
ગુજરાતના રાજકીય વાતાવરણમાં તાજેતરના દિવસોમાં એક ચર્ચા તીવ્ર બની છે પૂર્વ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ જીતુ વાઘાણીને ગૃહમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવશે કે નહીં? આ અફવાઓ વિશ્વસનીય સૂત્રો પરથી ફેલાઈ રહી છે જેમાં કેટલાક પક્ષના અંદરના વર્ગો તેમને આ મહત્વના પદ માટે આગળ ધપાવી રહ્યા છે. જીતુ વાઘાણી જેઓ 2016થી 2020 સુધી ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રહ્યા અને પછી શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી તેમનું નામ યુવા નેતા તરીકે ચર્ચામાં રહ્યું છે. પરંતુ આ કથિત નિમણૂકની વાત ભાજપની પારદર્શિતા, સંગઠનીય અખંડિતતા અને જનમાનસમાં સ્વીકૃતિ માટે ગંભીર પડકાર ઉભો કરે છે. ખાસ કરીને જ્યારે વર્તમાનમાં હર્ષ સંઘવી ગૃહમંત્રી તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે ત્યારે આવી ફેરફારની જરૂરિયાત પર પ્રશ્નો ઉભા થાય છે.
જીતુ વાઘાણીના રાજકીય જીવનની શરૂઆત ઉત્સાહજનક હતી. ઓછી વયે પ્રદેશ અધ્યક્ષ બનીને 2017ની વિધાનસભા અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓમાં પક્ષને મજબૂત વિજય અપાવ્યો. ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય તરીકે તેમની જીત રેકોર્ડ તફાવતથી થઈ હતી. પરંતુ ગુજરાતી કહેવત “અધુરો ઘડો છલકાય ઘણો” તેમના કાર્યકાળ પર બંધ બેસે છે. તેમના નેતૃત્વમાં પાટીદાર આંદોલન ચરમસીમાએ પહોંચ્યું જેમાં યુવાનોની આત્મદાહ જેવી દુર્ઘટનાઓ પણ બની. આંદોલનને કચડી નાખવાના પ્રયાસોમાં જીતુ વાઘાણીના નજીકના લોકો દ્વારા પાટીદાર આંદોલનના યુવાનોના વીડિયો વાયરલ કરવામાં આવ્યા અને યુવાનોને બદનામ કરવામાં આવ્યા. આજે પણ તેમના સમર્થકો એવી જ વાતો ફેલાવે છે કે આ બધું અમે કરી બતાવ્યું જે પક્ષની છબીને નબળી પાડે છે. ભાજપ એક કેડરબેઝ કાર્યકર્તાઓનો પક્ષ છે અને ક્યારેય આવા સસ્તા માર્ગ અપનાવે એમ નથી.

તેમની વાણીનો અભિન્ન ભાગ રહ્યો છે અસંયમ. ભૂતકાળમાં તેમના વિવાદાસ્પદ નિવેદનોએ ચોક્કસ સમાજોની લાગણીઓને ઠેસ પહોંચાડી જેના કારણે ભાજપના શીર્ષસ્થ નેતૃત્વને સ્વયં સમાધાનકારી ભૂમિકા ભજવવી પડી ત્યારે બધું ઠરીઠામ થયું હતું. આવી ઘટનાઓ પક્ષની છબીનું ધોવાણ કરે છે અને જનમાનસમાં અવિશ્વાસ પેદા કરે છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વધુ ગંભીર વાત એ છે સુરતમાં તેમની સાથે સંકળાયેલી એક ગુનાહિત તત્વોની ટોળી છે જે પ્રતિષ્ઠિત વેપારીઓ અને વ્યવસાયીઓના અંગત વ્યવસાયિક મામલાઓમાં દખલ કરી, ધમકીઓ આપી પૈસા વસૂલે છે. આ ટોળી આજે પણ સક્રિય છે જેના કારણે સુરતના વ્યાપારી વર્ગમાં અસંતોષ વ્યાપે છે. પરંતુ તેઓ ભાજપને વફાદાર હોવાથી મૌન ધારણ કરે છે. આવી કાર્યશૈલી પક્ષની સ્વચ્છ છબીને બગાડે છે અને જનતાના વિશ્વાસને ઠેસ આપે છે.
