
ભારતીય ક્રિકેટર શિખર ધવનને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દિલ્હી ફેમિલી કોર્ટે તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જીને 5.7 કરોડ રૂપિયા પરત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, ‘આ રકમ એક્સટોર્શન, છેતરપિંડી અને ધમકીઓ દ્વારા મેળવવામાં આવી હતી.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પટિયાલા હાઉસ કોર્ટના ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ગર્ગે આ કેસમાં ચૂકાદો આપ્યો હતો. તેમણે શિખર ધવન અને તેની પૂર્વ પત્ની આયેશા મુખર્જી વચ્ચેના તમામ સમાધાનોને રદ કરી દીધા. ન્યાયાધીશના જાણવા મળ્યું કે આ સમજૂતી ધમકી, બળજબરી, છેતરપિંડી અને એક્સટોર્શન (ખંડણી) દ્વારા કરવામાં આવી હતી.

કોર્ટે આયેશા મુખર્જીને આદેશ આપ્યો કે, તે લગભગ 5.7 કરોડ રૂપિયા (AU$894,397) પરત કરે. સાથે જ ધવને કેસ દાખલ કર્યો તે તારીખથી તેને આ રકમ પર 9 ટકા વાર્ષિક વ્યાજ પણ ચૂકવવું પડશે. ન્યાયાધીશે સ્પષ્ટપણે એમ પણ કહ્યું કે, ઓસ્ટ્રેલિયન કોર્ટને આ કેસનો ઉકેલ લાવવાનો કોઈ અધિકાર નથી.
આયેશા ઓસ્ટ્રેલિયાની રહેવાસી છે. ધવનથી અલગ થયા બાદ, 2021 અને 2024 સુધી ઓસ્ટ્રેલિયન કોર્ટે તેમની મિલકત વહેંચવાના ઘણા આદેશો આપ્યા. ફેબ્રુઆરી 2024માં, ઓસ્ટ્રેલિયન કોર્ટે ચૂકાદો આપ્યો કે, આયેશાને કુલ સંપત્તિના 15% હિસ્સો મળશે. આનાથી તેને આશરે 7.46 કરોડ રૂપિયાની સંપત્તિ જાળવી રાખવાની મંજૂરી મળી હતી. શિખર પાસેથી વધારાના 15.95 કરોડ રૂપિયા મળ્યા અને એક મિલકત ટ્રાન્સફર કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન, આયેશાને એક મિલકતના વેચાણમાંથી લગભગ 5.7 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા.
શિખરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કેસ દાખલ કર્યો. ધવને પટિયાલા હાઉસ કોર્ટને જણાવ્યું કે તેમના લગ્ન 2012માં થયા હતા. તેમના લગ્નના થોડા સમય બાદ આયેશાએ ધમકી આપી કે, ખોટી અને બદનામી કરનારી વાતો (ફેબ્રિકેટેડ ડિફેમેટરી મટિરિયલ) બનાવીને ફેલાવી દેશે, જેથી તેની પ્રતિષ્ઠા અને ક્રિકેટ કારકિર્દીને પૂરી રીતે બરબાદ થઈ જશે.

ધવનનું કહેવું છે કે તેણે પોતાની કમાણીમાંથી મિલકતો ખરીદી હતી. પરંતુ, આયેશાના દબાણમાં તેને મજબૂરીમાં એ મિલકતો અથવા તો બંનેના નામે અથવા માત્ર આયેશાના નામે નોંધાવવી પડી હતી. એક કેસમાં, કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આયેશા ધવન દ્વારા ખરીદેલી મિલકતમાં 99% ભાગીદાર હતી. બધા પુરાવાઓની સમીક્ષા કર્યા બાદ, ન્યાયાધીશ ગર્ગે ધવનની વાત માની લીધી અને ચૂકાદો આપ્યો હતો કે ધવન ઓસ્ટ્રેલિયન કોર્ટના આદેશોથી બંધાયેલો નથી.
ઉલ્લેખનીય છે કે, શિખર ધવન અને આયેશા મુખર્જીના લગ્ન 2012માં થયા હતા. 2014માં તેમના પુત્ર જોરાવરનો જન્મ થયો હતો. જોકે, તેમના સંબંધ સારી રીતે ન ચાલી શક્યા અને તેઓ 2021માં અલગ થઈ ગયા.દિલ્હીની એક કોર્ટે 2023માં તેમના છૂટાછેડા મંજૂર કર્યા. ત્યારબાદ કોર્ટે શિખરને તેના પુત્રને મળવાનો અધિકાર આપ્યો હતો, પરંતુ બાદમાં આયેશાએ તેની સાથેનો સંપર્ક પૂરી રીતે કાપી નાખ્યો હતો.
