fbpx

ઉંઝામાં નકલી જીરા સામે લાલ આંખ, APMCના ચેરમેન બોલ્યા- ‘આવો માલ પકડાશે તો જાહેર જનતા વચ્ચે સળગાવી દેવાશે’

Spread the love

ઉંઝામાં નકલી જીરા સામે લાલ આંખ, APMCના ચેરમેન બોલ્યા- ‘આવો માલ પકડાશે તો જાહેર જનતા વચ્ચે સળગાવી દેવાશે’

ઊંઝા વિશ્વભરમાં મસાલાનું હબ ગણાય છે. જ્યાં તાજેતરમાં જ APMCએ વેપારીઓ માટે ‘માહિતી અને માર્ગદર્શન સેમિનાર-2026’નું આયોજન કર્યું હતું, જેના કેન્દ્રમાં નકલી જીરા અને ભેળસેળનો મુદ્દો રહ્યો હતો. આ સેમિનારમાં જિલ્લા ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને APMC ચેરમેન દિનેશ પટેલના નિવેદનોની ખૂબ ચર્ચા થઈ રહી છે. અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં વોર્નિંગ આપી છે કે, હવે ભેળસેળ કરનારા તત્ત્વો સામે કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે.

unjha1

સેમિનારને સંબોધતા ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલે જીરામાં વજન વધારવા માટે વપરાતા જોખમી ઓઈલના વેપાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને વિનંતી કરતા જણાવ્યું હતું કે આવા ઓઈલની સપ્લાય ક્યાંથી થાય છે એનું મૂળ શોધીને અટકાવવું જોઈએ. ચેરમેને વેપારીઓની લાગણી વ્યક્ત કરતા અધિકારીઓ પર આક્ષેપ પણ કર્યો હતો કે ઘણીવાર અધિકારીઓ પૈસા લઈને ભેળસેળ કરનારાઓને જવા દેતા હોય છે. તેમણે વોર્નિંગ આપી હતી કે જો આવા કોઈ તત્ત્વો પકડાશે તો જાહેર જનતાની વચ્ચે તેમના માલને સળગાવી દેવામાં આવશે.

તો બીજી તરફ ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘હાલમાં ભેળસેળ અને ભ્રષ્ટાચાર પરસ્પર સાથે ભળી ગયા છે. જીરામાં ભૂસું, ગોળની રસી અને જોખમી કોટિંગ કરીને 10 ટન માલમાં 500 કિલો નકલી માલ ભેળવી દેવાની પદ્ધતિ સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે વેપારીઓને નૈતિકતાનો પાઠ ભણાવતાં કહ્યું હતું કે ભલે ઓછું કમાઈ લો, પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો.

તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તમે તમારા પોતાના બાળકોને આવું ભેળસેળિયું જીરું ન ખવડાવી શકતા હો તો આવો ધંધો કરવાનો તમને કોઈ અધિકાર નથી. કદાચ સરકાર કે વિભાગથી બચી જશો, પણ ઈશ્વરની નજરમાંથી નહીં બચો. હવે પછી કોઈપણ રાજકારણીનો ભલામણ માટે ફોન આવશે તોપણ દોષીઓને છોડવામાં નહીં આવે .

unjha2

ઉલ્લેખનીય છે કે, ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ જીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરી છે. માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરીમાં નકલી જીરું તૈયાર કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે લોકલ પોલીસની મદદ લઈ ફૂડ વિભાગે દરોડા પાડી લગભગ 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

error: Content is protected !!