
ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં નિચલૌલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે આયોજિત આરોગ્ય મેળા દરમિયાન મોટો વિવાદ થયો. સ્થાનિક ધારાસભ્ય પ્રેમ સાગર પટેલ અને CHC સુપરિન્ટેન્ડેન્ટ ઉમેશ સિંહ વચ્ચે ઝઘડો થયો. આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્યએ દર્દીઓને બદલે સ્ટેજની સામે ખુરશીઓ પર આશા અને ANM બેઠેલા જોયા. તેમણે તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટ (DM)ને ફરિયાદ કરવા માટે વીડિયો કોલ કર્યો. આ દરમિયાન, સુપરિન્ટેન્ડેન્ટે ધારાસભ્યના હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે ધારાસભ્ય ગુસ્સે થઈ ગયા.

વાઈરલ વીડિયોમાં, BJPના ધારાસભ્ય (સિસવા વિધાનસભા) પ્રેમ સાગર પટેલ ગુસ્સામાં કહેતા જોવા મળે છે, ‘તમે તમારા મોબાઇલ ફોનથી વાત કરો…, તમે મારા ફોનને કેવી રીતે હાથ લગાવી શકો છો? તમે એવું ઈચ્છો છો કે હું તમારી પર હાથ ઉપાડું તો તમે માનશો કે હું MLA છુ?’ તેમણે સુપરિન્ટેન્ડેન્ટને ઠપકો આપતા કહ્યું કે, તેઓ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરાવી દેશે, કારણ કે તેઓ બધા કર્મચારીઓ હતા અને મેળામાં તેઓ ફરજ પર હાજર રહેવા જોઈએ, ખુરશીઓ પર બેસવા માટે નહીં. ધારાસભ્યએ વીડિયો કોલ પર DMને એ પણ બતાવ્યું કે, કેવા પ્રકારના મોટા મોટા પંખા લગાવ્યા છે, જયારે બીજી બાજુ ગરમીમાં જનતા કેટલી મુશ્કેલી ભોગવી રહી છે.

ધારાસભ્ય પ્રેમ સાગર પટેલે આરોપ લગાવ્યો કે, CM યોગી આદિત્યનાથ અને PM નરેન્દ્ર મોદીનું લક્ષ્ય ગરીબ અને નિરાધાર લોકોને આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું છે, પરંતુ અહીં તેનાથી વિપરીત થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, તેમણે મેળામાં ભીડ સુનિશ્ચિત કરવા માટે સુપરિન્ટેન્ડેન્ટને પહેલાથી જ સૂચના આપી દીધી છે. જ્યારે ધારાસભ્ય DM સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે સુપરિન્ટેન્ડેન્ટે તેમનો મોબાઇલ ફોન છીનવી લીધો અને કહ્યું કે, સવારથી 400 OPD ચલાવવામાં આવી છે, જેનાથી ધારાસભ્ય ગુસ્સે થયા. ધારાસભ્યએ તેને મજાક ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે, આ મેળો કર્મચારીઓ માટે નથી, પરંતુ જનતા માટે છે.

વીડિયો વાયરલ થયા પછી, CMO શ્રીકાંત શુક્લાએ આ બાબતની નોંધ લીધી અને CHC સુપરિન્ટેન્ડેન્ટ ઉમેશ સિંહને તેમના પદ પરથી હટાવી દીધા. CMOએ જણાવ્યું કે, સુપરિન્ટેન્ડેન્ટ વારંવાર તેમની ફરજોમાં બેદરકારી દાખવી રહ્યા હતા. તેમણે બતાવ્યું કે ધારાસભ્યએ ગેરવહીવટ અંગે ફરિયાદ કર્યા પછી અને તેમને અધિક્ષક પદ પરથી દૂર કરવાનો આદેશ આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં, ઉમેશ સિંહને તેમની ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
