
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી પંચને નિર્દેશ આપ્યો કે, બિહારની અંતિમ મતદાર યાદીમાંથી જે લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેમને મફત કાનૂની સહાય અને પેરાલીગલ સ્વયંસેવકો પૂરા પાડવામાં આવે, જેથી કરીને તેઓ તેમના નામ કાઢી નાખવા સામે અપીલ દાખલ કરી શકે.
ચૂંટણી પંચ (ECI)ના 24 જૂનના નિર્દેશ પર બિહારમાં હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરતા કોર્ટે જણાવ્યું હતું કે, 3.7 લાખ અસરગ્રસ્ત લોકોને કાનૂની સલાહ અને સ્વયંસેવક સહાયકો તરફથી મદદ મેળવી જોઈએ.
અરજદારોએ દલીલ કરી હતી કે, આ સુધારણા પ્રક્રિયાની અંદર મનસ્વી રીતે મતદાર યાદીમાંથી નામો દૂર કરવામાં આવી રહ્યા છે અને તેમાં જરૂરી સુરક્ષાનો અભાવ છે. આનાથી લાખો નાગરિકોના મતદાન અધિકાર જોખમમાં આવી શકે એમ છે અને મુક્ત અને ન્યાયી ચૂંટણીઓને અસર કરી શકે છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયા કાયદેસર રીતે સમર્થિત છે અને તેનો હેતુ ફક્ત એ સુનિશ્ચિત કરવાનો છે કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં ફક્ત લાયક નાગરિકોને જ યાદીમાં સામેલ કરવામાં આવે.

હકીકતમાં, સુપ્રીમ કોર્ટે પહેલાથી જ 3.7 લાખ નિકાળી નાંખેલા મતદારોની વિગતો માંગી હતી અને એ પણ નોંધ્યું હતું કે, આશરે 65 લાખ નામો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારપછી 2.1 લાખ નવા નામો ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ તે સ્પષ્ટ નહોતું કે, આ નવા નામોમાં અગાઉ કાઢી નાખવામાં આવેલા મતદારોને ફરીથી સમાવેશ કરવામાં આવ્યા હતા કે સંપૂર્ણપણે નવા જ નામ ઉમેરવામાં આવ્યા છે.
ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે, આની અંદર ઉમેરાયેલા નામ અને કાઢી નાખવામાં આવેલા નામની ઓળખ અસ્પષ્ટ હતી, અને એ સમજવું જરૂરી છે કે, જે નવા નામ ઉમેરાયેલા છે તે નામો અગાઉ કાઢી નાખવામાં આવેલા મતદારો હતા કે તદ્દન નવા નામ છે.
ગુરુવારે, કોર્ટે ફરી વખત જણાવ્યું કે, દરેક વ્યક્તિને અપીલ કરવાનો અધિકાર છે, અને જો એ સમજણ ન પડે કે કોનું નામ કેમ દૂર કરવામાં આવ્યું, તો કોર્ટ કોઈ ઉકેલ આપી શકતી નથી.
ચૂંટણી પંચનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી હતી કે, મોટા પ્રમાણમાં નામ કાઢી નાખવાના દાવા ખોટા છે. તેમણે એક અરજદારનું ઉદાહરણ આપ્યું જે ડ્રાફ્ટ યાદીમાં હોવાનો દાવો કરી રહ્યો હતો પરંતુ તે ત્યાં હાજર નહોતો. તેમણે જણાવ્યું હતું કે, પંચે કાઢી નાખવામાં આવેલા મતદારોની બૂથવાર યાદી પ્રકાશિત કરવાના નિર્દેશનું પાલન કર્યું છે, અને BLOs, BLAs અને રાજકીય પક્ષો બધા આ વાતથી વાકેફ હતા.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, પંચે કાઢી નાખેલા નામોની યાદી મશીન-રીડેબલ ફોર્મેટમાં જાહેર કરવી જોઈએ, જેથી ડેટાનું વિશ્લેષણ કરી શકાય. તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યારે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મતદાર યાદી સ્વચ્છ, સંપૂર્ણ અને પારદર્શક હોય, ત્યારે ચૂંટણી પંચ ગુપ્તતાનો હવાલો આપીને યાદી જાહેર કરવાનું કેમ ટાળી રહ્યું છે.

કોર્ટે કહ્યું, ‘આ કેસના પરિણામને ધ્યાનમાં લીધા વિના, મુદ્દો એ છે કે, જે 3.7 લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેમને અપીલ કરવાનો અધિકાર હોવો જોઈએ. ચૂંટણી પંચ કહે છે કે, દરેક વ્યક્તિ જાણે છે કે તેમનું નામ કેમ કાઢી નાખવામાં આવ્યું, જ્યારે અરજદારો આનો વિરોધ કરે છે. અપીલ માટેની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી હોવાથી, બિહાર કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષને તમામ સ્થાનિક સત્તામંડળોના સચિવોને સૂચનાઓ બહાર પાડવાનો નિર્દેશ આપવામાં આવે છે કે, દૂર કરાયેલા લોકોને મફત કાનૂની સહાય અને પેરાલીગલ સ્વયંસેવકોની મદદ ઉપલબ્ધ કરાવે.’
વધુમાં, કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, દરેક ગામમાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર્સ (BLO)ની યાદી અને પેરાલીગલ સ્વયંસેવકોની સંપર્ક વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવે. રાજ્ય કાનૂની સેવા સત્તામંડળે એક અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ સબમિટ કરવો પડશે. આ સૂચનાઓ ડ્રાફ્ટ યાદીમાંથી કાઢી નાખવામાં આવેલા લોકોને પણ લાગુ પડશે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયા પછી યાદીમાંથી બાકાત રહેલા મતદારોની અપીલનો નિર્ણય નિર્ધારિત સમયની અંદર અને તર્કસંગત આદેશ સાથે લેવાનો પ્રશ્ન 16 ઓક્ટોબરના રોજ આગામી સુનાવણીમાં ધ્યાનમાં લેવામાં આવશે, જે ચૂંટણી પંચની પ્રક્રિયાને પડકારતી અરજીઓના જવાબમાં હશે.

