fbpx

બિહાર અને બંગાળને વિભાજીત કરીને નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના અંગેની અટકળો પર સરકારે આપ્યો જવાબ

Spread the love

બિહાર અને બંગાળને વિભાજીત કરીને નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચના અંગેની અટકળો પર સરકારે આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં બિહારના સીમાંચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે બિહારના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘણી બેઠકો યોજી હતી. ત્યારબાદ એ વાતની અટકળો શરૂ થઈ હતી કે બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓને જોડીને એક નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ અટકળોએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વધુ હવા આપી દીધી. તેમણે કહ્યું હતું કે કેન્દ્રમાં શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) બંગાળને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે આ અટકળો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

PIB ફેક્ટ ચેકે આ અટકળોને સંપૂર્ણપણે ફગાવી દીધી છે અને તેને માત્ર અફવાઓ ગણાવી છે. તમને જણાવી દઈએ કે, અટકળોમાં દાવો કરવામાં આવ્યો છે કે બિહારના સીમાંચલ પ્રદેશ (પૂર્ણિયા, કટિહાર, કિશનગંજ, અરરિયા) અને પશ્ચિમ બંગાળના ઉત્તરીય જિલ્લાઓ (માલદા, ઉત્તર દિનાજપુર અને સિલિગુડી કોરિડોર)ને જોડીને એક નવું પ્રશાસનિક કેન્દ્ર બનાવવામાં આવશે.

shah1

PIBનું કહેવું છે કે, ભારત સરકાર પાસે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. આ સંપૂર્ણપણે અફવા છે. ગૃહ મંત્રાલય (MHA) કે કોઈપણ સત્તાવાર સંસ્થાએ આવી કોઈ યોજનાની પુષ્ટિ કરી નથી. સરકારે નાગરિકોને સલાહ આપી છે કે તેઓ પ્રાદેશિક લાગણીઓ કે રાજકીય તણાવ ઉશ્કેરી શકે તેવા અપ્રમાણિત અને સંવેદનશીલ સમાચાર શેર ન કરે.

આ અફવા કેમ ફેલાઈ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં બિહાર અને ઉત્તર બંગાળના સીમાંચલની મુલાકાત લીધા બાદ આ અફવાને વધુ વેગ મળ્યો. ગૃહમંત્રીએ સુરક્ષા વ્યવસ્થા, ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરફેર અટકાવવા અંગે ચર્ચા કરવા માટે સરહદી જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકો સાથે બેઠકો યોજી હતી. તો ભારતીય સેનાએ તાજેતરમાં સિલિગુડી કોરિડોરને સુરક્ષિત કરવા માટે કિશનગંજ (બિહાર) અને પશ્ચિમ બંગાળમાં નવી ચોકીઓ સ્થાપિત કરી છે.

shah

વિપક્ષી દળો અને કેટલાક સ્થાનિક મીડિયા આઉટલેટ્સે આ સુરક્ષા પગલાંને નવા કેન્દ્રશાસિત પ્રદેશની રચનાની તૈયારી તરીકે પ્રચાર કર્યો હતો, જે દાવાને સરકારે હવે નકારી કાઢ્યો છે. તમને જણાવી દઈએ કે, સિલિગુડી કોરિડોર પશ્ચિમ બંગાળમાં સ્થિત જમીનનો એક સાંકડો પટ્ટો (20-22 કિમી પહોળો) છે, જે મુખ્ય ભૂમિ ભારતને ઉત્તર-પૂર્વીય રાજ્યો સાથે જોડે છે. તે રણનીતિક રૂપે અત્યંત સંવેદનશીલ છે. આપત્તિના સમયે ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર સાથેનો સંદેશાવ્યવહાર ખોરવાઈ ન જાય તે માટે સરકાર અહીં ભૂગર્ભ રેલવે પ્રોજેક્ટ (40 કિમી) બનાવવાની યોજના બનાવી રહી છે, પરંતુ તેનો કોઈ ભૌગોલિક કે વહીવટી ફેરફારો કરવાનો કોઈ ઇરાદો નથી.

error: Content is protected !!