
ભારતીય ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાના અને તેના પરિવાર એ સમયે આઘાતમાં આવી ગયા, જ્યારે સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંધાનાની તબિયત અચાનક લથડી પડી. સ્મૃતિ અને પલાશ મુચ્છલના લગ્ન 23 નવેમ્બર રવિવારના રોજ થવાના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ રીત-રિવાજો થઈ ચૂક્યા હતા. જોકે, લગ્નના થોડા કલાકો અગાઉ જ રવિવારે સવારે તેમની તબિયત લથડી પડી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને લગ્ન મુલતવી રાખવામાં આવ્યા હતા. હાલમાં તેઓ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને ત્યાંના ડૉક્ટરે તેમની તબિયત બગડવાનું સંભવિત કારણ જણાવ્યું છે.
સ્મૃતિ મંધાના અને તેનો મ્યૂઝિક કમ્પોઝર મંગેતર પલાશ મુચ્છલના લગ્ન રવિવારે મહારાષ્ટ્રના સાંગલીમાં થવાના હતા. લગ્ન સ્મૃતિ મંધાનાના સાંગલીના નવા ઘરમાં થવાના હતા, જ્યાં છેલ્લા 3-4 દિવસથી વિવિધ રીત-રિવાજો ચાલી રહ્યા હતા. તેમના લગ્નનું શુભ મુહૂર્ત રવિવારે સાંજે 4:30 વાગ્યાની આસપાસ હતું, પરંતુ તે પહેલાં જ સ્મૃતિના પિતાની તબિયત અચાનક બગડી ગઈ. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ, સવારે નાસ્તા દરમિયાન તેમની તબિયત બગડવા લાગી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

તેઓ હાલમાં સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં કાર્ડિયોલોજિસ્ટ મંધાનાના પિતાની સ્થિતિ પર નજર રાખી રહ્યા રહ્યા છે. મીડિયાને આપેલા નિવેદનમાં હોસ્પિટલના ડિરેક્ટર ડૉ. નમન શાહે શ્રીનિવાસ મંધાનાની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેમને હાર્ટ એટેકના લક્ષણો હતા. ડૉ. શાહના જણાવ્યા અનુસાર, ‘સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાનાને બપોરે 1:00-1:30 વાગ્યાની આસપાસ છાતીની ડાબી બાજુ દુઃખાવો થયો અને તેમને હાર્ટએટેકના લક્ષણો નજરે પડવા લાગ્યા. તેમને તાત્કાલિક સાંગલીની સર્વહિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમની તપાસ કરવામાં આવી.
ડૉ. શાહે વધુમાં જણાવ્યું કે, અમારા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રોહન થાણેદારે પણ તેમની તપાસ કરી છે. તેમના ઇકોમાં કંઈ નવું બહાર આવ્યું નથી, પરંતુ તેઓ સતત ECB દેખરેખ હેઠળ છે. તેમને એન્જીયોગ્રામની પણ જરૂર પડી શકે છે. તેમનું બ્લડ પ્રેશર થોડું વધી ગયું છે, એટલે તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. લગ્નની મોસમ છે, એટલે ભાગ-દોડને કારણે શારીરિક અને માનસિક તણાવને કારણે હોઈ શકે છે.

પિતાની તબિયત બગડવાને કારણે, સ્મૃતિએ લગ્ન મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. મંધાનાના મેનેજરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સ્મૃતિ તેના પિતાની ખૂબ નજીક છે, અને એટલે તેણે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તેના પિતા પૂરી રીતે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે લગ્ન નહીં કરે. એટલે તેણે અને પલાશ મુચ્છલે મળીને લગ્ન અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.

