
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ છોડીને વિદેશી T20 લીગમાં ફૂલ ટાઈમ રમવાના બદલામાં મળેલી 10 મિલિયન ડોલર (લગભગ 83 કરોડ રૂપિયા)ની વાર્ષિક ઓફરને નકારી કાઢી છે. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયન ટીમના આ બંને દિગ્ગજ ખેલાડીઓને IPL ટીમ ગ્રુપ તરફથી આ ભારે ભરકમ પ્રસ્તાવ મળ્યો હતો, પરંતુ તેમણે તેનો અસ્વીકાર કરતા પોતાના દેશ માટે રમવાનું પસંદ કર્યું હતું.
સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ મુજબ, બંને ખેલાડીઓના મેનેજમેન્ટે આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. ઓસ્ટ્રેલિયાના ટોચના ખેલાડીઓ વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી લગભગ 1.5 મિલિયન ડોલર કમાય છે, જ્યારે કમિન્સની વાર્ષિક આવક, કેપ્ટનશીપ ભથ્થા સહિત લાગભાગ 3 મિલિયન ડોલર છે.

કમિન્સ અને હેડ બંને IPLમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં સામેલ છે. કમિન્સ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે રમતા 18 કરોડ રૂપિયા કમાય છે, જ્યારે હેડને 2025 સીઝનમાં તે જ ટીમ માટે 14 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા, રાજ્ય સંઘો અને ખેલાડીઓના સંગઠનો વચ્ચે બિગ બેશ લીગ (BBL)ના ખાનગીકરણ અંગે ચર્ચા ચાલી રહી છે. કમિન્સ અને હેડને મળેલી ઓફર એ વાતનું ઉદાહરણ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું પરિદૃશ્ય કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે અને BBLમાં ખાનગી રોકાણ શા માટે જરૂરી છે.

આ અગાઉ 2023માં જોફ્રા આર્ચરને મુંબઈ ઇન્ડિયન્સ (MI) તરફથી 7.5 મિલિયન ડોલરની ઓફર મળી હતી, જેથી તે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી દે, પરંતુ તેણે આ ઓફર નકારી કાઢી હતી. આ વર્ષની શરૂઆતમાં હેનરિક ક્લાસેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો અને વિશ્વભરની T20 લીગમાં રમવાનો નિર્ણય લીધો. જેમ-જેમ T20 લીગની સંપત્તિ વિશ્વના ટોચના ખેલાડીઓને આકર્ષે છે, તેમ-તેમ રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ માટે તેમના શ્રેષ્ઠ ખેલાડીઓને જાળવી રાખવું વધુ પડકારજનક બની રહ્યું છે. જ્યારે BCCI, ECB અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા જેવા મોટા બોર્ડ ટોચની પ્રતિભાને રોકી શકે છે, પરંતુ ઓછા સંસાધનો ધરાવતા દેશો માટે તે વધુ મુશ્કેલ બનશે.

