીન સીમા વિવાદોમાં ઘટાડો અને રશિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારીથી એશિયામાં સ્થિરતા વધવાની અપેક્ષા છે. ભારત પોતાની નીતિઓ અને રણનીતિક સ્વાયત્તતા સાથે ગ્લોબલ સાઉથના એક મુખ્ય નેતા તરીકે ઉભરી રહ્યું છે.

SCO સમિટમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે સરખું જ વલણ અપનાવવાની અપીલ કરી હતી, જેને જિનપિંગે સમર્થન આપ્યું હતું. ભારત-પાકિસ્તાન તણાવના સંદર્ભમાં પણ આ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને SCOના સંયુક્ત ઘોષણામાં બધા દેશોએ સંયુક્ત રીતે આ હુમલાની નિંદા કરી છે, જેથી ભારતના આતંકવાદ વિરોધી વલણને મજબૂતી મળી છે.

modi

ભારત-રશિયા વચ્ચે રક્ષા ડીલ અને ચીન સાથે સહયોગ વધારવાથી પ્રાદેશિક સુરક્ષા મજબૂત થશે. 2026માં BRICS સમિટનું ભારતનું આયોજન અને SCOમાં તેની સક્રિય ભૂમિકા તેને વૈશ્વિક મંચ પર એક મજબૂત નેતા તરીકે સ્થાપિત કરશે. આ ત્રિપુટી અને SCO-BRICSની તાકત પ્રભાવશાળી છે. કેટલાક મુદ્દાઓનો કાયમી ઉકેલ મળી જાય તો આ RIC એક મજબૂત શક્તિ તરીકે ઉભરી શકે છે.

એ જોવું રસપ્રદ રહેશે કે આ ત્રણેય દેશો મળીને અમેરિકન વર્ચસ્વ કેવી રીતે ઘટાડે છે. શું તેઓ એક મજબૂત આર્થિક અને સૈન્ય ગઠબંધન બનાવી શકશે? શું તેઓ ડૉલરનો વિકલ્પ આપી શકશે? હાલમાં અમેરિકાની દાદાગીરીથી પીડાતા આ દેશો એક નવા વર્લ્ડ ઓર્ડરનો પાયો નાખી રહ્યા છે. જ્યાં માત્ર એક દેશનો દબદબો નહીં હોય, પરંતુ પરસ્પર હિતો અને સન્માનનું ધ્યાન રાખવામાં આવશે. આ ક્રમમાં કોઈ પાવર સેન્ટર નહીં હોય, પરંતુ દરેકને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અવસર મળશે.

error: Content is protected !!