fbpx

સુધરે એ બીજા… માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Spread the love

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે તમામ નિયમોને નેવે મૂકી, જ્યાં મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ચાલીને જાય છે તેવા ભવનાથ તળેટીના પ્રતિબંધિત વિસ્તારમાં પોતાની ખાનગી લક્ઝરી બસ ઘુસાડી દેતા ભારે વિવાદ સર્જાયો છે.

આ વર્ષે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મેળામાં ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે અભૂતપૂર્વ નિર્ણય લેવાયો હતો. જેમાં કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના ક્ષેત્રમાં પ્રવેશવાની સખત મનાઈ હતી. લાખો શ્રદ્ધાળુઓ જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે આલીશાન બસમાં છેક ભવનાથના જૂના અખાડા સુધી પહોંચતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

02

પોલીસ ચેકપોસ્ટ પર કેમ કોઈએ ન રોક્યા?

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે:

  • ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીની અનેક પોલીસ ચેકપોસ્ટ પર આ મોટી બસને કેમ કોઈએ અટકાવી નહીં?
  • શું વગદાર લોકો માટે નિયમો અલગ છે?
  • જેલમાંથી છૂટેલા જયરાજ આહિરને આવી વિશેષ છૂટછાટ કોણે આપી?

કલેક્ટરના તપાસના આદેશ

આ મામલે વિવાદ વકરતા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએ તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે- આ વર્ષે મેળામાં VIP કલ્ચરને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. આ બસ કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જવાબદાર વ્યક્તિઓ કે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

04

સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં નારાજગી

સ્થાનિકોના મતે તંત્રએ વાહનો પર પ્રતિબંધ મૂકીને પ્રશંસનીય કામ કર્યું હતું, જેનાથી મેળામાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહી હતી. પરંતુ જયરાજ આહિરના આ ‘કારસ્તાન’થી સામાન્ય શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલા જયરાજ સામે હવે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

error: Content is protected !!