
કોંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ તેમને શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારે મોહમ્મદ અઝહરુદ્દીનને મંત્રીમંડળમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ નિર્ણય પર સખત આપત્તિ દર્શાવી છે. ભાજપે આ નિર્ણયને જ્યૂબિલી હિલ્સ વિધાનસભા પેટાચૂંટણી સાથે જોડીને તેને આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું.

ભાજપની ચૂંટણી પંચ બાબતો સમિતિના અધ્યક્ષ મર્રી શશિધર રેડ્ડીએ મુખ્ય ચૂંટણી અધિકારી સી. સુદર્શન રેડ્ડી સાથે મુલાકાત કરી. તેમણે શપથ ગ્રહણ સમારોહ અટકાવવાની માગ કરી હતી. ભાજપનું કહેવું છે કે મંત્રી તરીકે અઝહરુદ્દીનની નિમણૂક જ્યૂબિલી હિલ્સ પેટાચૂંટણી અગાઉ મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે. મર્રી શશિધર રેડ્ડીએ જણાવ્યું હતું કે, અઝહરુદ્દીન જ્યુબિલી હિલ્સના મતદાર છે અને 2023માં કોંગ્રેસના ઉમેદવાર પણ હતા. એવામાં આ પગલું મતદારોને એક વર્ગ વિશેષના પક્ષની તરફેણમાં આકર્ષવાનો પ્રયાસ છે. ભાજપે આ પગલાને પૂરી રીતે આદર્શ આચારસંહિતા વિરુદ્ધ ગણાવ્યું.
કોંગ્રેસે ભાજપના આરોપોને સાંપ્રદાયિક રાજનીતિ ગણાવતા તીખો જવાબ આપ્યો. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને સાંસદ ચામલા કિરણ કુમાર રેડ્ડીએ જણાવ્યું કે, ભાજપ એક મુખ્ય લઘુમતી નેતાને કેબિનેટમાં આવતા જોઈ શકતી નથી. તેઓ જ્યૂબિલી હિલ્સમાં સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવી રહી છે. કોંગ્રેસે ભાજપ પર ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સાથે ગુપ્ત સમજૂતી કરી રહી છે, જેથી કોંગ્રેસ તેની ધર્મનિરપેક્ષ છબીને મજબૂત ન કરી શકે.
આ મામલે કોંગ્રેસના પ્રવક્તા અંડ્ડાકી દયાકરે કહ્યું કે, અઝહરુદ્દીન દેશનું ગૌરવ છે. તેમણે ક્રિકેટના મેદાન પર ભારતનું નામ રોષ કર્યું. તેમના પર સાંપ્રદાયિક ટિપ્પણીઓ કરવી અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ભાજપને યાદ અપાવ્યું કે ભાજપે પોતે રાજસ્થાનમાં પેટાચૂંટણીના 20 દિવસ અગાઉ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. તેને આચારસંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવ્યું નહોતું.
