fbpx

ટેરિફથી દુનિયાને ડરાવી રહેલા ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટોમાંથી થોડા જ દિવસોમાં 11451 કરોડ કમાયા

Spread the love
ટેરિફથી દુનિયાને ડરાવી રહેલા ટ્રમ્પના પરિવારે ક્રિપ્ટોમાંથી થોડા જ દિવસોમાં 11451 કરોડ કમાયા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફથી દુનિયાના તમામ દેશોને ડરાવી રહ્યા છે. તેમને ક્રિપ્ટો પ્રેમી પણ માનવામાં આવે છે અને તેઓ આમાંથી ઘણી કમાણી કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ, ટ્રમ્પ પરિવારે થોડા અઠવાડિયામાં જ ક્રિપ્ટો બિઝનેસમાંથી 1.3 બિલિયન ડૉલરની જંગી કમાણી કરી છે. ખાસ વાત એ છે કે, આ બે વ્યવસાયો શરૂ થયાને એક વર્ષ કરતા પણ ઓછો સમય થયો છે, તેઓ કમાણીની દ્રષ્ટિએ રોકેટ બની ગયા છે. ટ્રમ્પ પરિવારનું બિટકોઈનમાં મોટું રોકાણ છે.

Trump Family Crypto

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારે થોડા અઠવાડિયામાં જ તેમના બે ક્રિપ્ટો સાહસો દ્વારા લગભગ 1.3 બિલિયન ડૉલરની કમાણી કરી છે, જે ભારતીય ચલણમાં 11451 કરોડ રૂપિયાથી વધુ છે. આમાંનું પહેલું સાહસ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ છે, જ્યારે બીજું અમેરિકન બિટકોઇન કોર્પ છે અને તેને ખોલ્યાને હજુ એક વર્ષ પણ થયું નથી.

રિપોર્ટ મુજબ, ટ્રમ્પ પરિવારની કુલ નેટવર્થ હવે લગભગ 7.7 બિલિયન ડૉલર (રૂ. 67,808 કરોડથી વધુ) છે. આ તીવ્ર વધારો તેમના ગોલ્ફ કોર્ટ અને રિસોર્ટ પ્રોપર્ટી તેમજ ક્રિપ્ટો સાહસો દ્વારા જોવા મળ્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, કુલ સંપત્તિમાં લગભગ 4 બિલિયન ડૉલર મૂલ્યના લોક્ડ ટોકન્સ ઉપરાંત, ક્રિપ્ટો સંપત્તિઓને પણ પરિવારની સંપત્તિનો ભાગ માનવામાં આવે છે.

Trump Family Crypto

રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના મોટા પુત્ર ડોનાલ્ડ જુનિયર સાથે, એરિક ટ્રમ્પ પણ ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ ચેરમેન છે અને પરિવારના ક્રિપ્ટો પોર્ટફોલિયોનો જાહેર ચહેરો બની ગયા છે. 3 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ શરૂ થયું ત્યારે અમેરિકન બિટકોઇનમાં એરિક ટ્રમ્પનો હિસ્સો 500 મિલિયન ડૉલરથી વધુ હોવાનો અંદાજ હતો.

આ ઉપરાંત, ટ્રમ્પના સૌથી નાના પુત્ર બેરોન ટ્રમ્પ દ્વારા સ્થાપિત વર્લ્ડ લિબર્ટીએ 1 સપ્ટેમ્બરના રોજ ટોકન રિઝર્વ માટે લિસ્ટેડ કંપની Alt5 સિગ્મા સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં ટ્રમ્પના પરિવારની નેટવર્થમાં 670 મિલિયન ડૉલરનો વધારો જોવા મળ્યો હતો.

Trump Family Crypto

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ અને ગોલ્ફ કોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા ટ્રમ્પ પરિવાર માટે, ક્રિપ્ટો વ્યવસાય તેમના માટે સંપત્તિ વૃદ્ધિનો મુખ્ય અને મહત્વપૂર્ણ સ્ત્રોત બની રહ્યો છે. જોકે, ક્રિપ્ટો માર્કેટમાં તેમની મોટી સંડોવણી માટે ડેમોક્રેટિક સાંસદો દ્વારા આ પરિવારને સતત નિશાન બનાવવામાં આવ્યો છે, જેઓ તેમની સતત ટીકા કરે છે. તેઓ કહે છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર ક્રિપ્ટોમાંથી નફો કમાઈ રહ્યો છે, જ્યારે તેઓ આ ઉદ્યોગ પરના નિયમો અને અમલીકરણ ઘટાડી રહ્યા છે.

Trump Family Crypto

અમેરિકન બિટકોઈનના સહ-સ્થાપક અને મુખ્ય વ્યૂહાત્મક અધિકારી એરિક ટ્રમ્પે ગયા અઠવાડિયે એક મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે, તેમના પિતા US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવારના ક્રિપ્ટો વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી. ડેમોક્રેટિક સાંસદોની ટીકા અંગે, એરિકે કહ્યું છે કે, ‘ડેમોક્રેટ્સ ગમે તે વિચારે, તેમના પિતાને તેમના ક્રિપ્ટો સાહસો સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ એક દેશ ચલાવી રહ્યા છે અને તેઓ કોઈપણ રીતે, કોઈપણ સ્વરૂપમાં અમારા વ્યવસાયોમાં સામેલ નથી.’

error: Content is protected !!