fbpx

એલોવેરા પાવડરના નામે એટોમિડેટ વિદેશ મોકલતી ટોળકીને સુરતથી પકડતી ગુજરાત ATS

Spread the love

એલોવેરા પાવડરના નામે એટોમિડેટ વિદેશ મોકલતી ટોળકીને સુરતથી પકડતી ગુજરાત ATS

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ ડ્રગ્સની હેરાફેરીના એક મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટમાં પ્રતિબંધિત ‘એટોમિડેટ’ (Etomidate) પાવડરને એલોવેરા પાવડરના લેબલ હેઠળ સુરતથી દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં નિકાસ કરવામાં આવતો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે સુરત સ્થિત ત્રણ શખ્સો આ ઓપરેશનમાં સામેલ હતા. તેઓએ અત્યાર સુધીમાં થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોર જેવા દેશોમાં એર કાર્ગો દ્વારા 125 કિલોથી વધુ ડ્રગ્સ મોકલી દીધું હતું.

મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો મુખ્ય સૂત્રધાર

ચોક્કસ બાતમીના આધારે ATSના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલની તપાસ કરી હતી. જે પેકેજોમાં ‘એલોવેરા પાવડર’ હોવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમાં તપાસ દરમિયાન એટોમિડેટ મળી આવ્યું હતું. આ મામલે સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી નિકુંજ ગઢિયાની ધરપકડ કરવામાં આવી છે.

06

નકલી દસ્તાવેજોનો ખેલ

પૂછપરછ દરમિયાન અન્ય બે શંકાસ્પદ વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે:

  • ચેતન વાવડિયા
  • ભૌતિક પદમણી

આ બંને શખ્સો પોતાની કંપનીઓ દ્વારા નકલી ઇનવોઇસ અને બનાવટી કસ્ટમ ક્લિયરન્સ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ડ્રગ્સ વિદેશ મોકલતા હતા. નિકુંજ ગઢિયાએ તેની પેઢી ‘DWN બાયોસાયન્સ’ દ્વારા 50 કિલો એટોમિડેટ મલેશિયા મોકલ્યું હતું, જ્યારે અન્ય આરોપીઓએ 75 કિલો જથ્થો મલેશિયા અને થાઈલેન્ડ મોકલ્યો હતો.

કાયદાકીય છટકબારીનો ફાયદો ઉઠાવ્યો

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘એટોમિડેટ’ ડ્રગ ઘણા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં પ્રતિબંધિત છે, પરંતુ તે હાલમાં ભારતના NDPS (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ સૂચિબદ્ધ નથી. ડ્રગ માફિયાઓએ આ કાયદાકીય છટકબારીનો ગેરફાયદો ઉઠાવીને આ પાવડરની નિકાસ શરૂ કરી હતી.

હાલમાં ATS આ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તાર શોધવા માટે ઊંડી તપાસ કરી રહી છે.

error: Content is protected !!