
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના ખેડૂતોના માથે કમોસમી વરસાદ કાળ બનીને આવ્યો છે, જેને કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. સતત પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક બરબાદ થઈ ગયો છે. ખેડૂતોને થયેલા નુકસાની માટે સહાયતા ચૂકવવા માટે સરકારે સર્વે હાથ ધરીને વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ નેતાઓ અને મંત્રીઓ ખેડૂતોને થયેલા નુકસાનીનું નિરીક્ષણ કરી રહ્યા છે. એજ રીતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પોતે દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોને થયેલા નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ ઉઘાડા પગે અને સુરક્ષા પ્રોટોકોલની પણ ચિંતા કર્યા વિના ખેડૂતો વચ્ચે પહોંચીને પાક નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ખેતરમાં હાજર ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ સંવેદના સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે જે તકલીફ આવી છે, તે દુઃખ હું તમારું સમજી શકું છું. આ નુકસાનને એ જ લોકો સમજી શકે જે લોકોએ ગુમાવ્યું છે. તેમણે ખેડૂતોને હિંમત રાખવા અને સરકારની સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરી હતી. હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સમગ્ર બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે.

પાકના નુકસાનની સાથે સાથે ખેડૂતોએ નહેર રિપેરિંગના મુદ્દે પણ નાયબ મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું. ખેડૂતોને રાહત આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નહેરની રિપેરિંગની કામગીરી આગામી વર્ષે જ થાય તે માટે તેઓ અને ધારાસભ્ય મુકેશ પટેલ મુખ્યમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત કરશે. આ ખાતરીથી ખેડૂતોમાં થોડી આશા અને રાહત જોવા મળી છે.
મીડિયા સાથે વાતચીત કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે વહેલી સવારે સુરત પહોંચતાની સાથે જ દક્ષિણ ગુજરાતના જિલ્લાના વિવિધ ખેડૂતો સાથે મળવાનું થયું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને, તેમણે પણ વીડિયો કોન્ફરન્સિંગના મધ્યમથી ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો છે. જે દિવસે અડધી રાત્રે આ વરસાદ ચાલુ થયો, વહેલી સવારથી જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા. તમામ વિભાગોને તેમણે ત્યારે જ સૂચના આપી કે વધુમાં વધુ ખેડૂતો સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરો.

તેમણે વધુમાં કહ્યું કે, હજી તો વરસાદ બંધ પણ થયો નહોતો તે અગાઉ આખું તંત્ર, સૌ મંત્રીઓ, એ તમામ ખેડૂતોના સહયોગમાં સાથે રહીને કામગીરીની શરૂઆત કરી દીધી છે. મુખ્યમંત્રીએ આજે પણ તમામ વિભાગોને કહ્યું છે કે, તમામ લોકોનો સંપર્ક કરીને, ઝડપથી, તમામ ક્ષેત્રોમાં ખેડૂતોને થયેલી નુકસાનીનો આંકડો તૈયાર કરીને, આગામી દિવસોમાં ઝડપથી તેમની સાથે સરકાર કઈ રીતે ઊભી રહી શકે તે દિશામાં રાત-દિવસ એક કરીને કામ કરો અને વધુમાં વધુ લોકો સુધી મદદ પહોંચાડવાની ભાવનાથી મુખ્યમંત્રીએ, જો ભૂતકાળનું તમે જોશો તો ગુજરાતમાં જ્યારે જ્યારે ખેડૂતોને કોઈ પણ આફત આવી, તો ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેમના હિતમાં નિર્ણય લીધો છે.

