
ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર સ્થિત ઐતિહાસિક શ્રી ગુરુ ગોરખનાથ મંદિરમાં તોડફોડના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મૂર્તિ તોડીને જંગલમાં ફેંકી દેવા બદલ બે લોકોની ધરપકડ કરી છે, જેમાંથી એક મંદિરમાં કામ કરતો હતો.
ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત પર સ્થિત ઐતિહાસિક ગુરુ ગોરખનાથ મંદિરમાં તોડફોડના મામલે પોલીસને મોટી સફળતા મળી છે. મૂર્તિ તોડી નાખીને ફેંકવા બદલ બે આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક આરોપી મંદિરમાં જ કામ કરતો હોવાની માહિતી મળી હતી. હજારો CCTV ફૂટેજનું નિરીક્ષણ કર્યા પછી અને મોટી સંખ્યામાં આવતા જતા અને સ્થાનિક લોકોની પૂછપરછ કર્યા પછી, પોલીસે રમેશ ભટ્ટ (50) અને મંદિરમાં કામ કરતા સ્થાનિક ફોટોગ્રાફરની ધરપકડ કરી હતી.

રમેશ ભટ્ટે કબૂલ કર્યું હતું કે, તેણે અને દીક્ષિત (કિશોર) કુકરેજા (42)એ સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. કુકરેજા મંદિરમાં પગારદાર કર્મચારી છે અને તે મહારાષ્ટ્રના ઉલ્હાસનગરનો રહેવાસી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જૂનાગઢના પોલીસ અધિક્ષક સૌરભ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ‘કુકરેજા બે વર્ષથી મંદિરમાં કામ કરી રહ્યો હતો. અને તે મંદિરમાં આવતી આવકથી સંતુષ્ટ ન હતો. તે ઈચ્છતો હતો કે વધારે ને વધારે લોકો પૂજા કરવા માટે આવે અને મંદિરમાં દાન વધે. તેમણે મંદિરને વધુ પ્રસિદ્ધિ અપાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું.’

5 ઓક્ટોબરના રોજ, મંદિરના પૂજારી, યોગી સોમનાથજી (60)એ જોયું કે મૂર્તિ તોડી નાખવામાં આવી છે અને મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. કુકરેજાએ તેમને કહ્યું કે, ચાર અજાણ્યા માણસોએ મંદિરમાં તોડફોડ કરી છે. તેમના પર વિશ્વાસ કરીને, સોમનાથજીએ ભાવનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ઘટનાથી જૈન સમુદાયના લોકો ગુસ્સે ભરાયા હતા, અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. લોકોના આક્રોશને જોતા પોલીસે તપાસ ઝડપી બનાવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ પૂજારી સૂતા હતા ત્યારે આ ગુનો કર્યો હતો. તેઓએ પુજારીના રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો અને પછી મૂર્તિ અને તેની આસપાસના કાચ તોડી નાખ્યા હતા. પોલીસ ટીમે પગથિયાઓના રસ્તે અને રોપવે પોઇન્ટ સહિત 156 જગ્યાઓની CCTV ફૂટેજની તપાસ કરી. પોલીસે લગભગ 500 ભક્તોની ગતિવિધિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મંદિરની આજુબાજુમાં કામ કરતા 200 લોકોની પૂછપરછ કરી હતી. તેમણે હોટલ અને ધર્મશાળાઓના રેકોર્ડની પણ તપાસ કરી. તપાસ કરતા જાણવા મળ્યું કે 4 ઓક્ટોબરના રોજ સાંજની આરતી પછી કુકરેજા અને ભટ્ટે કાચ તોડી નાખ્યા, દરવાજો ખોલ્યો અને 50 કિલોની મૂર્તિ ત્યાંથી હટાવી હતી.

