fbpx

નકલી પોલીસની દાદાગીરી અને ધાકધમકીથી 43 વર્ષીય શખ્સને હાર્ટએટેક આવતા ગુમાવ્યો જીવ

Spread the love

નકલી પોલીસની દાદાગીરી અને ધાકધમકીથી 43 વર્ષીય શખ્સને હાર્ટએટેક આવતા ગુમાવ્યો જીવ

ભરૂચના રહાડપોર ગામ નજીક નકલી પોલીસ બની ધાકધમકી આપતા શખ્સોના ત્રાસને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાહતો. જ્યારે અન્ય એક ઘટનામાં અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો રોફ જમાવી વાહનચાલકોને અટકાવી દસ્તાવેજોની તપાસ કરતા એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે.

સૌપ્રથમ વાત કરીએ ભરૂચ જિલ્લાની. નકલી પોલીસની દાદાગીરીથી ડરી ગયેલા ઉર્વીશ બિપિન મોદી (ઉં.વ. 43, રહે ભોલાવ વિસ્તારમાં)ને હાર્ટ એટેક આવી ગયું હતું, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો  હતો.  દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઉર્વીશ મોદી તેની પત્ની સાથે એક્ટિવા પર શહેર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેનું એક્ટિવા રોક્યું હતું. આ શખ્સોએ પોતાને ‘પોલીસ’ ગણાવ્યા હતા અને વાહન પર નંબર પ્લેટ ન હોવા બાબતે દબાણ કર્યું હતું. એવો આરોપ છે કે, આ શખ્સોએ 3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી. તેમ કહીને પૈસા માંગીને ધમકાવ્યા હતા.

નકલી પોલીસની આ દાદાગીરી અને ધાકધમકીથી ઉર્વીશ મોદી ખૂબ જ ગભરાઈ ગયો હતો. રસ્તા પર જ તેને હાર્ટ એટેક આવી ગયો અને તે ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ બજાવતા ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.

મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ સ્કૂલમાં નોકરી કરે છે અને તેમના પતિ તેમને લેવા આવ્યો હતો. રહાડપોર પાસે એક બાઈક સવારે તેમને રોક્યા બાદ અન્ય 2 લોકો આવ્યા અને પોતાને પોલીસ ગણાવી પૈસા માંગ્યા હતા. ગાડીના કોઈ હપ્તા બાકી નહોતા, માત્ર નંબર પ્લેટ લગાવવાની બાકી હતી. પતિ હૃદય રોગના દર્દી હતો અને 1 અઠવાડિયા અગાઉ જ તેની સારવાર કરાવી હતી.

urvish-modi

ઘટનાની ગંભીરતા જોતા A- ડિવિઝન પોલીસ સ્ટેશનના PI આર.એમ. વસાવા સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતકની પત્નીનું નિવેદન નોંધી તપાસના હાથ ધરી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આ મામલે સંડોવાયેલા તમામ દોષીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તો અમદાવાદમાં પણ નકલી પોલીસ પકડાયો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા ભરત સેનવા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરી નાગરિકોને પરેશાન કરતો હતો. gstv.inના અહેવાલ મુજબ, N ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હેબતપુર ચાર રસ્તા નજીક ફરજ બજાવી રહ્યા હતા.

આ દરમિયાન ટ્રાફિક ઓછો હોવાથી કોન્સ્ટેબલ અને TRB જવાનો રસ્તાની બાજુમાં ઊભા હતા. ત્યારે તેમની નજર એક શખ્સ પર પડી હતી. જેણે ખાખી પેન્ટ અને પોલીસ જેવા જ બૂટ પહેર્યા હતા. તે આવતા-જતા વાહનચાલકોને રોકીને તેમની પાસેથી ડ્રાઇવિંગ લાઇસન્સ અને ગાડીના કાગળો માંગતો હતો. તેનું વર્તન શંકાસ્પદ લાગતા અસલી ટ્રાફિક પોલીસે તેની પાસે જઈને આઈકાર્ડ માંગ્યું, પરંતુ તે કોઈ પણ સત્તાવાર દસ્તાવેજ રજૂ કરી શક્યો નહોતો.

fake-police

પોલીસની પૂછપરછમાં સામે આવેલી પ્રાથમિક માહિતી અનુસાર, આરોપીનું નામ ભરત સેનવા છે અને તે વિજાપુર તાલુકાનો વતની છે. તે છેલ્લા 13 વર્ષથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની ઓફિસમાં નોકરી કરે છે. તે દરરોજ સવારે રિક્ષામાં વડાસનથી અમદાવાદ નોકરીએ જતો હતો. ઓફિસનો સમય (10 થી 6) પૂરો થયા બાદ તે ખાખી વર્દી પહેરીને રસ્તા પર ઉભો રહેતો હતો અને પોલીસ હોવાની છાપ ઉભી કરી વાહનચાલકોને રોકતો હતો. N ડિવિઝન ટ્રાફિક કોન્સ્ટેબલની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

error: Content is protected !!