fbpx

મેકોલેની માનસિકતા હતી શું? અને તેણે ભારતને શું નુકસાન પહોંચાડ્યું?

Spread the love

મેકોલેની માનસિકતા હતી શું? અને તેણે ભારતને શું નુકસાન પહોંચાડ્યું?

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશને અપીલ કરી છે કે આવતા દસ વર્ષોમાં આપણે મેકોલેની સાંસ્કૃતિક અને શૈક્ષણિક માનસિકતા થી મુક્ત થવું જોઈએ. આ માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ ભારતના જ્ઞાન-પરંપરા, માનસ અને રાષ્ટ્રીય ઓળખને ફરી જીવંત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સંદેશ છે. પરંતુ પ્રશ્ન એ છે કે—મેકોલેની માનસિકતા હતી શું? અને તેણે ભારતને શું નુકસાન પહોંચાડ્યું?

ત્યારે ભારત દેશ અંગ્રેજોનો ગુલામ હતો. આપણે તેનાથી મુક્ત થવાના પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેમણે જો અહીં ટકવું હોય તો તેમની ગુલામી કરે તેવા માણસોની જરૂર હતી. ઇ.સ. 1835માં બ્રિટિશ સાંસદ થોમસ બેબિંગ્ટન મેકોલેએ “Minutes on Indian Education” લખ્યું. જેના આધારે બાદ બ્રિટિશોએ ભારતની સમગ્ર શિક્ષણ પદ્ધતિને મૂળથી બદલી નાખી.

તેની માનસિકતા ત્રણ મુખ્ય બાબતો પર આધારિત હતી:

1. ભારતીય જ્ઞાન પ્રત્યે તિરસ્કાર અને હલકું ચિતરવું

મેકોલેનું સ્પષ્ટ માનવું હતું કે “એક સારું અંગ્રેજી પુસ્તક ભારતમાં ઉપલબ્ધ સમગ્ર સંસ્કૃત અને અરબી સાહિત્ય કરતા ઉત્તમ છે.”

આ વિચાર પાછળનો ભાવ હતો—બ્રિટિશ સંસ્કૃતિ ઉત્તમ છે અને ભારતીય પરંપરા હીન છે. જો આવું લોકોના મનમાં ઠોકી બેસાડાય તો લોકો ગુલામ રહે. તેનાથી ઉલટું ભારતીય જ્ઞાન પોતાની કેટલીક ખામીઓ સાથે પણ કોઇનાથી ઉતરતું ન હતું. ભારત દેશ તે વખતે સમૃદ્ધ હતો. એટલે જો તેઓ અહીં આવ્યા હતા.

2. શિક્ષણનો હેતુ — આત્મવિશ્વાસથી ભરેલો નાગરિક નહીં, પરંતુ ‘ક્લાર્ક’ તૈયાર કરવા

તેમનો હેતુ જ્ઞાનનું સર્જન કે માનવતા વિકાસ નહોતો. બ્રિટિશ સામ્રાજ્યને સસ્તા, અનુગામી અને આજ્ઞાકારી કર્મચારીઓ (ક્લાર્ક) જોઈએ હતા.

આથી શિક્ષણને રટણ, અનુસરણ અને નોકરીઓ સુધી સીમિત રાખવામાં આવ્યું. આ શિક્ષણ પદ્ધતિ અમલી બનાવવામાં પણ આવી. જોકે, ભારતીયોએ મજબૂરીમાં તેને સ્વીકારી ખરી પરંતુ તેનાથી નોકરીની માનસિકતા તો વિકસી જ ખરી.

3. માતૃભાષાઓનું અપમાન

ગુરુકુલ, પાઠશાળા, મદરસા જેવી ભારતીય શૈક્ષણિક પરંપરાઓને પછાત ગણાવાઈ. અંગ્રેજી ભાષાને ‘ઊચ્ચ’ અને ભારતીય ભાષાઓને ‘નિમ્ન’ માનવામાં આવી. તેના કારણે આખા દેશમાં અંગ્રેજીનું મહત્ત્વ વધતું ગયું. આજે પણ આપણે એવું માનીએ છીએ કે અંગ્રેજી બોલનાર વ્યક્તિ બીજા કરતા વધારે હોશિયાર હોય છે પરંતુ તે સંપૂર્ણપણે સાચું નથી. બધા અંગ્રેજી બોલનાર લોકો પોતાના વિષયમાં શ્રેષ્ઠ હોય તેવું હોતું નથી. માત્ર એક ભાષા આવડવીએ હોશિયાર હોવાનું પ્રમાણ નથી. 

photo_2025-11-19_14-42-47

મેકોલેની શિક્ષણ પદ્ધતિથી ભારતને શું નુકસાન થયું?

