
સોશિયલ મીડિયા પર ઘણીવાર નવી ચર્ચાઓને જન્મ આપતા વીડિયો વાયરલ થાય છે. તાજેતરમાં, આવી જ એક ઘટના સામે આવી છે, જે પરંપરા અને આધુનિક વિચારસરણી વચ્ચેના ઘર્ષણને સપાટી પર લાવે છે. આ વીડિયો એક મંદિરનો છે, જ્યાં એક યુવતીને ટૂંકા વસ્ત્રો પહેરવાને કારણે મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. આના કારણે તે મહિલા અને મંદિરના પૂજારી અને સાથે સુરક્ષા માટે તૈનાત પોલીસ દળ વચ્ચે ઉગ્ર દલીલ શરુ થઇ ગઈ હતી.

X પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં, મહિલા ગેટ પર ઉભી છે અને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. જોકે, ત્યાં હાજર પૂજારી અને પોલીસ કર્મચારીઓ તેને રોકે છે. તેઓ કહે છે કે મંદિર એક ધાર્મિક સ્થળ છે અને મુલાકાતીઓએ યોગ્ય, પરંપરાગત વસ્ત્રો પહેરીને અંદર આવવું જોઈએ. બીજી બાજુ, મહિલા દલીલ કરે છે કે, ભગવાનના દર્શન માટે કપડાં નહીં, મન શુદ્ધ હોવું જરૂરી છે.

વીડિયોમાં, મહિલાને કહેતા સાંભળી શકાય છે કે, ‘આ નિયમો ભગવાને નહીં, પણ તમારા લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે.’ આ દલીલ થોડા સમય સુધી ચાલુ રહી, અને થોડા જ સમયમાં, ત્યાં હાજર લોકોએ એક વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. વીડિયો વાયરલ થતાં જ, ઇન્ટરનેટ વપરાશકર્તાઓ બે ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા.

એક તરફ, ઘણા લોકોએ મંદિર પ્રશાસનને ટેકો આપ્યો અને કહ્યું કે ધાર્મિક સ્થળોએ પરંપરા અને પવિત્રતા જાળવવા માટે ડ્રેસ કોડ હોવો જોઈએ. બીજી તરફ, કેટલાક લોકોએ યુવતીનો બચાવ કરતા કહ્યું કે, દરેકને ભગવાનના ઘરમાં પ્રવેશવાનો અધિકાર છે, પછી ભલે તેણે કોઈ પણ કપડાં પહેર્યા હોય.
સોશિયલ મીડિયા યુઝર્સે રમુજી ટિપ્પણીઓ પણ કરી. એકે લખ્યું, ‘જો ક્લબ ડ્રેસ કોડ રાખી શકે છે, તો મંદિરો કેમ નહીં?” જ્યાં બીજા યુઝરે કહ્યું, ‘ભગવાન કપડાંથી નહીં, મનની ભાવનાઓથી ખુશ થાય છે.’

એક ટિપ્પણીમાં લખ્યું, ‘બધા મંદિરોમાં બંને, પુરુષો અને સ્ત્રીઓ માટે કડક ડ્રેસ કોડ હોય છે. સામાન્ય સમજ માટે બાળપણથી જ આ શીખવવામાં આવે છે. કમનસીબે, તેને નિયમ તરીકે લાદવો પડે છે, કારણ કે લોકોમાં સમજણનો અભાવ છે. આ તસવીર એક મંદિરની છે કે જ્યાં મેં તાજેતરમાં મુલાકાત લીધી હતી.’
જો કે, આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેણે એક મોટી ચર્ચાને જન્મ આપ્યો છે કે, ‘પરંપરાઓનું સન્માન કરવું વધુ મહત્વપૂર્ણ છે કે વ્યક્તિગત સ્વતંત્રતા?’

