
ભારતના પૂર્વ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સીરિઝ માટે T20I પ્લેઇંગ ઇલેવનમાં અર્શદીપ સિંહનો સમાવેશ ન કરવાના ભારતીય ટીમ મેનેજમેન્ટના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ડાબા હાથના ફાસ્ટ બોલરના રેકોર્ડને જોતા તેને જસપ્રીત બૂમરાહ બાદ બીજો પસંદગીનો ફાસ્ટ બોલર હોવો જોઈએ. અશ્વિનનું માનવું છે કે, અર્શદીપ જેવા સતત પ્રદર્શન કરનારને અવગણવું ઉચિત નથી.
અશ્વિનની આ ટિપ્પણી મેલબોર્નમાં બીજી T20Iમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 4 વિકેટની હાર બાદ આવી છે. ભારત માત્ર 125 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને ઓસ્ટ્રેલિયાએ આ મેચ જીતીને સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. કેનબેરામાં 5 મેચની સીરિઝની પહેલી T20I વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. અશ્વિને તેની યુટ્યુબ ચેનલ, ‘એશ કી બાત’માં કહ્યું કે, ‘જો બૂમરાહ રમી રહ્યો છે, તો અર્શદીપ સિંહ તમારા ફાસ્ટ બોલરોની લિસ્ટમાં બીજો વિકલ્પ હોવો જોઈએ.’

તેણે કહ્યું કે, ‘જો બૂમરાહ રમી રહ્યો નથી, તો અર્શદીપ તે ટીમમાં તમારો મુખ્ય ફાસ્ટ બોલર બની જશે. મને સમજાતું નથી કે આ ટીમમાં અર્શદીપ સિંહને સતત પ્લેઇંગ ઇલેવનમાંથી કેમ બહાર રાખવામાં આવી રહ્યો છે. તે વાસ્તવમાં મારી સમજની બહાર છે.’ જ્યારે અશ્વિન એ વાત સમજે છે કે હર્ષિત રાણાએ બીજી મેચમાં બેટથી યોગદાન આપ્યું હતું, પરંતુ તેનું માનવું છે કે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતના સૌથી વધુ વિકેટ લેનાર બોલરને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી પીચ પર ટીમમાંથી બહાર નહીં રાખી શકાય.
તેમણે કહ્યું કે ‘તેમાં કોઈ શંકા નથી કે હર્ષિત રાણાનો બેટથી સારો દિવસ રહ્યો. તેમણે સારી બેટિંગ કરી, પરંતુ હું આ વાત તેની સાથે જોડી રહ્યો નથી. મારો મુદ્દો અર્શદીપ સિંહ સાથે જોડાયેલો છે. તેમણે 2024માં T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ ત્યારબાદ તેને સતત બહાર રાખવામાં આવી રહ્યો છે, જેના કારણે તેનો લય થોડો બગડી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, અનુભવી શિવમ દુબે પહેલા હર્ષિત બેટિંગ કરવા આવ્યો અને 33 બોલમાં 35 રન બનાવ્યા. પરંતુ બૂમરાહ બાદ બીજા ફાસ્ટ બોલરના રૂપમાં તેમનું યોગદાન નિરાશાજનક રહ્યું અને તેણે બે ઓવરમાં 27 રન આપ્યા અને કોઈ વિકેટ ન લીધી.

જ્યારે રાહુલ દ્રવિડ હેડ કોચ અને રોહિત શર્મા કેપ્ટન હતા, ત્યારે અર્શદીપ T20 ક્રિકેટમાં ભારતના સૌથી વિશ્વસનીય ફાસ્ટ બોલરોમાંથી એક બની ગયો હતો. તે રમતના સૌથી નાના ફોર્મેટમાં 100 વિકેટ લેનાર તે પહેલો ભારતીય બોલર છે. અશ્વિને કહ્યું કે, ‘આપણે એશિયા કપમાં જોયું કે તેણે (અર્શદીપ) સારી બોલિંગ કરી. તેણે બીજા સ્પેલમાં ખૂબ જ સારી વાપસી કરી, પરંતુ તે લયમાં દેખાતો નહોતો. જો તમે તમારા ચેમ્પિયન બોલરને નથી રમાડતા, તો તે બેકાર દેખાશે. એટલે જો તમે અર્શદીપ સિંહ છો, તો તે ખરેખર મુશ્કેલ પરિસ્થિતિ છે. મને આશા છે કે તેને ટીમમાં જગ્યા મળશે, જેનો તે હકદાર છે.’

