
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જન્મ અને મરણના દાખલામાં સુધારા અંગે મોટો ફેરફાર કર્યો છે. જે અનુસાર જન્મના પ્રમાણપત્રમાં બાળકના જૈવિક પિતાનું નામ દાખલ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સાથે છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માગતા અરજદારો માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
માર્ગદર્શિકા અનુસાર, જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક). આ ફેરફાર માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જોકે પિતાના નામની કૉલમમાં જૈવિક પિતાનું નામ લખવું ફરજિયાત રહેશે.

આ સાથે જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ પિતાનું નામ અને અટક લખવાની ટાળી શકે છે અને માત્ર બાળકનું નામ જ લખાવી શકશે. આ સાથે અરજદાર ક્રમાંક પણ નક્કી કરી શકે છે. એટલે કે પહેલા અટક લખવી હોય, પછી બાળકનું નામ અને પછી પિતાનું નામ લખવું હોય તો પણ લખી શકાશે.
હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે. જો બાળક વચ્ચે પિતાનું નામ રાખવા ન માગે તો તેને તે કાઢવાની મંજૂરી આપવામાં આવશે.
નવી માર્ગદર્શિકા મુજબ, મરણના દાખલામાં મૃત્યુ પામનારાના નામ પાછળ પિતા કે પતિનું નામ વૈકલ્પિક છે, એટલે કે ફરજિયાત નથી. આવી જ રીતે પિતા કે પતિની અટક પણ ફરજિયાત નથી, તેમ જણાવે છે. આ સાથે જો સંજોગો અને નિયમો બદલાય અને જરૂર પડે તો જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા એક કરતા વધારે વાર ફેરફાર કરી શકાશે.

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ માર્દર્શિકાનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

