fbpx

જાપાની ઝાડના દેડકામાં એક શક્તિશાળી કેન્સર વિરોધી દવા મળી આવી, જે એક ડોઝ આપતા જ કેન્સરને દૂર કરે છે

Spread the love
જાપાની ઝાડના દેડકામાં એક શક્તિશાળી કેન્સર વિરોધી દવા મળી આવી, જે એક ડોઝ આપતા જ કેન્સરને દૂર કરે છે

વૈજ્ઞાનિકોએ એક અદ્ભુત શોધ કરી છે. જાપાની ઝાડના દેડકા (ડ્રાયોફાઇટ્સ જાપોનિકસ)ના આંતરડામાં જોવા મળતા બેક્ટેરિયા, કેન્સર સામે લડવામાં ખૂબ અસરકારક સાબિત થયા છે. ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણોમાં, એક ચોક્કસ પ્રકારના બેકટેરિયાએ ટ્યુમરને કોઈપણ ગંભીર આડઅસર કર્યા વિના સંપૂર્ણપણે દૂર કરી દીધી.

દેડકા, ગરોળી અને અન્ય ઉભયજીવી અને સરિસૃપ ભાગ્યે જ કેન્સરથી પીડાતા હોય છે. જાપાન એડવાન્સ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે, જો તેમના આંતરડાના બેક્ટેરિયા ઉંદરમાં દાખલ કરવામાં આવે તો તેની શું અસર થશે.

Japanese Frog

તેમણે દેડકા, ન્યુટ્સ અને ગરોળીમાંથી 45 વિવિધ બેક્ટેરિયા પસંદ કર્યા. આમાંથી નવ બેકટેરિયાએ મજબૂત કેન્સર સામે લડવાની ક્ષમતા દર્શાવી હતી. સૌથી પ્રભાવશાળી રહેલું જાપાની ઝાડના દેડકામાંથી લીધેલું બેકટેરિયા ‘ઇવિંગેલા અમેરિકાના’ હતું.

આ બેક્ટેરિયાએ શું કર્યું?: માત્ર એક ડોઝ આપવાથી ઉંદરમાં (ટ્યુમર)ગાંઠો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગઈ. 30 દિવસ પછી ફરી વખત જ્યારે કેન્સર કોષો દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ, આગામી મહિના સુધી કોઈ ગાંઠો બની ન હતી.

આ બેક્ટેરિયમ બે રીતે કામ કરે છે: તે ટ્યુમર પર સીધો હુમલો કરે છે અને T કોષો, B કોષો અને ન્યુટ્રોફિલ્સને સક્રિય કરીને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ટ્યુમરમાં ઓક્સિજનનું સ્તર ઓછું હોય છે, જેના કારણે કીમોથેરાપી દવાઓ ઓછી અસરકારક બને છે. જો કે, આ બેક્ટેરિયા આવા ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં પણ સારી રીતે કામ કરે છે.

Japanese Frog

સલામતી અને સરખામણી: ઉંદરોમાં, આ બેક્ટેરિયા લોહીના પ્રવાહમાંથી ઝડપથી સાફ થઈ ગયું. તે વર્તમાન કીમોથેરાપી દવા, ડોક્સોરુબિસિન કરતાં વધુ અસરકારક સાબિત થયું. લાંબા ગાળાના નુકસાનનો કોઈ અનુભવ થયો ન હતો, અને તે સ્વસ્થ અંગોને અસર કરતું ન હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ બેક્ટેરિયા ક્લિનિકલ ટ્રાયલ માટે સલામત વિકલ્પ હોઈ શકે છે.

આ શોધ અત્યારે ફક્ત ઉંદરોમાં જ કરવામાં આવી છે. તે માનવોમાં કામ કરશે કે નહીં તે નક્કી કરવા માટે વધુ પરીક્ષણની જરૂર છે. વૈજ્ઞાનિકો હવે તેને અન્ય પ્રકારના કેન્સર પર પરીક્ષણ કરવા, તેને અન્ય દવાઓ સાથે જોડવા અને વધુ સારી રીતે દવા પહોંચાડવા માટેના પ્રકારો શોધવા માંગે છે.

Japanese Frog

સલામતી એક મુખ્ય ચિંતા છે, કારણ કે. ‘ઇવિંગેલા અમેરિકાના’ મનુષ્યોમાં ચેપનું કારણ પણ બની શકે છે. તેથી, ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ અત્યંત સાવધાની રાખવી પડશે. હાલમાં, મૂત્રાશયના કેન્સરની સારવાર માટે બેક્ટેરિયા થેરાપીનો ઉપયોગ પહેલાથી જ થઈ રહ્યો છે. દેડકા જેવા સજીવો ભવિષ્યમાં નવી કેન્સર દવાઓ પ્રદાન કરી શકે છે.

વૈજ્ઞાનિકો કહે છે કે, કુદરતની જૈવવિવિધતામાં ઘણા છુપાયેલા ઉપચારો છે. આપણે તેને બચાવવા જોઈએ, કે જેથી કરીને નવી નવી દવાઓ તેમાંથી મળતી રહે. આ સંશોધન ‘ગટ માઇક્રોબ્સ’ જર્નલમાં પ્રકાશિત થયું છે. આ શોધ કેન્સરના દર્દીઓ માટે નવી આશા જન્માવી આપે છે.

error: Content is protected !!