
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં એક વ્યક્તિએ 15 મિલિયન ડોલરની લોટરી (લગભગ 125 કરોડ રૂપિયા) જીતી છે, પરંતુ તે અત્યાર સુધી સામે આવ્યો નથી. આ જીત ઓઝ લોટોની છે અને 2 દિવસ વીતી ગયા બાદ પણ કોઇ દાવો કરવામાં આવ્યો નથી. લોટરી અધિકારીઓનું કહેવું છે કે વિજેતા સાથે સંપર્ક કરવાનો કોઈ રસ્તો નથી કારણ કે તેણે ધ લોટ મેમ્બર્સ ક્લબમાં ટિકિટ નોંધાવી નહોતી.
અહેવાલો અનુસાર, ટિકિટ ગ્રીનહિલ્સ ન્યૂઝ એજન્સીમાંથી ખરીદવામાં આવી હતી, જે ઇસ્ટ મેટલેન્ડ (ન્યૂકેસલના ઉત્તર)માં સ્ટોકલેન્ડ શોપિંગ સેન્ટરમાં સ્થિત છે. ડ્રો દરમિયાન માત્ર એક જ ટિકિટને ડિવિઝન વન વિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા નંબરો હતા 44, 46, 39, 34, 7, 15 અને 3, જ્યારે 24, 19 અને 13 સપ્લીમેન્ટ્રી નંબરો હતા. જો વ્યક્તિએ ટિકિટ ખોવી દીધી હોય, તો તેને ખ્યાલ પણ નહીં આવે કે તે કરોડપતિ બની ગયો છે.

ગ્રીનહિલ્સ ન્યૂઝ એજન્સીના સ્ટાફ સભ્ય ટિયર્ના પેરીએ કહ્યું કે આ તેમના સ્ટોર પરથી જીતેલું અત્યાર સુધીનું સૌથી મોટું ઇનામ છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિજેતાની ઓળખ ટૂંક સમયમાં થઈ જશે. અમે અગાઉ પણ વિજેતા ટિકિટો વેચી છે, પરંતુ આ અત્યાર સુધીનો સૌથી મોટો જેકપોટ છે. તો લોટોના પ્રવક્તા ખાત મેકઇન્ટાયરે કહ્યું કે, એ વિશ્વાસ કરવું મુશ્કેલ છે કે આટલા મોટા ઇનામનો વિજેતા અત્યાર સુધી સામે આવ્યો નથી.
લોટોના અધિકારીઓ હવે ટિકિટ કોણે ખરીદી છે તેની જાણકારી મેળવવા માટે CCTV ફૂટેજની સમીક્ષા કરવાની તૈયારી કરી રહ્યા છે. જો ટિકિટ ખોવાઈ જાય, તો વિજેતા ટિકિટ ખોવાઈ જવાની ફરિયાદ નોંધાવી શકે છે. અધિકારીઓએ લોટરી ટિકિટ ખરીદનાર કોઈપણ વ્યક્તિને વિનંતી કરી છે કે તેઓ કરોડપતિ છે કે નહીં તે જોવા માટે તેમના નંબરો 2 વાર તપાસે.

આ પહેલી વખત નથી, જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલી મોટી રકમનો દાવો ન કરાયો હોય. જૂન 2025માં કોઈએ 100 મિલિયન ડોલરનો પાવરબોલ જેકપોટ જીત્યો હતો, પરંતુ વિજેતા હજુ સુધી સામે આવ્યો નથી. આ ઓસ્ટ્રેલિયન ઇતિહાસમાં ત્રીજો સૌથી મોટું ઇનામ હતું.
ન્યૂ સાઉથ વેલ્સના નિયમો અનુસાર, વિજેતાઓએ 6 વર્ષની અંદર તેમના ઇનામનો દાવો કરવો આવશ્યક છે. એટલે છે કે આ 15 મિલિયન ડોલરના વિજેતા પાસે હજુ પણ પાંચ વર્ષ અને 51 અઠવાડિયા છે. જો તેઓ ત્યાં સુધીમાં તેનો દાવો નહીં કરે, તો ઇનામ જપ્ત થઈ જશે. અગાઉના વિજેતાનું ઇનામ 100 મિલિયન ડોલર એટલે જે લગભગ 835 કરોડ રૂપિયા હતું.

