
રાજ્યમાં પંચાયતોને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા માટે સરકારે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. પંચાયતી રાજમાં ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા થતા ભ્રષ્ટાચારને ડામવા માટે રાજ્ય સરકારે એક નવું રાજપત્ર જાહેર કર્યું છે. જે અંતર્ગત અધિકારીઓને અભૂતપૂર્વ સત્તાઓ આપવામાં આવી છે.
‘ગુજરાત પંચાયત ઓફિસ બેરર્સ 2025’ અંતર્ગત પ્રસિદ્ધ થયેલા નવા રાજપત્ર (ગેઝેટ)થી ચૂંટાયેલા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવાની સત્તા હવે અધિકારીઓને સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પંચાયતી રાજમાં બાબુશાહીનો પ્રભાવ વધવાની આશંકાએ હાહાકાર મચી ગયો છે. નવા ગેઝેટ મુજબ, હવે ભ્રષ્ટાચારનો આરોપ સાબિત થશે તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) ગ્રામ અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓને પદ પરથી હટાવવા કરવા સક્ષમ થઈ ગયા છે.

જિલ્લા પંચાયતના હોદ્દેદારો સામે પગલાં લેવાની સત્તા વિકાસ કમિશનર ને આપવામાં આવી છે. અધિકારીઓ હવે માત્ર સાદી અરજી કે મૌખિક બાતમીના આધારે પણ હોદ્દેદારો સામે તપાસ શરૂ કરી શકશે. તપાસ અને પગલાં લેવાની સત્તા DDO અને તેમના ઉપલા અધિકારીઓને આપવામાં આવી છે.
સરપંચ પરિષદના મહામંત્રીએ કહ્યુંકે, ‘ભ્રષ્ટાચાર ડામવા માટે આ નિર્ણય સારો છે.” જોકે સાથે જ “આ નિર્ણયથી બાબુશાહી વધી જશે” તેવી આશંકા પણ વ્યક્ત કરી. પંચાયતી રાજ નિષ્ણાતોએ કહ્યું કે, પંચાયતી રાજ પર બાબુશાહીનો પ્રહાર વધવાની અને ચૂંટાયેલા પદાધિકારીઓની સત્તા ઘટવાની સંભાવના છે.

ગુજરાત પંચાયત ઓફિસ બેરર્સ 2025 અંતર્ગત પ્રસિદ્ધ થયેલા આ ગેજેટને કારણે પંચાયતી રાજના પદાધિકારીઓમાં અફરાતફરી મચી મચી ગયો છે, કારણ કે હવે તેમના પર અધિકારીઓની સીધી કાર્યવાહીની તલવાર લટકી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે DDOને સત્તા આપવાના મામલે સ્થાનિક સ્વરાજ્યના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના અગ્રણી અને છેલ્લા 20 વર્ષથી તાલુકા અને ગ્રામ પંચાયતના હોદ્દેદાર રહી ચૂકેલા વિક્રમભાઈ હૂંબલે આ પરિપત્ર સામે તીખી પ્રતિક્રિયા આપી છે.


તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી સરપંચ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રમુખોની તમામ સત્તાઓ છીનવાઈ જશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે હવે કોઈ સત્તા રહી નથી. તેમના મતે, હવે જો ગ્રામ પંચાયતના સરપંચ કે અગ્રણીઓ કોઈ રજૂઆત કરશે તો પણ મોટા અધિકારીઓ તેમને દબાવવાનો પ્રયાસ કરશે. આ સમગ્ર પરિપત્રથી ઊભો થતો સૌથી મોટો સવાલ એ છે કે, જો અધિકારીઓ પોતે ભ્રષ્ટાચાર કરશે તો તેમની તપાસ કોણ કરશે? આ નિર્ણયને કારણે સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારોમાં તીવ્ર નારાજગી વ્યાપી છે. પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટાયેલા હોદ્દેદારો સામે કાર્યવાહી કરવાની સીધી સત્તા અધિકારીઓને આપતું આ રાજપત્ર ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ સ્પષ્ટ કરે છે.

