fbpx

ક્રિકેટમાં આવી રહ્યો છે ગજબનો નિયમ, બેટ્સમેન ફિલ્ડિંગ નહીં કરે…

Spread the love

ક્રિકેટમાં આવી રહ્યો છે ગજબનો નિયમ, બેટ્સમેન ફિલ્ડિંગ નહીં કરે...

ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય T20 લીગ, બિગ બેશ લીગ (BBL), 2026-27 સીઝનથી એક મોટો અને અનોખો નિયમ લાગૂ કરવા જઈ રહી છે. આ નવા નિયમ હેઠળ, ટીમોને ‘ડેઝિગ્નેટેડ હિટર’ (ફક્ત બેટિંગ કરનાર) અને ‘ડેઝિગ્નેટેડ ફિલ્ડર’ (ફક્ત ફિલ્ડિંગ કરનાર) પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ નિયમનો હેતુ ક્રિકેટના મોટા અને વિસ્ફોટક બેટ્સમેનોને લીગમાં લાંબા સમય સુધી બનાવી રાખવાનો છે, જેથી તેઓ ફિલ્ડિંગ કરતી વખતે ઇજાઓથી બચી શકે અને માત્ર તેમની બેટિંગ સ્કિલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. આ નિયમ બેઝબોલમાંથી લેવામાં આવ્યો છે.

BBL

આ ફેરફારથી એડિલેડ સ્ટ્રાઇકર્સના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ લિન અને પર્થ સ્કોર્ચર્સના સ્ટાર મિશેલ માર્શ જેવા ખેલાડીઓની કારકિર્દી લાંબી થઈ શકે છે. ઉંમર સાથે ફિલ્ડિંગમાં ઇજાઓનું જોખમ વધે છે, જેને આ નિયમ ઘટાડશે. BBLના અધિકારીઓને આશા છે કે આ નિયમ ટ્રેવિસ હેડ જેવા થાકેલા ટેસ્ટ ખેલાડીઓને લીગમાં રમવા માટે પ્રોત્સાહિત કરશે. હેડે તાજેતરમાં એશિઝ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ હાલની BBL સીઝનમાં ભાગ લઈ રહ્યો નથી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દિગ્ગજ રિકી પોન્ટિંગે આ નિયમને સમજદારીભર્યું પગલું ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક ખેલાડીઓ તેમની કારકિર્દીના એવા તબક્કામાં હોય છે જ્યારે તેઓ ફિલ્ડિંગમાં વધુ પ્રભાવ પાડી શકતા નથી. તેમને ઈજા થવાનું જોખમ પણ હોય છે. એવામાં, જો આ નિયમ તેમને રમવામાં મદદ કરે છે, તો તે શાનદાર છે.’

ડેઝિગ્નેટેડ બેટર-ફિલ્ડર નિયમ શું છે?

‘ડેઝિગ્નેટેડ બેટર’ અને ‘ડેઝિગ્નેટેડ ફિલ્ડર’ બંનેને બોલિંગ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. જો કે, ડેઝિગ્નેટેડ ફિલ્ડર વિકેટકીપર બની શકે છે. જો કોઈ ટીમ આ નિયમનો ઉપયોગ કરવા માંગતી નથી, તો તે તેની સામાન્ય પ્લેઇંગ ઇલેવન સાથે રમી શકે છે. મેલબોર્ન સ્ટાર્સના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આ નિયમ અંગે કહ્યું કે, ‘તે ટૂર્નામેન્ટમાં નવો ઉત્સાહ ઉમેરશે.’ ટીમો આનો ઉપયોગ કેવી રીતે કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

BBL સલાહકાર ટ્રેન્ટ વૂડહિલના મતે, આ નિયમ ટીમોની રણનીતિમાં એક નવું સ્તર ઉમેરશે. તેમણે કહ્યું કે આ નિયમને વિશ્વભરના ખેલાડીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેના કારણે આગામી સિઝનમાં BBLમાં વધુ મોટા નામો જોડાઈ શકે છે. હાલમાં, આ નિયમ મહિલા બિગ બેશ લીગ (WBBL)માં લાગૂ કરવામાં નહીં આવે, પરંતુ ભવિષ્યમાં તેના પર વિચાર કરવામાં આવશે.

error: Content is protected !!