
સુરતમાં 1 ફેબ્રુઆરીએ ‘દીકરી એટલે વાત્સલ્યનું ઝરણું’ આ સૂત્રને સાર્થક કરતા સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 68માં સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માત્ર નવદંપતીઓના મંગલ પ્રવેશ માટે જ નહીં, પરંતુ સમાજના કુરિવાજોને દૂર કરવા માટે લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયોને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમાજને આર્થિક રીતે સદ્ધર કરવા કુરિવાજોનો બહિષ્કાર, વધતી જતી મોંઘવારી અને લગ્નના નામે થતા બિનજરૂરી ખર્ચ સામે લાલ આંખ કરતા વાટલીયા પ્રજાપતિ સમાજે એક અનોખી પહેલ કરી છે. આ સમૂહલગ્ન પ્રસંગમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંચ પરથી દીકરીઓની સુરક્ષા ને લઈને અત્યંત કડક શબ્દોમાં બાંહેધરી આપી હતી.
ધારાસભ્ય વિનુ મોરડીયાએ મંચ પરથી કહ્યું હતું કે, ‘બે વાત કહીને મારી વાતને હું પૂરી કરીશ. બે વાત કરવાની છે, એક મારે કરવાનું છે અને એક આપણે બધાય ભેગા મળીને કરવાનું છે. તેને મેં ભાગમાં વહેચ્યું છે એટલે તમને બહુ આમ ઉતરશે નહીં.

પહેલા એકલા કરવાનું છે એ હું કહી દઉં. તેમણે કહ્યું કે, ‘આટલા મોટા સમુદાયમાં બહેનો-દીકરીઓ આજે પ્રભુતામાં ડગલાં માંડી રહી છે ત્યારે, હું પહેલીવાર ચૂંટાયો ને ત્યારે પહેલું ઇન્ટરવ્યૂ મારું એવું હતું કે, પહેલી વાત તો અસામાજિક તત્વો હોય એ સુધરી જાય અને નહીં તો પછી કતારગામ છોડી દે. તમારી ખાતરી માટે કહું કે, આ 8 વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને! નહિતર અલગ-અલગ નામથી ઘણી ગેંગો હતી અને એના છત્રછાયામાં અસામાજિક તત્વો બહેન-દીકરીની છેડતી કરતા હતા. ગમે ત્યાં બેઠા-બેઠા કરતા હતા, આ લોકોને વીણી-વીણીને ભાન કરાવ્યું છે અને હજી વીણવાનું ચાલુ છે.’
વિનુ મોરડીયાએ કહ્યું કે, ‘કોઈપણ એક સ્કૂલ હોય ત્યાંથી જો અમને સમાચાર મળે, મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું કે કોઈપણ સમાજની દીકરી હોય, એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે જાવ! અને એ ગેરન્ટી કે સામે ગમે તેવો સમાજ હોય, ગમે તેવો મૂછાળો હોય, એને 24 કલાકમાં ઝેર કરવાની જવાબદારી મારી. બીજી વાર તમને એમ થાય કે આને આપણે ના પહોંચી શકીએ, આ તો ફલાણા સમાજના છે અને આની પોલીસ સાથે બહુ ઓળખાણ અથવા ધારાસભ્ય સાથે ઓળખાણ છે તો કોઈને નહીં છોડું! મારી સાથે બેઠેલો માણસ હશે ને મારી ગાડીમાં ફરતો હશે ને તોય હું નહીં છોડુ એની ગેરંટી. હું મદદ ન કરું તો કંઈ નહીં, પરંતુ તમને નડીશ નહીં, આ મારે કરવાનું છે સુરક્ષા માટે.’

સાથે જ તેમણે વધુમાં જણાવ્યું કે, ‘બીજું કે કોઈને બહાર નહીં પડવા દઈએ. મારી પાસે ઘણા આવા કેસ આવ્યા છે, આની મારી બાજુવાળાને પણ ખબર નહીં પડે ને તમારી બાજુવાળાને પણ ખબર નહીં પડે. અને તમને એમ થાય ને કે આ FIR ફાટવી પડે ને પેપરમાં આવે, એય નહીં થાય. ખાલી સાદી અરજી, FIR તમારા નામની તમારે ત્યાં ફડાવવાની નહીં, એમાં આપણે જરાક કાયદો કૂદાવી દઈશું… FIR વિના શિક્ષા, આ દીકરીઓની બાબતમાં. આ જાહેરમાં એટલા માટે કહું છું કે ઘણા મારી સુધી આવી શકતા નથી. આના માટે તમારે કોઈ ઓળખાણની જરૂર નથી. મારી સામે 10 વર્ષની કે 14 વર્ષની દીકરી એકલી આવે તો પણ ચાલે, એનો ભાઈ આવે તો પણ ચાલે અને માતા-પિતા સાથે આવે તો પણ ચાલે.’
કલ્પેશ વરિયા (પ્રમુખ સમસ્ત વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિ)એ જણાવ્યું હતું કે, લગ્નોમાં થતા દેખાદેખીને કારણે દીકરી-દીકરાના પિતાએ વ્યાજે પૈસા લેવા પડે છે, જે સ્થિતિ રોકવી અનિવાર્ય છે. આ માટે પ્રી-વેડિંગ ફોટોશૂટ, વાના રસમ, મહેંદી રસમ અને ફૂલો કી હોલી જેવી ખર્ચાળ વિધિઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો છે. સમાજના બંધારણમાં ફેરફાર કરી આ ‘કામ વિના’ રસમો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી મધ્યમ વર્ગના પરિવારો આર્થિક રીતે તૂટતા બચે.
