fbpx

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

Spread the love

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?

ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી દર વર્ષે સરેરાશ આશરે 28,000 નવા કેન્સરના કેસ અને લગભગ 15,000 વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર ઉભો કરે છે, પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કેન્સર સામે લડવા માટે અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

ભારતમાં કેન્સરના વધતા કેસોની પાછળ ઘણા કારણો છે. આરોગ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે વધતું આયુષ્ય, વૃદ્ધોની વધતી વસ્તી, નવી તપાસની પદ્ધતિ, અને લોકોમાં આરોગ્ય વિશે વધતી જાગૃતિને કારણે પણ વધુ કેસો આવી રહ્યા છે. એટલે કે ઘણા કેસો હવે સમયસર ઓળખાઈ રહ્યા છે, જે અગાઉ નોંધાતા ન હતા.

સરકારી આંકડાઓ મુજબ દેશમાં 2019માં લગભગ 13.5 લાખ કેન્સરના કેસ હતા, જે 2024 સુધી વધીને 15.3 લાખથી વધુ થઈ ગયા છે. તે જ રીતે કેન્સરથી થતા મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. 2023માં લગભગ 8.2 લાખ લોકો કેન્સરના કારણે મૃત્યુ થયા હોવાનો અંદાજ છે.

આ પડકારને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે અનેક આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ યોજના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ એન્ડ સ્ટ્રોક (NPCDCS)છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ રોગોની રોકથામ, સમયસર તપાસ, સારવાર અને જાગૃતિ વધારવાનો છે.

સરકારના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના 700થી વધુ જિલ્લા સ્તરના NCD ક્લિનિકો, લગભગ 268 ડે-કેર સેન્ટરો અને હજારો સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં વિશેષ ક્લિનિકો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં લોકોને કેન્સર સહિતના રોગોની સ્ક્રીનિંગ, સલાહ અને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

02

કેન્સરની વહેલી ઓળખ થાય તે માટે સરકાર દ્વારા સ્ક્રીનિંગ કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળતા સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને મોંના કેન્સરની તપાસ માટે ગામ અને શહેર બંને સ્તરે  તપાસ કરવામાં આવે છે. આ કામગીરી નેશનલ હેલ્થ મિશન હેઠળ ચલાવવામાં આવે છે, જેથી સામાન્ય લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે.

સરકાર દ્વારા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકો માટે મફત અથવા ઓછા ખર્ચે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાખો લોકો હોસ્પિટલોમાં મોંઘી સારવાર મેળવી શક્યા છે.

તે ઉપરાંત દેશભરમાં આધુનિક કેન્સર સારવાર માટે નવા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રો સ્થાપવાની કામગીરી પણ ચાલી રહી છે. ઘણા સરકારી મેડિકલ કોલેજો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં રેડિયોથેરાપી, કીમોથેરાપી અને અન્ય આધુનિક સારવાર સુવિધાઓ વધારવામાં આવી રહી છે.

03

વિશેષ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ઓવેરિયન કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ તપાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

કેન્સર સામેની લડતમાં સંશોધન અને ડેટા પણ ખૂબ મહત્વના છે. ભારત સરકાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ ચલાવે છે, જેમાં દેશભરના કેન્સરના કેસોનો ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ ડેટાના આધારે નીતિ નિર્માણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવે છે.

નિષ્ણાતોનું માનવું છે કે કેન્સર સામેની લડતમાં ત્રણ બાબતો સૌથી મહત્વની છે — સમયસર તપાસ, યોગ્ય સારવાર અને લોકોમાં જાગૃતિ. સરકાર આ ત્રણેય ક્ષેત્રમાં કામગીરી વધારી રહી છે, પરંતુ વસ્તીનું કદ અને જીવનશૈલીમાં થતા ફેરફારોને કારણે પડકારો પણ વધી રહ્યા છે.

error: Content is protected !!