
આજથી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ખેલૈયાઓ નવરાત્રિ મહોત્સવમાં મનમુકીને ખૂબ થનગનતા હોય છે. ગઇકાલે ગુજરાતના સૌથી મોટા યુનાઈટેડ વેના ગરબામાં પાસ વિતરણમાં હોબાળો થયો હતો. ઓનલાઈન બુકિંગ બાદ પાસ લેવા પહોંચેલા ખેલૈયાઓમાં અવ્યવસ્થાના કારણે અફરાતફરી મચી જતા ગઈ હતી. તેમજ ઓફિસના કાચ તૂટી જતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ સ્થિતિ બગડતા પોલીસને બોલાવવી પડી હતી. તો બીજી તરફ વડોદરા મહાનગર્પાલિકાએ પ્રસિદ્ધ ગરબા ગ્રુપનો ગરબા કાર્યક્રમ રદ કરીને તેમની અને ખેલૈયાઓની મજા બગાડી દીધી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.
ગઇકાલે રાજ્યોના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડોમાં અંતિમ ઓપ અપાઈ ગયો હશે. એવામાં શહેરના પ્રસિદ્ધ બીટા ગરબાની મંજૂરી વડોદરા મહાનગરપાલિકાએ રદ કરવાની જાણ કરતા ખેલૈયાઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટૂરિઝ્મ વિભાગે તરત કાર્યવાહી કરીને બીટા ગ્રુપને અપાયેલી ગરબા મંજૂરી રદ કરવાની અધિકૃત જાહેરાત કરી છે. તેમણે નોટિસમાં જણાવ્યું છે કે, શ્રી છોટુભાઈ પુરાણી પેવેલિયન (અકોટા સ્ટેડિયમ)ની ફાળવણી રદ કરવા બાબતે આપશ્રીની અનુસંધાન પત્ર 01ની માગણી અનુસાર ગરબા માહોત્સવના કાર્યક્રમ અર્થે શ્રી છોટુભાઈ પુરાણી પેવેલિયન (અકોટા સ્ટેડિયમ) સ્થાયી સમિતિ ઠરાવ અંક 146/તા 22.08.2025ના આધારે આપશ્રીને નવરાત્રિ મહોત્સવ ફાળવી આપવામાં આવ્યું હતું. હાલમાં માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અનુસાર સદર ફાળવણી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે જેની ખાસ નોંધ લેશો.

મળતી માહિતી મુજબ, આકસ્મિક લેવાયેલા આ નિર્ણાયક પગલાની પાછળનું કારણ એક વિવાદાસ્પદ ઘટનાને માનવામાં આવે છે. બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કોર્પોરેશનના એક કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેણે બે લાફા મારી દીધા હતા. આ ઘટનામાં બીટા ગ્રુપના અન્ય સંચાલક હરજીતસિંહ સોઢી પણ સામેલ હોવાના આક્ષેપ છે.
વિવાદ ત્યારે થયો જ્યારે કોર્પોરેશનનો એક કર્મચારી ગરબા સ્થળ પર મટિરિયલ નાખવા માટે પહોંચ્યો હતો. ત્યાં તેણે અપશબ્દો અને ધમકીનો સામનો કરવો પડ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતા જોતા પોલીસમાં પણ જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સોઢી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તો અમદાવાદની વાત કરીએ તો શહેરમાં નવરાત્રીને લઈને શહેર પોલીસને કુલ 84 આયોજકોએ મંજૂરી માટે અરજી કરી હતી. પોલીસે 29 આયોજકને મંજૂરી આપી છે. માર્ગદર્શિકાના તમામ નિયમોના પાલન બાદ મંજૂરી મળશે. ફાયર NOC, CCTV, ઇલેક્ટ્રિક સર્ટિફિકેટ, PWDના મંજૂરી પત્ર બાદ પોલીસ વિભાગ ગરબા આયોજકને મંજૂરી આપશે.

અમદાવાદમાં નવરાત્રીને લઈ પોલીસની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે અને એક્શન પ્લાન પણ તૈયાર છે. મળતી માહિતી પ્રમાણે કુલ 49 જેટલી ‘શી’ ટીમ કાર્યરત રહેશે. શી ટીમ દ્વારા 28 ગરબા ક્લાસમાં 3000 જેટલી મહિલાઓને સુરક્ષાની તાલીમ આપવામાં આવી છે. ખાસ કરીને ‘શી’ ટીમ, SG હાઈવે, સિંધુભવન રોડ પર હાજર રહેશે. ડાર્ક સ્પોટ કે જ્યાં CCTV નથી ત્યાં હાજર રહેશે. સાદા કપડાંમાં પોલીસ રોમિયો અને છેડતી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરશે. નવરાત્રીમાં 15 DCP, 30 ACP,160 PI સહિત 5000 પોલીસકર્મી તૈનાત રહેશે. આ સિવાય 4000 હોમગાર્ડ પણ ઉપસ્થિત રહેશે. 3 SRP કંપની અને 1 સ્પેશિયલ એન્ટી ફોર્સ લૉ એન્ડ ઓર્ડરની ટીમ બંદોબસ્તમાં હાજર રહેશે. પાર્કિંગમાં રહેલી બ્લેક ફિલ્મવાળી ગાડી લોક કરવામાં આવશે. સ્ટંટ કરનાર અને બાઈક રેસર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
DCP (કંટ્રોલ રૂમ) રિમા મુંશીએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 850 સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્ટી પ્લોટમાં થતા ગરબા માટે SPએ આયોજકોને સૂચના આપી હતી કે, ‘માતાજીની આરાધનાના ગીતો જ ગરબામાં વગાડવામાં આવે. અસમાજિક તત્વોને ગરબા સ્થળોએ નો-એન્ટ્રી ફરમાવવામાં આવી છે. 1200થી વધુ કર્મચારીઓ ગરબામાં બંદોબસ્તમાં જોડાશે. CCTV, આરોગ્ય, ફાયર સેફ્ટી, સિક્યુરિટીની વ્યવસ્થા રાખવા પણ આદેશ આપવામાં આવ્યો છે. શાંતિ પૂર્વક માહોલ વચ્ચે ગરબાઓ યોજાય તે માટેના તંત્રના પ્રયાસ છે.
