
ગુજરાત રાજ્યના બિસ્માર રસ્તાઓને લઇને ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન.રેની ખંડપીઠે ખાસ કરીને રાજ્યના બિસ્માર હાઇવેની સ્થિતિને લઇ ગંભીર નોંધ લેતા કરતા કહ્યું હતું કે, આવા ખરાબ અને તૂટેલા રસ્તા પરથી પસાર થવુ એ એક ભયાનક અનુભવ છે. આ સાથે જ કોર્ટે પોતાનો ભરૂચથી સુરત જવાનો ભયાનક અને દુઃખદાયક અનુભવ બતાવ્યો હતો.
હાઇકોર્ટે હાઇવેના ખરાબ સ્થિતિના મામલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની નિંદા કરતા કહ્યું હતું કે, તેમણે આ હાઇવેની દુર્દશા પોતાની નજરે જોઇ છે. હાઇવેનો આ પટ્ટો ખાડા-ખાબોચિયાથી ભરેલો છે. જેના કારણે વાહનો આગળ વધી શકતા નથી અને ભયંકર ટ્રાફિક જામ થાય છે. અહીંનો એક બ્રિજ ક્રોસ કરવામાં લોકોના કલાકો લાગી જાય છે. આ પરિસ્થિતિ દયનીય છે. જો જજ તરીકે આ વિકરાળ સમસ્યાનો ભોગ બન્યા હોઇએ તો સામાન્ય નાગરિકોને તો કેટલું ભોગવવું પડતું હશે! હાઇકોર્ટે આ તમામ મુદ્દે NHAIને જવાબ આપવા આદેશ કરી કેસની સુનાવણી આગામી મહિને કરશે.

ચીફ જસ્ટિસની પીઠે સુનાવણી બાદ આદેશમાં નોંધ્યું હતું કે, કાયદા મુજબ આ વિસ્તારના ટોલ પ્લાઝામાં હાઇવે ઓથોરિટી ટોલ નહીં લઇ શકે. કન્સેશન એગ્રિમેન્ટ આ રૂટ્સના પૂર્ણ થઇ ગયા છે. તેથી આ એગ્રિમેન્ટ પૂર્ણ થયા બાદ 40 ટકાથી વધુ ટોલ ઉઘરાવી નહીં શકે. અરજદારો તરફથી હાજર એડવોકેટે જણાવ્યું હતું કે કન્સેશન એગ્રિમેન્ટ પૂર્ણ થઇ ગયા બાદ ઓથોરિટી આ રીતે ટોલ ઉઘરાવી નહીં શકે. કેન્દ્ર સરકારે રૂલ્સમાં સંશોધન કર્યા છે, પરંતુ 2024 સુધી ટોલના રેટ નક્કી કરવામાં આવ્યા નહોતા. એટલે જૂના રેટ મુજબ NHAI ટોલ વસૂલી નહીં શકે. એટલે વર્ષ 2022થી 2024 સુધીમાં જે વધારાનો ટોલ ઉઘરાવવામાં આવ્યો છે, તે રિફંડ કરવાની દાદ માંગવામાં આવી છે.
હાઇકોર્ટે વધુમાં નોંધ લીધી હતું કે, ભરૂચ-સુરત અને સુરત-દહિસર હાઇવેની પરિસ્થિતિ ખૂબ બિસ્માર અને જર્જરીત છે. 4 મહિનાથી તો અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે. સ્ટ્રીટ લાઇટ્સ ચાલતી નથી. રોડની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વાહનચાલકોના જીવને જોખમ છે. રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. આવા બિસ્માર રોડ માટે NHAI ટોલ નહીં લઈ શકે. રોડની ખરાબ હાલતને કારણે અહી હંમેશાં ભારે ટ્રાફિકની સમસ્યા રહે છે. જેથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આ વિસ્તારના હાઇવેની હાલત અત્યંત ખરાબ છે અને કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવે તો કોર્ટે જાતે નિર્ણય લેવા પડશે. NHAIની દલીલ હતી કે અંકલેશ્વર ખાતેના GIDCના લીધે અનેક ટ્રક અને ટેન્કર્સ હાઇવેના સર્વિસ રોડ પર પાર્ક થયેલા હોય છે. જેના પરિણામે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તો કોર્ટે કહ્યું હતું કે, આવી દલીલ ચલાવી નહીં લેવાય. NHAI હાઇવેના ઓપરેશન્સ માટે ટોલ વસૂલો છો તો તમામ વહીવટ કરવો પડે. જો તમે ટ્રાફિક માટે જવાબદારો સામે પગલાં ન લઇ શકતા હોવ કોર્ટ આદેશ કરશે.
ઉલ્લેખનીય છે કે ભરૂચથી સુરત અને સુરતથી દહીંસર વચ્ચેના બે સેક્શનમાં પાંચ ટોલ પ્લાઝા છે તેના ક્નસેશન એગ્રીમેન્ટ વર્ષ-2022માં જ પુરા થઇ ગયા છે, તેથી અહીંથી પસાર થતાં વાહનચાલકો પાસેથી ટોલ લેવાનું બંધ કરી દેવું જોઇએ. સત્તાવાળાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઇ નિરાકરણ આવતું નથી. પાંચ ટોલ પ્લાઝાના કરાર પૂરા છતા ટોલ લેવાય છે. કેસની સુનાવણી દરમિયાન ઉપરોકત માર્મિક ટકોર અને નિર્દેશ બાદ હાઇકોર્ટ કેસની વઘુ સુનાવણી આગામી મહિને કરશે.