1. માતૃભાષા અને પ્રાદેશિક સાહિત્ય ખતમ થવા લાગ્યું

ગુજરાતી, હિંદી, સંસ્કૃત, તામિલ, બંગાળી જેવી ભાષાઓ શિક્ષણથી દૂર થઈ ગઈ. આજે આખા દેશમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ અને કોલેજોનું મહત્ત્વ સ્થાનીય ભાષાઓ કરતા વધુ છે. સ્થાનીય ભાષામાં ભણાવતી શાળાઓ, કોલેજો અને વિભાગો ધીરે ધીરે બંધ થઇ ગયા છે અથવા થઇ રહ્યા છે.

જ્ઞાનનું કેન્દ્ર વિદેશી ભાષા બની ગયું. સાહિત્ય પણ અંગ્રેજીમાં હોય તો સારૂં એવું લોકો માનવા લાગ્યા છે.

2. ભારતીય જ્ઞાન-વિજ્ઞાનને “અપ્રસ્તુત” બનાવી દેવાયું

વેદ-વૈજ્ઞાનિક પરંપરા, આયુર્વેદ, ખગોળશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, તર્ક-દર્શન—

આ બધું શતાબ્દી સુધી બાજુએ ધકેલી દેવામાં આવ્યું. ખરેખર તો આ બધા જ્ઞાનના આધારે જ તો આપણે દુનિયાભરમાં સૌથી સમૃદ્ધ દેશોમાં શામેલ હતા. ત્યારે આપણો દેશ જેટલો સુખી સંપન્ન હતો તેટલા દુનિયામાં ખૂબ ઓછા દેશ હતા. આપણી પાસે જીવનના દરેક પાસાઓ અંગે ઊંડુ જ્ઞાન હતું. પરંતુ આપણું જ્ઞાન ધીરે ધીરે ખોવાઇ ગયું.

3. રટણ આધારિત પરીક્ષા સંસ્કૃતિ

ગુરુકુલમાં ‘જીવન કૌશલ્ય + ચરિત્ર + જ્ઞાન + પ્રયોગ’ પ્રાથમિક હતા. મેકોલેયન મોડેલે તેને બદલીને કાગળ પર આધારિત પરીક્ષા અને ડિગ્રીની દોડ બનાવી દીધી. આપણા યુવાનો કૌશલ્ય ને બદલે ડિગ્રી મેળવવા પાછળ દોટ મૂકવા લાગ્યા. હાલ જ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં નોકરીઓ જવાનો ડર લોકોને લાગી રહ્યો છે પરંતુ તેનાથી પણ મોટો ખતરો એ છે કે આગામી દિવસોમાં આપણી પાસે કામ કરનારા કારીગરોની અછત હશે કારણ કે યુવાનો પાસે ડિગ્રી જ છે કુશળતા નથી. તેમને કંઇ કામ કરતા આવડતું નથી. આ સમસ્યા મેકોલેની પદ્ધતિને કારણે ઊભી થઇ છે. નહીં તો આપણને પહેલા ગામે ગામ દરેક કામ માટેના કારીગરો મળી રહેતા હતા.

4. માનસિક ગુલામી અને હીનભાવના

અંગ્રેજી બોલવું = આધુનિક, ભારતીય પરંપરા = પછાત. આ ખોટી માન્યતાએ ભારતીય યુવાનોમાં આત્મવિશ્વાસ ઘટાડ્યો. આપણે આજે જોઇએ છીએ કે આપણા યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવાની એક ઘેલછા છે. પશ્ચિમી સંસ્કૃતિ પાછળની એક આંધળી દોટ એ માનસિક ગુલામી અને હીનભાવનાનું પ્રતીક છે.

5. રાષ્ટ્રચેતનાનો અભાવ

શિક્ષણમાં રાષ્ટ્રીય મૂલ્યો, ઈતિહાસ અને નાયકોએ સ્થાન ગુમાવ્યું. બ્રિટિશોને ગુલામ પ્રજા જોઈએ હતી, નેતૃત્વશક્તિ નહીં. એટલે આપણા માટે દરેક ક્ષેત્રમાં તે વિજ્ઞાન હોય કે સાહિત્ય હોય કે પછી સંગીત કે પછી નાટક, આપણા લોકો પ્રમાણમાં ઓછી ગુણવત્તા વાળા દેખાયા. શેક્સપિયર એટલે શ્રેષ્ઠ નાટ્યકાર પરંતુ કાલીદાસને કોઇ ઓળખતું પણ ન હોય. શેક્સપિયરના નાટક પર ફિલ્મો બને પરંતુ કાલીદાસના નાટકોને મહત્ત્વ ન મળે.

