
ઈડન ગાર્ડન્સની પિચને લઈને ઉઠતા સવાલોનો અંત લાવતા ભારતીય કોચ ગૌતમ ગંભીરે કહ્યું કે, કોલકાતાની ઈડન ગાર્ડનની પિચમાં કોઈ સમસ્યા નહોતી. તેમણે આ માટે પિચ ક્યુરેટરની પ્રશંસા પણ કરી હતી, અને કહ્યું કે પિચ ક્યુરેટરે તેમની ડિમાન્ડ મુજબ જ પિચ તૈયાર કરી હતી. કોલકાતા ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાની 30 રનની જીત પછી તેમણે આ ટિપ્પણીઓ એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી.

શુબમન ગિલની આગેવાની હેઠળની ટીમ બીજી ઇનિંગમાં 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો ત્રીજો સૌથી ઓછો સ્કોર હતો. પિચે બોલરોને અસમાન બાઉન્સ અને ટર્ન આપ્યા હતા. મેચ દરમિયાન, બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, ટીમ ઈન્ડિયાની વિનંતી મુજબ પિચ તૈયાર કરવામાં આવી હતી. ગંભીરે પોતે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની પુષ્ટિ કરી હતી. ગંભીરે કહ્યું, ‘આ પિચ બરાબર એવી જ હતી જેવી અમે ઇચ્છતા હતા. ક્યુરેટર ખૂબ સપોર્ટ આપતા હતા. મને નથી લાગતું કે તે મુશ્કેલ વિકેટ હતી. તે એક એવી પિચ હતી જે તમારી માનસિક મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. અહીં જેણે પણ સારું ડિફેન્સ કર્યું તેમણે અહીં રન બનાવ્યા છે.’
ભારતીય બેટ્સમેન ફરી એકવાર ઘરઆંગણે ઉચ્ચ ગુણવત્તાવાળા સ્પિન સામે ખુલ્લા પડી ગયા. આમ દક્ષિણ આફ્રિકાએ 15 વર્ષ પછી ભારતમાં ટેસ્ટ મેચ જીતી. 124 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ટીમ ઈન્ડિયાએ ટેમ્બા બાવુમા દ્વારા બતાવવામાં આવેલી સંયમ કે પદ્ધતિ દર્શાવી ન હતી. આ કારણે ભારતીય ટીમ માત્ર 35 ઓવરમાં 93 રનમાં સમેટાઈ ગઈ. શુભમન ગિલ, પ્રથમ ઇનિંગની જેમ, ગરદનના ખેંચાણને કારણે બીજી ઇનિંગમાં બેટિંગ કરી શક્યો નહીં.

એવી પિચ જેના પર આશા રાખવામાં આવી હતી કે તે રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવને મદદ કરશે, તેના પર ઓફ સ્પિનર સિમોન હાર્મરે સૌથી વધુ આઠ વિકેટ લીધી. આ ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે છેલ્લી છ મેચમાં આ ચોથો પરાજય છે. આમાં ન્યૂઝીલેન્ડ સામે 0-3થી ક્લીન સ્વીપનો સમાવેશ થાય છે. ત્યાં પણ બે મેચમાં ટર્નિંગ પીચ પર ટીમ ઈન્ડિયાનો આવો જ હાલ થયો હતો. હવે આ હારથી ફરી એકવાર ફરી એ ચર્ચા શરૂ થઈ છે કે, ભારતીય બેટ્સમેનોની ટેકનિક અને સ્વભાવ ટર્ન લેતી પિચ પર કેટલો ખરાબ દેખાય છે.
ગંભીરે ભારતીય બેટ્સમેનોની દબાણને સંભાળવાની ક્ષમતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે આગળ કહ્યું, ‘કૌશલ્ય કરતાં વધુ, તે એ છે કે તમે દબાણનો સામનો કરવામાં કેટલા સક્ષમ છો. જ્યારે તમે ટેકનિક, માનસિક કઠિનતા અને સ્વભાવનો વિચાર કરો છો, ત્યારે આવી પિચ તેમની કસોટી કરે છે. આટલા બધા ટર્ન હોવા છતાં, મોટાભાગની વિકેટ સીમરો પાસે ગઈ. મુદ્દો એ છે કે તમારે ટર્ન કેવી રીતે રમવો તે જાણવાની જરૂર છે. અમે જેવી ઇચ્છતા હતા તેવી જ પિચ અમને મળી હતી.’

ગંભીરે એમ પણ કહ્યું કે, પિચ ગમે તેવી હોય, 123 રનનો સ્કોર સરળતાથી પીછો કરી શકાય તેવો હતો. તેમણે આગળ કહ્યું, ‘મને લાગે છે કે ક્યુરેટરો ખૂબ જ સહાયક હતા. વિકેટ ગમે તેવી હોય, મને લાગે છે કે 123 રનના લક્ષ્યાંકનો પીછો કરી શકાય તેવો હતો. જો તમે સખત મહેનત કરવા તૈયાર હોવ, મજબૂત ડિફેન્સ અને શાંત સ્વભાવ સાથે રમો, તો તમે રન બનાવી શકો છો. આ એવી વિકેટ નહોતી જ્યાં તમે મોટા મોટા શોટ મારી શકો, પરંતુ જો તમે ધીરજથી શાંતિથી રમો, તો તમે સ્કોર કરી શકો છો. મેં પહેલા કહ્યું હતું તેમ, ક્યુરેટરો ખૂબ મદદરૂપ હતા. અમે આવું જ ઇચ્છતા હતા, અને જ્યારે તમે સારું ન રમો, ત્યારે આવું જ પરિણામ આવે છે.’
હકીકતમાં, વોશિંગ્ટન સુંદર ચોથી ઇનિંગમાં ભારતીય ટીમ માટે સૌથી વધુ 31 રન બનાવનાર ખેલાડી હતો. ફક્ત ત્રણ અન્ય બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને ધ્રુવ જુરેલ. બાકીના બધા બેટ્સમેન એક આંકડામાં રન બનાવી શક્યા હતા. કેપ્ટન ગિલ, જે પહેલાથી જ ઘાયલ થઇ ગયો હતો, તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરવા આવ્યો ન હતો. હવે ટીમ ઇન્ડિયા 22 નવેમ્બરથી ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ રમવાની છે.

