
દુનિટમાં જેમ જેમ સાયબર ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે, તેમ તેમ સાયબર-સંબંધિત ગુનાઓ પણ ચિંતાનું કારણ બની રહ્યા છે. આજે, મુખ્ય યુરોપિયન એરપોર્ટ પર એક સાથે સાયબર હુમલાઓ થયા, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો. આ સાયબર હુમલાઓને કારણે યુરોપના સૌથી વ્યસ્ત પૈકીના એક લંડનના હીથ્રો એરપોર્ટ, પોર્ટુગલના બ્રસેલ્સ એરપોર્ટ અને બર્લિન એરપોર્ટ પર ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. ત્યાં સુધી કે, સેંકડો ફ્લાઇટ્સ મોડી પડી અને ઘણી રદ કરવામાં આવી. ઓટોમેટેડ મશીનો ખરાબ થવાથી મુસાફરોને લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહેવું પડ્યું, જેના કારણે વ્યાપક વિક્ષેપ પડ્યો.

એક અંગ્રેજી સમાચારપત્રના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કોલિન્સ એરોસ્પેસને લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું, જે એ કંપની છે, જે વિશ્વભરની એરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ સોફ્ટવેર પ્રદાન કરે છે. કંપનીની પેરેન્ટ કંપની, RTXએ જણાવ્યું હતું કે તેના સોફ્ટવેરમાં ‘સાયબર-સંબંધિત ખામી’ હતી, જેના કારણે કેટલાક એરપોર્ટ પ્રભાવિત થયા હતા. સાયબર હુમલો શુક્રવાર રાત્રે (19 સપ્ટેમ્બર)થી શરૂ થયો અને શનિવાર સવાર સુધી ફેલાઈ ગયો. હેકર્સે એવી સિસ્ટમોને નિશાન બનાવી હતી જે ઇલેક્ટ્રોનિક ચેક-ઇન અને સામાન છોડવામાં વિક્ષેપ પાડે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ મુદ્દો ઇલેક્ટ્રોનિક ઘટકો સુધી મર્યાદિત હતો અને તેને મેન્યુઅલી મેનેજ કરી શકાય છે. તેઓ શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યા છે.

બ્રસેલ્સ એરપોર્ટ મેનેજમેન્ટે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, ઓટોમેટેડ સિસ્ટમ્સ સંપૂર્ણપણે બંધ છે, તેથી ફક્ત મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ જ થઈ રહ્યું છે. આનાથી ફ્લાઇટના સમયપત્રક પર ગંભીર અસર પડી છે અને તેના પરિણામે વિલંબ અથવા રદ થયા છે. હીથ્રો એરપોર્ટ મેનેજમેન્ટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે થર્ડ પાર્ટી સપ્લાયર સાથે ‘ટેકનિકલ સમસ્યા’ મુસાફરોને પ્રસ્થાન કરતા વિલંબનું કારણ બની શકે છે. બર્લિન એરપોર્ટે પણ એમ જણાવ્યું હતું કે, સમગ્ર યુરોપમાં સિસ્ટમ પ્રદાતા સાથે ખામી લાંબા ચેક-ઇન રાહ જોવાનું કારણ બની રહી છે. ત્રણેય એરપોર્ટ મેનેજમેન્ટે ઝડપી ઉકેલની આશા વ્યક્ત કરી હતી. મુસાફરોને પોતાના ઘરેથી પ્રસ્થાન કરતા પહેલા એરલાઇન સાથે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી હતી.

યુરોપિયન એરપોર્ટ પર સાયબર હુમલા પછી, એર ઇન્ડિયાએ મુસાફરો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામાની અંદર એમ જણાવાયું છે કે, હીથ્રો એરપોર્ટથી ઉપડતી ફ્લાઇટ્સમાં કેટલાક વિક્ષેપો શક્ય છે. થર્ડ પાર્ટી ટેકનિકલ સિસ્ટમમાં ખામી ચેક-ઇનમાં સમસ્યાઓનું કારણ બની રહી છે. નિષ્ણાતોની એક ટીમ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે.

આ ઘટના એરપોર્ટ સાયબર સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કરે છે. નિષ્ણાતો કહે છે કે, હવાઈ મુસાફરી સિસ્ટમ હેકર્સ માટે સરળ લક્ષ્ય બની ગઈ છે. ફ્રેન્કફર્ટ એરપોર્ટને અસર થઈ ન હતી, પરંતુ અન્યત્ર તપાસ ચાલી રહી છે. ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન થાય તે માટે યુરોપિયન નિયમનકારો પરિસ્થિતિની સમીક્ષા કરશે. પરંતુ હાલમાં, મુસાફરો મેન્યુઅલ પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે, જે લાગતો વધારે સમય અસુવિધા ઉત્પન્ન કરી રહ્યો છે. જો તમારી ફ્લાઇટ આ એરપોર્ટથી છે, તો અપડેટ્સ માટે તપાસ કરતા રહો!

