

મહારાષ્ટ્ર સરકારે મરાઠા અનામત આંદોલનકારી મનોજ જરાંગે પાટીલની માગણીઓ સ્વીકાર્યા બાદ, જરાંગે પાટીલે પોતાની 5 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરી દીધી છે. જરાંગેની માગણી હતી કે સરકાર હૈદરાબાદ ગેઝેટને પુરાવા માનીને મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના મરાઠાઓને કુણબીનું પ્રમાણપત્ર આપે અને આ કુણબીઓને OBC ક્વોટા હેઠળ અનામત આપવામાં આવશે. આ સમજૂતી બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘હવે હૈદરાબાદ ગેઝેટિયર પુરાવા તરીકે કામ આવશે. મને લાગે છે કે મરાઠા સમાજને તેનો ખૂબ ફાયદો થશે.

મનોજ જરાંગે પાટીલ અને સરકાર વચ્ચે છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા મડાગાંઠનો એ સમયે અંત આવ્યો, જ્યારે મરાઠા અનામત પર વિચાર કરવા માટે રચાયેલી કેબિનેટ સબ-કમિટીના પ્રમુખ અને વરિષ્ઠ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ, અન્ય 2 મંત્રીઓ સાથે ભૂખ આઝાદ મેદાન પહોંચ્યા હતા. મંત્રીઓએ જરાંગે પાટીલને આશ્વસ્ત કર્યા કે તેમની માગણી મુજબ, ‘હૈદરાબાદ ગેઝેટ’ને કુણબી-મરાઠા ઓળખના પુરાવા તરીકે માન્યતા આપવામાં આવશે. ત્યારબાદ મનોજ જરાંગે પાટીલે આઝાદ મેદાનમાં એકઠા થયેલા પોતાના સમર્થકોને માઇક પર મંત્રીઓ દ્વારા લાવવામાં આવેલ ફોર્મ વાંચીને કહ્યું કે, આપણે જીતી ગયા છીએ. આજે આપણને ગરીબોની શક્તિનો અહેસાસ થઇ ગયો છે. જો આજે સરકારી આદેશ (GR) જાહેર થઈ ગયું, તો આપણે આજે રાત્રે 9:00 વાગ્યા સુધીમાં મુંબઈ છોડી દઈશું.
GR જાહેર કર્યા બાદ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, મને ખુશી છે કે આ ભૂખ હડતાળ સમાપ્ત થઈ ગઇ છે. તેના માટે હું મારા મંત્રીમંડળ અને બંને નાયબ મુખ્યમંત્રીઓને પણ અભિનંદન આપું છું. મારું માનવું છે કે રાજકારણમાં ક્યારેક તમને પથ્થર મારશે, ક્યારેક ગાળો આપશે, તો ક્યારેક માળા પણ પહેરાવશે. GR જાહેર થયા બાદ, મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે મનોજ જરાંગે પાટીલને જ્યૂસ પીવડાવીને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરાવી. જરાંગેના સમર્થકોએ ગુલાલ ફેંકીને જીતની ઉજવણી કરી અને મુંબઈથી પાછા જવા લાગ્યા.
મનોજ જરાંગે પાટીલે પોતાના હજારો સમર્થકો સાથે મુંબઈ પહોંચીને 29 ઑગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી હતી અને કહ્યું કે તેમની માગણીઓ પૂર્ણ થયા બાદ જ તેઓ મુંબઈથી પાછા જશે.
GRમાં શું છે?
મંગળવારે એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં સરકારે તેમની માગણીઓ સ્વીકારી, અને એક સરકારી આદેશ (GR) જાહેર કર્યો કે હૈદરાબાદ ગેઝેટના ઐતિહાસિક અભિલેખોને મરાઠા સમુદાયના સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવા માટે માન્ય પુરાવા તરીકે ગણવામાં આવશે. GRમાં કહેવામા આવ્યું છે કે સ્વતંત્રતા અગાઉ હૈદરાબાદ રજવાડાના 1900, 1902, 1918, 1923, 1926, 1928 અને 1948માં જાહેર કરાયેલ અધિસૂચનાઓ અને અભિલેખોને મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવા માટે પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. તેનાથી મરાઠાઓને કુણબી ગણવામાં આવશે અને અન્ય પછાત વર્ગો (OBC) ક્વોટા હેઠળ શિક્ષણ અને નોકરીઓમાં અનામત આપવામાં આવશે.

હૈદરાબાદ ગેઝેટ એકમાત્ર પુરાવો કેમ છે?
આજના મહારાષ્ટ્રનો મરાઠવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સ્વતંત્રતા અગાઉ નિઝામ હૈદરાબાદ રાજ્યનો ભાગ હતા. હૈદરાબાદ રાજ્યના ગેઝેટમાં ખેતી કરનારા મરાઠા સમુદાયના લોકોને કુણબીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
જો કે, વિદર્ભ સહિત મહારાષ્ટ્રના કેટલાક અન્ય ભાગોમાં કુણબી સમુદાયના લોકોને OBC ક્વોટા હેઠળ અનામત મળતું હોવાથી, મનોજ જરાંગે પાટીલે માગ કરી હતી કે સમગ્ર મરાઠાવાડા અને પશ્ચિમ મહારાષ્ટ્રના મરાઠાઓને પણ હૈદરાબાદ ગેઝેટ મુજબ કુણબી ગણવામાં આવે અને તેમને OBC ક્વોટા હેઠળ અનામત આપવામાં આવે. ગયા વર્ષે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ સંદીપ શિંદેની અધ્યક્ષતામાં સરકાર દ્વારા રચાયેલી સમિતિએ મોટી સંખ્યામાં લોકોને કુણબી પ્રમાણપત્રોનું વિતરણ પણ કર્યું છે.
જરાંગે પાટીલની માગ હતી કે હૈદરાબાદ ગેઝેટને પુરાવા તરીકે ધ્યાનમાં લેતા તે બધા મરાઠાઓને કુણબીનો દરજ્જો આપવામાં આવે, જેમના પૂર્વજોના નામ ગેઝેટમાં સામેલ રહ્યા છે. સરકારે તેમની માગણી સ્વીકારી છે, પરંતુ તેમને એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે આ રીતે સમગ્ર સમૂહને અનામત નહીં આપી શકાય. તેના માટે લોકોએ વ્યક્તિગત સ્તર પર અરજી કરવી પડશે, અને તેમના કેસોની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ તેમને કુણબી પ્રમાણપત્ર આપવામાં આવશે.
