સાબરમતી નદીમાંથી ખનીજચોરી અટકાવવા કામ કરતા સરકારી કર્મચારીઓ પર
હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
પ્રાંતિજના નવાપુરાના ચારેય શખ્સો ગંભીર ગુના આચરતા હતા


સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનીજચોરોનો ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હતા ત્યારે ખાસ કરીને પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સીતવાડા) ના નિકુભા ગેંગના ચાર શખ્સો સરકારી કર્મચારીઓ પર હિચકારો હૂમલો કરી ગંભીર પ્રકારના ગુના આચરતા તેમની વિરૂધ્ધ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ તપાસને અંતે સાબરકાંઠા એલસીબીએ બુધવારે નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજસીટોકની વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી કરીને ચારેયને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ અંગે એલસીબીના સુત્રોમાંથી મળતી જણાવાયા મુજબ પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સિતવાડા) ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ,ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ ધ્વારા અવારનવાર ખનીજચોરી અટકાવવા માટે ખાણ -ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરવાની તથા ખુનની કોશિશ સહિત અન્ય ગંભીર ગુના આચરવામાં આવતા હતા.
જે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરૂધ્ધ અત્યાર સુધીમાં ૧પ ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે જિલ્લા પોલીસવડાએ સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા કરેલા આદેશ બાદ એલસીબીએ બુધવારે નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ ગુજસીટોક ર૦૧પ હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જેથી જિલ્લામાં તંત્રની આંખમાં ધૂળ નાંખીને ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
જીલ રાવલ સાબરકાંઠા