ભાવનગર જિલ્લાના ગુનાહિત તત્વોના કિસ્સામાં પણ જીતુ વાઘાણીનું નામ જોડાય છે. તેમના પ્રદેશ અધ્યક્ષ કાર્યકાળ દરમ્યાન આજે જેલમાં સજા કાપતા ગુનેગાર “શ્રી કમલમ” પર ખુલ્લેઆમ ફરતા હતા જાણે તેમણે કબજો લીધો હોય. આવા તત્વો સાથેના સંબંધો પક્ષના કાર્યકર્તાઓને હતાશ કરે છે અને સામાન્ય કાર્યકર્તાઓનું મનોબળ તોડે છે. જીતુ વાઘાણી અને તેમના પછીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળમાં ભાજપને ચૂંટણીઓમાં વિજય તો મળ્યો પરંતુ સંગઠન વેરવિખેર થયું. કાર્યકર્તાઓમાં અસંતોષ અને અવિશ્વાસ વધ્યો. એ વાત સારી છે કે તાજેતરમાં જગદીશ વિશ્વકર્માની પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે. આ નવા અધ્યક્ષ OBC સમાજમાંથી આવે છે અને પક્ષના સંસ્કારોને અને ગિરિમાને સાચવી રાખવાની આવડત ધરાવે છે જેના કારણે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જાગ્યો છે.
આ સમયે ગુજરાત સરકાર મંત્રીમંડળમાં પારદર્શી અને વિશ્વસનીય વ્યક્તિત્વોને સ્થાન આપવાની કવાયત કરી રહી છે. પક્ષની છબીને પ્રજાની અપેક્ષા મુજબ સુધારવા માટે આ જરૂરી છે. પરંતુ જીતુ વાઘાણીને ગૃહમંત્રી બનાવવાની વાતો સમાજમાં ફેલાવવાથી પક્ષની બદનામી વધશે. ગૃહ વિભાગ કાયદો વ્યવસ્થા, પોલીસ અને આંતરિક સુરક્ષા જેવા સંવેદનશીલ ક્ષેત્રોનું નિયંત્રણ કરે છે જ્યાં વિશ્વાસ અને સંયમ અનિવાર્ય છે. જો ગુનાહિત તત્વો સાથે જોડાયેલા નેતાને આ પદ આપવામાં આવે તો જનમાનસમાં ભાજપ વિશેનો વિશ્વાસ ડગમગાશે. આ નિર્ણય પક્ષના હિતને નુકસાન પહોંચાડશે કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર વર્તમાનમાં વિકાસ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

અહીં ગુજરાત ભાજપ માટે સારી વાત એ પણ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હવે ગુજરાત પર પ્રત્યક્ષ ધ્યાન આપી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ પક્ષ અને સરકારની છબીને આંચ ન પહોંચે તેવા નિર્ણયો લેવામાં આવશે. કાર્યકર્તાઓમાં આવી ચર્ચા ચાલી રહી છે કે મોદીશાહની નજર હેઠળ હવે ગુજરાતમાં કોઈપણ નુકસાનકારક પગલું નહીં લેવાય. ભાજપે હંમેશા મેરિટ, આવડત અને સમાજીક સંતુલનને પ્રાધાન્ય આપ્યું છે. જગદીશ વિશ્વકર્મા જેવા નેતાઓની નિમણૂકથી પક્ષમાં નવી ઉર્જા આવી છે જે સંગઠન પુનઃગઠન અને કાર્યકર્તાઓના મનોબળ વધારશે.
હવે જોવાનું રહ્યું કે ગુજરાત સરકાર આવનારી ચૂંટણીઓ અને જનમાનસને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળની રચના કેવી રીતે કરે છે.
