
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ ઘરેલુ મેદાન પર એક ટેસ્ટ અને 3 મેચની ODI સીરિઝ રમશે. આ મેચ જૂનમાં રમાશે, અને BCCIએ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. આ પ્રવાસમાં એક એવી ટીમ ભારત આવી રહી છે, જેની સામે ભારતે હજુ સુધી ODI સીરિઝ રમી નથી. આ સીરિઝ ફેન્સ માટે ખૂબ જ રોમાંચક બનવાની છે.
ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે
BCCIએ 2026માં અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ પ્રવાસ જૂન 2026માં થશે, જેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એક ટેસ્ટ મેચ અને 3 વન-ડે આંતરરાષ્ટ્રીય (ODI) મેચનો સમાવેશ થશે. આ પ્રવાસ એક ટેસ્ટ મેચથી શરૂ થશે, જે 6 થી 10 જૂન દરમિયાન ન્યૂ ચંદીગઢમાં રમાશે. આ બંને દેશો વચ્ચે આ બીજી ટેસ્ટ મેચ હશે. આ અગાઉ બંને ટીમો વચ્ચે 2018માં ટેસ્ટ મેચ રમાઈ હતી, જે અફઘાનિસ્તાનની પહેલી ટેસ્ટ મેચ પણ હતી.

ત્યારબાદ, ODI સીરિઝની શરૂઆત 14 જૂનથી થશે. આ બંને ટીમો વચ્ચેની આ પહેલી ODI સીરિઝ હશે. અગાઉ, બંને ટીમો ICC ઇવેન્ટ્સ અને એશિયા કપમાં જ ODI ફોર્મેટમાં જ એકબીજા સામે મેચો રમી હતી. આ મેચો ધર્મશાળા, લખનૌ અને ચેન્નાઈમાં રમાશે. આ અફઘાનિસ્તાન ક્રિકેટ માટે એક મોટી તક હશે, કારણ કે તેમને વિશ્વની ટોચની ટીમ સામે રમવાની તક મળશે. આ સીરિઝથી ભારતીય ટીમ પણ 2027 ODI વર્લ્ડ કપ માટેની તૈયારીઓની શરૂઆત પણ કરશે.
ભારત-અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ
એકમાત્ર ટેસ્ટ: 6 જૂનથી 10 જૂન (ચંદીગઢ)
પ્રથમ ODI: 14 જૂન 2026 (ધર્મશાળા)
બીજી ODI: 17 જૂન 2026 (લખનૌ)
ત્રીજી ODI: 20 જૂન 2026 (ચેન્નાઈ)

રોહિત અને વિરાટની થશે વાપસી
આ સીરિઝ ભારતીય ફેન્સ માટે ખૂબ જ ખાસ રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી એકવાર એક્શનમાં જોવા મળશે. જોકે, BCCIએ હજુ સુધી ટીમની જાહેરાત કરી નથી. ટીમની પસંદગી IPL 2026 બાદ થઈ શકે છે.
