
કેદારનાથ યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં શુક્રવારે આયોજિત એક ખુલ્લી બેઠકમાં ગ્રામજનોએ આગામી યાત્રા સીઝન 2026થી નેપાળી મૂળની મહિલાઓ અને બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આ બેઠકની અધ્યક્ષતા ગામના સરપંચ કુસુમ દેવીએ કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે માતા ગૌરીની આ પવિત્ર ભૂમિની ગરિમા અને તેનું મહત્ત્વ જાળવવા માટે આ પગલું ભરવું આવશ્યક થઈ ગયું છે.

તેમનો આરોપ છે કે પાછલા વર્ષોમાં ગૌરીકુંડમાં દારૂ અને માંસનો ગેરકાયદેસર વ્યવસાય કરતી નેપાળી મૂળની ઘણી મહિલાઓ પકડાઈ હતી, જેના કારણે આ વિસ્તારની પવિત્રતા પ્રભાવિત થઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર ફરિયાદ કરવા છતા, પ્રશાસન માત્ર ઔપચારિકતા ખાતર કાર્યવાહી કરતું રહ્યું, જેના કારણે ગ્રામસભાએ કડક નિર્ણય લેવો પડ્યો.

સરપંચ કુસુમ દેવીએ જણાવ્યું હતું કે, કેદારનાથ યાત્રામાં ગૌરીકુંડનું વિશેષ મહત્ત્વ છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં માતા ગૌરીના પવિત્ર દરબારમાં દર્શન કરવા આવે છે. પરંતુ પ્રશાસનની અવગણનાને કારણે આ સ્થળનું મહત્ત્વ ઘટી રહ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, નેપાળી મૂળના લોકો રોજગાર માટે આવી શકે છે, પરંતુ મહિલાઓ અને બાળકોને સાથે લાવવા પર પ્રતિબંધ રહેશે.
ટ્રેડ યુનિયનના અધ્યક્ષ રામચંદ્ર ગોસ્વામીએ પણ ગ્રામ સભાના નિર્ણયને સમર્થન કરતા કહ્યું હતું કે પ્રશાસન પાસેથી ઘણી વખત કાર્યવાહીની માગ કરવામાં આવી હતી, પરંતુ નક્કર પગલાંના અભાવે ગ્રામજનોએ મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો. ગ્રામસભાની આ બેઠકમાં ગામના સરપંચ મુકેશ ગોસ્વામી, મીના દેવી, મહેશ્વરી દેવી, સતેશ્વરી દેવી, અનૂપ ગોસ્વામી, મનોજ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.