
જમ્મુ અને કાશ્મીર BJPના નેતા જહાંઝૈબ સિરવાલે ચેતવણી આપી છે કે, જો પાર્ટી ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ થઇ રહેલી કથિત કાર્યવાહી સામે કોઈ પગલાં ન લીધા તો તેઓ BJPમાંથી રાજીનામું આપવા માટે મજબુર થશે. તેમણે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથના તાજેતરના નિવેદનોને ‘અસ્વીકાર્ય’ ગણાવ્યા અને રાજ્ય પોલીસ પર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ ‘બદલાની ભાવના’ સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો.
BJP નેતા સિરવાલે કહ્યું કે, ઉત્તર પ્રદેશની પરિસ્થિતિ PM નરેન્દ્ર મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના સિદ્ધાંતની વિરુદ્ધ જઈ રહી છે. તેમના મતે, રાજ્ય સરકારનું વલણ ‘સમાજનું વિભાજન કરનારું’ છે, અને “કોઈ પણ આધાર વગર કાયદાકીય કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.’ સિરવાલે કહ્યું કે, નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કોઈપણ એક સમુદાયને નિશાન બનાવવાને બદલે તમામ ગુનેગારોને જવાબદાર ઠેરવવા જોઈએ.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, ‘જો પાર્ટી મુસ્લિમ સમુદાયનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં નહીં લે, તો તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.’
હકીકતમાં, 4 સપ્ટેમ્બરના રોજ, કાનપુરમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબીના જુલુસ દરમિયાન, ‘આઈ લવ મોહમ્મદ’ લખેલું બોર્ડ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ માટે 24 લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી, 26 સપ્ટેમ્બરના રોજ, બરેલીમાં શુક્રવારની નમાજ પછી, કોટવાલી વિસ્તારમાં એક મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકો ‘આઈ લવ મોહમ્મદ’ પોસ્ટરો સાથે એકઠા થયા હતા, જેના કારણે અથડામણ થઈ હતી. પોલીસે મોટી કાર્યવાહી કરી હતી અને સ્થાનિક મૌલવી સહિત 68 લોકોની ધરપકડ કરી હતી. CM યોગી આદિત્યનાથે ચેતવણી આપી હતી કે, કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના કોઈપણ પ્રયાસ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોતાના નિવેદનમાં, સિરવાલે કહ્યું કે, તેઓ એક મુસ્લિમ અને સમર્પિત BJP નેતા છે, પરંતુ UP સરકારના તાજેતરના પગલાંથી તેમને ખૂબ દુઃખ થયું છે. તેમણે કહ્યું કે ‘આઈ લવ મોહમ્મદ’ બેનર દ્વારા મુસ્લિમ સમુદાય દ્વારા ધાર્મિક પ્રેમની અભિવ્યક્તિને ગુનાહિત બનાવવામાં આવી રહી છે.

તેમણે કહ્યું, ‘શ્રદ્ધાની નિષ્ઠાવાન અભિવ્યક્તિનો જવાબ FIR, ધરપકડ અને ભડકાઉ નિવેદનો દ્વારા આપવામાં આવ્યો છે. આમાં CM આદિત્યનાથના ‘ડેટિંગ-પેઇન્ટિંગ’ અને પેઢીઓને પાઠ શીખવવાના નિવેદનોનો સમાવેશ થાય છે. આવા નિવેદનો માત્ર સમાજને વિભાજીત કરતા નથી પરંતુ કલમ 25 હેઠળ આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું પણ ઉલ્લંઘન કરે છે.’
સિરવાલે કહ્યું કે UPના CMને કોઈપણ સમુદાયને ધમકી આપવાનો કે ચૂપ કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે CM યોગી આદિત્યનાથના નિવેદનોને ‘લોકશાહી મૂલ્યોનો વિશ્વાસઘાત અને બંધારણનું અપમાન’ ગણાવ્યા. તેમણે કહ્યું, ‘અમે મુસ્લિમો આવી ધમકીઓ સામે ઝૂકીશું નહીં અને પયગંબર મોહમ્મદ પ્રત્યેના અમારા પ્રેમને ગુનાહિત બનવા દઈશું નહીં.’
તેમણે કહ્યું કે, એક મુસ્લિમ BJP નેતા તરીકે, જ્યારે તેમના સમુદાયના અધિકારોને કચડી નાખવામાં આવી રહ્યા છે અને રાજ્ય સરકારના પગલાં પાર્ટીની ‘એકતા’ની છબીને નબળી પાડી રહ્યા છે, ત્યારે તેઓ ચૂપ રહી શકતા નથી.
સિરવાલે BJP નેતૃત્વને અન્યાયી FIR રદ કરવા, શાંતિપૂર્ણ અભિવ્યક્તિ માટે ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવા અને સમાજમાં વિભાજનનું બીજ રોપતા નિવેદનો પાછા ખેંચવા અપીલ કરી. તેમણે કહ્યું કે, પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ હસ્તક્ષેપ કરવો જોઈએ, જેથી ખાતરી થાય કે કોઈ પણ CM બંધારણીય અધિકારોને દબાવવા માટે રાજ્ય સત્તાનો દુરુપયોગ ન કરે.
સિરવાલે કહ્યું કે, જો પાર્ટીની વર્તમાન નીતિ આ રીતની જ રહી, તો તેઓ હકાલપટ્ટીનો સ્વીકાર કરવા પણ તૈયાર રહેશે, કારણ કે તેમના માટે તેમનું ‘ઈમાન સૌથી ઉપર’ છે.