આજે આપણે શું કરવું જોઈએ?

1. શિક્ષણનો આધાર ભારતીય ભાષાઓમાં મજબૂત કરવો

વિજ્ઞાન, કાયદો, ટેકનોલોજી, ચિકિત્સા—આ બધા ક્ષેત્રોમાં ગુજરાતી સહિત પ્રાદેશિક ભાષાઓમાં ઉત્તમ પાઠ્યપુસ્તકો, સંશોધન અને શિક્ષણ ઉપલબ્ધ કરવું જરૂરી છે. તેનાથી આપણે અંગ્રેજીના પ્રભાવથી મુક્ત બનીશું. આપણા વડાપ્રધાન કહે છે કે અંગ્રેજીના અભાવ પણ નહીં અને પ્રભાવ પણ નહીં. અંગ્રેજીમાં ભણવું કે તેને જાણવામાં કંઇ ખોટું નથી પરંતુ તેની શ્રેષ્ઠતાને સ્વીકારવું એ ખોટું છે.

2. ભારતીય જ્ઞાન પરંપરાનો આધુનિક પુનરાવલોકન

વેદિક ગણિત, આયુર્વેદ તથા યોગ, પૂર્વ ભારતીય ખગોળ અને ધાતુશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર.આ બધું આધુનિક પદ્ધતિથી ફરી શૈક્ષણિક પ્રવાહમાં લાવવામાં આવવું જોઈએ. સરકારે જે નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે તેમાં આ બધી બાબતો ઉમેરી છે. તેને વધુ સારી રીતે અમલી બનાવવાની જરૂર છે.

3. શિક્ષણને ‘માત્ર નોકરી’ નહિ, ‘રાષ્ટ્રનિર્માણ’ સાથે જોડવું

નેતૃત્વ, નૈતિકતા, સામાજિક જવાબદારી, ઉદ્યોગસાહસિકતા—આ સંસ્કારોનું સંકલન જરૂર છે. એક સમયે આપણી શાળાઓમાં આ વાક્ય જોવા મળતું- જ્ઞાનાર્થ આવો, સેવાર્થ જાઓ. આ વાક્યને આપણે અમલી બનાવવાની જરૂર છે. આપણે નોકરી શોધનારા કરતા નોકરી આપનારા બની શકીએ તે દિશામાં વિચારવની જરૂર છે.

4. સ્થાનિક ઇતિહાસ અને નાયકોને શાળા-કૉલેજમાં સ્થાન

સોમનાથથી લઈને ચંદ્રગુપ્ત, વિક્રમ, રાણાકુંવરબા, મહારાણા પ્રતાપ, સરદાર પટેલ— જેવા મહાન વ્યક્તિઓને આપણે બાળકોને ભણાવવા જરૂરી છે. નહીં તો તેમને એમ જ લાગશે કે આપણા દેશમાં તો કોઇ મહાન લોકો થયા જ નથી. બધા મહાન લોકો વિદેશોમાં જ જન્મ્યા છે.  સ્થાનિક ઇતિહાસનું અધ્યયન વિદ્યાર્થીઓને ગૌરવ આપે છે.

5. ટેકનોલોજી + પરંપરા = નવી ભારતીય શિક્ષણ પદ્ધતિ

આપણે એ સ્થિતિમાં છીએ કે હવે જુનું બધું જ બંધ કરીને નવું કરી શકીએ નહીં પરંતુ જૂનામાં જે શ્રેષ્ઠ જે તેને શોધીએ. ભવિષ્યની પેઢીને બતાવીએ. આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આ હવે સહેલું છે. આપણે આપણા પરંપરાગત જ્ઞાનને પણ એટલું જ મહત્ત્વ આપીએ જેટલું મહત્ત્વ આપણે આધુનિક જ્ઞાન-વિજ્ઞાનને આપી રહ્યા છે. આપણી પાસે દુનિયાને આપવા માટે ઘણું જ્ઞાન છે પરંતુ તેને દુનિયા સમજે તે પદ્ધતિ અને સાધનોથી આપવું પડશે. ડિજિટલ સાધનોનો ઉપયોગ કરીને ભારતીય જ્ઞાનને વિશ્વ સ્તરે પહોંચાડવાનો સમય આવી ગયો છે.

error: Content is protected !!