
ઉત્તર પ્રદેશમાં, FIR, ધરપકડ અને સર્ચ વોરંટ સહિત કોઈપણ પોલીસ દસ્તાવેજોમાં આરોપીઓની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. વધુમાં, રાજ્યમાં જાતિ આધારિત રેલીઓ યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ અંગે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. આદેશ પછી, રાજ્યના મુખ્ય સચિવે નવા નિયમો અંગે નિર્દેશો બહાર પાડયા છે.

આ આદેશ અનુસાર, ગુનેગારોને ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલા CCTNS (ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ) પોર્ટલમાંથી પણ જાતિ કોલમ કાઢી નાખવામાં આવશે. આ સાથે આરોપીને ઓળખવા માટે પિતાના નામ સાથે માતાનું નામ પણ સામેલ કરવામાં આવશે. આ સંદર્ભમાં રેકોર્ડ અપડેટ કરવા માટે NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો)ને પણ વિનંતી કરવામાં આવશે. પોર્ટલ પરથી જાતિ કોલમ કાઢી ન નાખવામાં આવે ત્યાં સુધી તે ખાલી રાખવામાં આવશે.
આ ઉપરાંત, પોલીસ સ્ટેશનના નોટિસ બોર્ડ, પોલીસ જપ્તી રિપોર્ટ, ધરપકડ અથવા સર્ચ મેમો, FIR અને ચાર્જશીટમાં આરોપીઓની જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે નહીં. જોકે, જો કોઈ ચોક્કસ કેસમાં જાતિ જાહેર કરવી કાયદેસર રીતે જરૂરી હોય, તો ત્યાં આ નિયમમાંથી મુક્તિ મળશે.

પોલીસ દસ્તાવેજો ઉપરાંત, વાહનો અથવા જાહેર સ્થળો પર જાતિ લખવા અથવા જાતિને અતિશયોક્તિ કરતા સૂત્રો/પોસ્ટર લગાવવા પર પણ પ્રતિબંધ રહેશે. આમ કરતા પકડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, જાતિનો મહિમા કરતી અથવા કોઈપણ જાતિને બદનામ કરતી સોશિયલ મીડિયા પર પોસ્ટ પર પણ નજર રાખવામાં આવશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, અલ્હાબાદ હાઈકોર્ટે 19 સપ્ટેમ્બર, 2025ના રોજ પ્રવીણ છેત્રી વિરુદ્ધ રાજ્ય, દારૂની દાણચોરી સંબંધિત કેસમાં આ ચુકાદો આપ્યો હતો. અરજદારે FIR અને જપ્તી મેમોમાં તેમની જાતિના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે સંમતિ દર્શાવતા તેને બંધારણીય નૈતિકતા વિરુદ્ધ ગણાવ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, જાતિનો મહિમા કરવો એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પોલીસ દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં સુધારો કરવા અને તમામ આરોપીઓ, માહિતી આપનારાઓ અને સાક્ષીઓ માટે જાતિ સંબંધિત કોલમ દૂર કરવાનો આદેશ આપ્યો હતો.

અલહાબાદ હાઈકોર્ટે જાતિ વ્યવસ્થા પર કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સમાજમાં જાતિનું મહિમા બંધ થવું જોઈએ. કોર્ટે સરકારી દસ્તાવેજો, વાહનો અને જાહેર સ્થળો પરથી જાતિના નામ, પ્રતીકો અને ચિહ્નો દૂર કરવાનો પણ આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે, જો દેશને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો જાતિ પ્રથા નાબૂદ કરવી પડશે. પોતાના ઐતિહાસિક નિર્ણયમાં, હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના ઇટાવામાં કથિત દારૂની દાણચોરી સંબંધિત ફોજદારી કાર્યવાહી રદ કરવાની અરજદારની વિનંતીને ફગાવી દેતી વખતે કડક ટિપ્પણી કરી હતી.
