
અક્ષય કુમાર અને અરશદ વારસીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘Jolly LLB 3’ આજે (19 સપ્ટેમ્બર) સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત આ કોર્ટરૂમ ડ્રામામાં ‘Jolly LLB’ સીરિઝના બંને લોકપ્રિય વકીલ, પહેલી ફિલ્મના અરશદ વારસી અને સિક્વલના અક્ષય કુમાર, કોર્ટરૂમમાં સામસામે જોવા મળી રહ્યા છે. સૌરભ શુક્લા પણ જજ સુંદર લાલ ત્રિપાઠી તરીકે વાપસી કરી રહ્યા છે. હુમા કુરેશી અને અમૃતા રાવ પણ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મને સારું એવું એડવાન્સ બુકિંગ મળ્યું છે અને હવે તેના સિનેમાઘરોમાં રીલિઝ થયા બાદ નેટિઝન્સે સોશિયલ મીડિયા પર તેનું રિવ્યૂ શેર કર્યું છે. ચાલો જાણીએ કે લોકોને Jolly LLB 3 કેવી લાગી.

લોકોને ‘Jolly LLB 3’ કેવી લાગી?
‘Jolly LLB 3’ની શરૂઆત સારી રહી છે, જેને વિવેચકો અને દર્શકો બંને તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે. લોકોએ સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની પ્રશંસા કરી છે. X (અગાઉ ટ્વીટર કહેવાતું હતું) પર એક યુઝરે લખ્યું કે, ‘દર્શકો માટે ખૂબ મનોરંજન સાથે એક સેન્સેશનલ કોર્ટરૂમ ડ્રામા આવી રહ્યા છે. અંતે અક્ષય કુમારની સ્પીચ તમને તાળીઓ પાડવા મજબૂર કરી દેશે. તેની કોમિક ટાઇમિંગ ‘સની’ જેવી લાગે છે. અરશદ વારસીએ સારો અભિનય કર્યો છે અને તમને સૌરભ શુક્લાનો નવો અવતાર જોવા મળશે. ગજરાજ રાવ એક શાનદાર ખલનાયક છે. ફિલ્મની સૌથી મોટી વિશેષતા તેનું લેખન છે અને ફાઇનલ ટેક તેને વધુ સારી બનાવે છે. કુલ મળીને, એક શાનદાર ફિલ્મ.’
અન્ય એક યુઝરે લખ્યું કે, દિગ્દર્શક સુભાષ કપૂરે વધુ એક સફળતા હાંસલ કરી છે, એટલે ફ્રેન્ચાઇઝીની સફળતાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અક્ષય કુમાર પોતાની વર્સેટાઇલ ટેલેન્ટ અને સ્ટાર પાવરનું પ્રદર્શન કરતા 2025માં અત્યાર સુધીનો શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે. પોતાની શાનદાર કહાની અને દમદાર અભિનય સાથે આ ફિલ્મ નિશ્ચિત રૂપે મોસ્ટ વોચ’ છે.
બીજા એક યુઝરે લખ્યું કે, ‘Jolly LLB 3 એક કમ્પલિટ પેકેજ છે, હ્યુમર સ્ટાયર, ડ્રામા, ઇમોશન્સ અને એક એવો મેસેજ છે, જે હૃદયને સ્પર્શી જાય છે. અક્ષય કુમાર શાનદાર ફોર્મમાં છે. અરશદ વારસી શાનદાર છે. સૌરભ શુક્લા ફાયર છે. હુમા કુરેશી અને અમૃતા રાવને ખૂબ ઓછી જગ્યા મળે છે.’
રીલિઝ અગાઉ ‘Jolly LLB 3’ને ન્યાયતંત્રની મજાક ઉડાવવાના આરોપમાં વિવાદનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને તેના પ્રમોશનલ કન્ટેન્ટ અને ‘ભાઈ વકીલ હૈ’ ગીત દ્વારા. જોકે બોમ્બે અને અલ્લાહબાદ હાઈકોર્ટે અરજીઓ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે વ્યંગ્ય ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતું નથી. બાદમાં કેટલાક નાના એડિટિંગ બાદ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ U/A પ્રમાણપત્ર અને ‘16+ એડવાઈઝરી’ સાથે મંજૂરી આપવામાં આવી હતી.

