
મધ્ય પ્રદેશમાં સરકારી આરોગ્ય વ્યવસ્થાની ખરાબ હાલત ફરી એકવાર ચર્ચામાં છે. અહીંની સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓની જગ્યાએ રખડતા ઢોર અને કૂતરા જોવા મળે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા 2 વીડિયો આનું જીવંત ઉદાહરણ છે. એક તરફ, સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓના બેડ પર એક કૂતરો આરામ કરી રહ્યો છે. બીજી તરફ જિલ્લા હૉસ્પિટલના પરિસરમાં રાત્રિના અંધારામાં ગાય અને બળદ ધમા-ચકડી મચાવી રહ્યા છે. આ વીડિયોએ ફરી એકવાર રાજ્યની સરકારી આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

આજ તકના રિપોર્ટ મુજબ, પહેલો વીડિયો સીધી જિલ્લાના રામપુર નૈકીનમાં સ્થિત સામુદાયિક આરોગ્ય કેન્દ્રનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પશુઓ હૉસ્પિટલના વોર્ડમાં કોઈપણ રોક-ટોક વિના ફરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી તસવીર એ છે કે જેમાં દર્દીઓ માટે રાખવામાં આવેલા બેડ પર એક કૂતરો આરામ કરી રહ્યો હતો. ન તો કોઈ ડૉક્ટર દેખાઇ રહ્યો છે, ન કોઈ કમ્પાઉન્ડર કે નર્સ, ન કોઈ સુરક્ષા ગાર્ડ. આખી હૉસ્પિટલ સામસુમ પડી છે.

બીજો વીડિયો જિલ્લા હૉસ્પિટલનો છે. આ વીડિયો લગભગ એક અઠવાડિયા જૂનો હોવાનું કહેવાય છે. તેમાં રાત્રે હૉસ્પિટલ પરિસરમાં ઢોર આમ-તેમ ભાગતા અને અવાજ કરતા જોવા મળે છે. કોઈએ હિંમત બતાવી અને આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. લોકો તેને શેર કરી રહ્યા છે અને સરકારને તીખા સવાલ પૂછી રહ્યા છે.

આ વીડિયો વાયરલ થતા જ સીધીના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) ડૉ. બબીતા ખરેએ તપાસનો આદેશ આપ્યો છે. રિપોર્ટ મુજબ, તપાસમાં બેદરકારી સામે આવી હતી, પરંતુ કાર્યવાહી માત્ર એક દેખાડા પૂરતો રહ્યો. ખાનગી સુરક્ષા કંપનીના સુરક્ષા કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મામલો દબાવી દેવામાં આવ્યો. ન તો કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલાની જવાબદારી લઈ રહ્યા છે, ન તો તેને સુધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. હૉસ્પિટલમાં દર્દીઓને સંક્રમણનું જોખમ છે. સવાલ એ ઊભો થાય છે કે ગંદકી અને રખડતા પ્રાણીઓની હાજરીને કારણે સ્વચ્છતાની સ્થિતિ શું હશે? સ્થાનિક લોકો આ અંગે કાર્યવાહીની માગ કરી રહ્યા છે, પરંતુ પ્રશાસન મૌન છે.
