
અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી દ્વારા લાવવામાં આવતું ગોલ્ડ ઝડપી પાડવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. થોડા અઠવાડિયા અગાઉ એક મુસાફર ચડ્ડીમાં સોનાનું પેસ્ટ છુપાવીને લાવ્યો હતો, પરંતુ તેનો આ નુસ્ખો સફળ થયો નહોતો અને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને ઝડપી પાડ્યો હતો. હવે સોનાની તસ્કરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે હેરાન રહી જશો.
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ અબુ ધાબીથી આવેલા એક ભારતીય મુસાફરના પેટમાંથી લાખોની કિંમતનું સોનું ઝડપી પાડીને સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કસ્ટમ વિભાગના એર ઇન્ટલિજન્ટ યુનિટ દ્વારા અબુ ધાબીથી અમદાવાદ આવેલી એર અરેબિયા ફ્લાઇટમાં આવેલા શાહરૂખ નામના પેસેન્જરના શરીરમાંથી 21 લાખથી વધુની કિંમતની સોનાની કેપ્સ્યૂલ કબજે કરવામાં આવી છે.
19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતો શાહરૂખ નામનો શખ્સ એર અરેબિયા ફ્લાઇટ નંબર 3L 111 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. APIS પ્રોફાઇલિંગ’ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે અધિકારીઓએ શાહરૂખને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. શરૂઆતમાં ગોળમટોળ જવાબ આપ્યા બાદ, કડક પૂછપરછ સામે મુસાફરે કબૂલાત કરી હતી કે તેણે પોતાના શરીરમાં સોનાની કેપ્સ્યૂલ્સ છુપાવી છે.

આરોપીની કબૂલાત બાદ કસ્ટમ્સ વિભાગે ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ પાસેથી જરૂરી મંજૂરી મેળવી હતી. ત્યારબાદ મુસાફરને તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મેડિકલ તપાસ અને એક્સ-રે રિપોર્ટમાં તેના પેટમાં શંકાસ્પદ વસ્તુઓ હોવાની પુષ્ટિ થઈ હતી. ડૉક્ટરોની દેખરેખ હેઠળ મુસાફરના શરીરમાંથી કુલ 4 શંકાસ્પદ ગોળીઓ બહાર કાઢવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં, મળ પસાર કરાવતી વખતે ડૉક્ટરને મુસાફરના શરીરમાં પીળા રંગની 3 નળાકાર કેપ્સ્યૂલ અને 1 ગોળાકાર આકારના સ્ટીલ કલરનો બોલ હોવાનું જાણવા મળ્યું હતું. સિવિલ હોસ્પિટલ, અમદાવાદે 21 ફેબ્રુઆરીના રોજ મેડિકલ રિપોર્ટ દ્વારા આ છુપાવેલા માલની માહિતી આપી અને મુસાફરને ડિસ્ચાર્જ કર્યો હતો. ત્યારબાદ પેસેન્જરના શરીરમાંથી મળેલા માલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને પ્રમાણપત્ર રજૂ કર્યું. જેમાં પ્રમાણિત કરવામાં આવ્યું કે 3 ત્રણ નળાકાર આકારની કેપ્સ્યૂલની ધાતુ 135.200 ગ્રામ વજનની સોનાની છે, જેની શુદ્ધતા 999.0/24 કેરટની છે, તેની બજાર કિંમત 21,89,564 રૂપિયા થાય છે અને ટેરિફ મૂલ્ય 20,17,801 રૂયિયા છે.
જ્યારે ચોથી ગોળાકાર કેપ્સ્યૂલ ફેરસની ધાતુની બનેલી હોવાનું જાણવા મળ્યું હતું. એટલે કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેને જપ્ત કરવામાં આવી હતી કારણ કે તેને કસ્ટમ્સને જાહેર કર્યા વિના શરીરમાં છુપાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની વધુ તપાસ ચાલુ છે.
કસ્ટમ્સ એક્ટ, 1962ની વિવિધ કલમો હેઠળ આ સોનું જપ્ત કરી લેવામાં આવ્યું છે. મુસાફર શાહરુખની ધરપકડ કરવામાં આવી છે અને આ દાણચોરી પાછળ અન્ય કોઈ મોટી ગેંગ સંકળાયેલી છે કે કેમ તે અંગે AIU વધુ તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સુરક્ષા અને ચેકિંગ કડક હોવા છતા, દાણચોરો દ્વારા અપનાવવામાં આવતી આવી જીવલેણ પદ્ધતિઓએ સુરક્ષા એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે.

આ અગાઉ યુગાન્ડાની મહિલાના શરીરમાં છુપાવેલી હેરોઇન ભરેલી 79 કેપ્સ્યૂલ કબજે કરવામાં આવી હતી. આ કેસમાં તાજેતરમાં જ કોર્ટ દ્વારા મહિલા આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
9 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું હતું. આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેની ચડ્ડીમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જેને જોતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ લાગતું હતું, પરંતુ કસ્ટમ્સ વિભાગને એરપોર્ટ પર શખ્સની શંકાસ્પદ હિલચાલના આધારે તેની તપાસ કરતા આ અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો અને અધિકારીઓ પણ સોનાને છુપાવવાની આ પદ્ધતિ અને સંપૂર્ણ સોનાની ચડ્ડી જોઈને દંગ રહી ગયા હતા.
