
બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. તેમને કેન્સરનું નિદાન થયું પછી પણ સક્રિય હતા પરંતુ તેમણે જણાવ્યું હતું કે સતત તેમની શક્તિ ઘટી રહી હતી. કામ કરવાની તાકાત રહી ન હતી. અંતે 17 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું છે.
પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘એક વિલન’, ‘ગબ્બર ઇઝ બેક’ અને ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં તેઓ ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.

શું છે મલ્ટીપલ માયલોમા?
મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. આ બોનમેરો પ્લાઝ્મા કોષોમાં શરૂ થાય છે. તે સામાન્ય લોહીના કોશોને નષ્ટ કરે છે અને અસામાન્ય પ્રોટીન બનાવે છે. આનાથી હાડકાં નબળા પડે છે. કિડનીને નુકસાન કરી શકે છે. આ એક ગંભીર રોગ છે પરંતુ સારવાર યોગ્ય રોગ છે. કીમોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેની સારવાર થાય છે.

લક્ષણો: કરોડરજ્જુ, છાતી અથવા નિતંબમાં હાડકાનો દુખાવો, થાક, વારંવાર ચેપ, કિડનીની સમસ્યાઓ, અને વજનમાં ઘટાડો.
કારણ અને જોખમ: ચોક્કસ કારણ અજ્ઞાત છે, પરંતુ તે વૃદ્ધ વયસ્ક (60+), પુરુષોમાં વધુ સામાન્ય છે.
નિદાન: બ્લડ યૂરીન ટેસ્ટ (M-spike માટે), બોનમેરો બાયોપ્સી, અને હાડકાના સ્કેન.
વહેલું નિદાન અને નિષ્ણાત ઓન્કોલોજિસ્ટની સલાહ દ્વારા આ રોગનું અસરકારક સંચાલન શક્ય છે.
