fbpx

ICCએ હારિસ રઉફ પર 2 મેચનો પ્રતિબંધ લગાવ્યો, સૂર્યકુમાર યાદવને ફટકાર્યો દંડ

Spread the love

ICCએ હારિસ રઉફ પર 2 મેચનો પ્રતિબંધ લગાવ્યો, સૂર્યકુમાર યાદવને ફટકાર્યો દંડ

ભારતીય ટીમે એશિયા કપ 2025ની ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 4 વિકેટથી હરાવીને એશિયા કપ ટ્રોફી જીતી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન 3 વખત સામસામે આવ્યા હતા અને ભારતીય ટીમ ત્રણેય વખત જીતી હતી. નોંધનીય છે કે એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક મેચ વિવાદોથી ભરેલી રહી છે. હવે, ICCએ આ મામલે પહેલી વખત પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ICCએ 14 અને 28 સપ્ટેમ્બરના રોજની મેચો માટે પાકિસ્તાની ફાસ્ટ બોલર હારિસ રઉફને સજા ફટકારી છે.

Haris-Rauf

ICCએ હારિસ રઉફને 14 સપ્ટેમ્બરની મેચ માટે 2 ડિમેરિટ પોઈન્ટ આપ્યા છે, જેથી 24 મહિનાના ચક્રમાં હારિસના કુલ 4 ડિમેરિટ પોઈન્ટ થઈ ગયા છે અને તેના પર 2 મેચ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હારિસ હવે આગામી બે મેચ માટે પાકિસ્તાન ટીમની બહાર રહેશે. 14 સપ્ટેમ્બરની મેચ માટે સૂર્યકુમાર યાદવને 30% દંડ ફટકારવામાં આવ્યો છે. સૂર્યાને કલમ 2.21ના ​​ઉલ્લંઘનનો દોષી ઠેરવવામાં આવ્યો. તેને તેની મેચ ફીના 30% દંડ ફટકારવામાં આવ્યો હતો અને 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા. પાકિસ્તાનના સાહિબજાદા ફરહાનને પણ આ જ કલમ હેઠળ દંડ ફટકારવામાં આવ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર-4 સ્ટેજની મેચ 21 સપ્ટેમ્બરના રોજ રમાઈ હતી. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.  તેના માટે ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પર કલમ ​​2.6 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો, જે અશોભનીય અથવા અપમાનજનક ઇશારાઓ સાથે સંબંધિત છે. પરંતુ તપાસ બાદ, તે નિર્દોષ હોવાનું જાણવા મળ્યું હતું અને એટલે કોઈ સજા ફટકારવામાં આવી નથી.

Bumrah

28 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ટૂર્નામેનીન્ટ ફાઇનલમાં બે ખેલાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ (ભારત) પર કલમ ​​2.21 હેઠળ આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેને સત્તાવાર ચેતવણી અને એક ડિમેરિટ પોઈન્ટની સજા મળી. તેણે સજા સ્વીકારી, એટલે ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી પડી. તો હારિસ રઉફને ફરી એક વખત એજ કલમના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. રિચી રિચાર્ડસનની અધ્યક્ષતામાં થયેલી સુનાવણીમાં તેને મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો અને 2 વધારાના ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા.

error: Content is protected !!