fbpx

સુરતમાં નિર્માણાધીન બ્રિજના બે પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો ભાગ અચાનક નમી ગયો

Spread the love

સુરતમાં નિર્માણાધીન બ્રિજના બે પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો ભાગ અચાનક નમી ગયો

સુરતમાં ફરી એક વખત બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે. રેલવે ગોડાઉન ગ્પર નિર્માણાધીન બ્રિજના બે મજબૂત પિલર વચ્ચે ગોઠવવામાં આવેલો ગર્ડરનો આખેઆખો ભાગ અચાનક એક તરફ નમી પડ્યો હતો. કરોડોના ખર્ચે બનતા બ્રિજનો આટલો મોટો હિસ્સો નમી જતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. તંત્રએ તાત્કાલિક એક્શનમાં આવીને અકસ્માત સર્જાય તે પહેલાં આ નમી પડેલા આખા સ્ટ્રક્ચરને તોડી પાડી કાટમાળ ખસેડવાની કામગીરી કરી હતી.

આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઇ ગયા છે. તો બીજી તરફ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર મામલે ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અધિકારીઓનું સત્તાવાર રીતે કહેવું છે કે આ કોઈ અકસ્માત કે દુર્ઘટના નથી, પરંતુ બ્રિજની ડિઝાઇન સેન્સ (ડિઝાઇન ચેન્જ) બદલવાની હોવાથી એન્જિનિયરિંગ પ્લાન મુજબ આ ભાગ સ્વેચ્છાએ તોડવામાં આવ્યો છે.

surat

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ આ અંગે રેલવેના એક ઉચ્ચ અધિકારીએ સત્તાવાર ખુલાસો કરતા જણાવ્યું છે કે, વાયરલ થઈ રહેલો આ વીડિયો અહીંનો નથી, પરંતુ આશરે દોઢ મહિના જૂનો છે. પીલરની ઉપર જે ગર્ડર રાખવામાં આવ્યો હતો, તેનું ટેમ્પરરી સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે આ ગર્ડર એકાએક બેન્ડ થઈ ગયો હતો. આ ઘટના બાદ તુરંત જ ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી અને સલામતીના ભાગરૂપે તેને તોડી પાડીને ત્યાંથી સંપૂર્ણપણે ડિસ્મેન્ટલ (દૂર) કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ જગ્યાએ નવો ગર્ડર કાસ્ટ કરીને બેસાડવામાં આવશે.

અધિકારી હેમંત અગ્રવાલ (સ્ટ્રક્ચર DPMએ જણાવ્યું હતું કે, ડ્રોઈંગ ચેન્જ થવાને કારણે આ ભાગને કાઢવામાં આવી રહ્યો છે અને હવે જે કંઈ પણ કામ થશે તે રિવાઈઝ ડ્રોઈંગના હિસાબથી જ કરવામાં આવશે. પીલર વચ્ચેના ગર્ડર તૂટ્યાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વીડિયો અંગે સ્પષ્ટતા કરી કે એવું કંઈ જ નથી, ડ્રોઈંગ બદલાવાને કારણે તેને હટાવવો જ પડે અને આમાં કોઈની બેદરકારી નથી.

જ્યારે અન્ય અધિકારી રાહુલ રાઘવ (લાયઝન મેનેજર) જણાવે છે કે ગર્ડર તૂટ્યો નથી. પરંતુ એઝ પર ડ્રોઈંગ જ કામ આગળ વધારવા માટે તેને ડિસ્મેન્ટલ કરવામાં આવી રહ્યો છે. પત્રકાર જ્યારે તેમને મોબાઈલમાં વાયરલ વીડિયો બતાવીને પૂછે છે કે આ તેમના જ પીલર જેવો દેખાય છે અને આ અંગે તેમનું શું કહેવું છે.

surat1
instagram.com/p/DZ6wSqniCqa

બનાવની વિગત એવી છે કે, સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ અંતર્ગત સહારા દરવાજાથી લઈને સુરત મુખ્ય રેલવે સ્ટેશનના પાછળના ભાગથી વરાછા લંબે હનુમાન રોડ સુધીનો એલિવેટેડ રોડ તૈયાર થઈ રહ્યો છે. આશરે 5 કિલોમીટર લાંબો આ બ્રિજ પ્રોજેક્ટ સિટકો (SITCO) કંપની દ્વારા અંદાજે 496 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. જે તે સમયે ગર્ડર નમી જવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરીને જોખમી હિસ્સો હટાવવાની કવાયત પૂરી કરી દેવાઈ હતી અને હાલ પ્રોજેક્ટનું કામ આગળ ધપી રહ્યું છે.

ભલે તંત્ર ગમે તેટલા દાવા કરે પરંતુ જે પ્રકારે લાઈવ વીડિયો વાયરલ થયો છે, તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બ્રિજનો ભાગ કોઈ પણ પૂર્વ તૈયારી વિના અચાનક નમી પડ્યો હતો અને ત્યારબાદ તંત્રએ પોતાની આબરૂ બચાવવા માટે જલદી-જલદીમાં તેને તોડી પાડવામાં આવ્યો હતો. એન્જિનિયરો અને નિષ્ણાતોના મતે, જો ડિઝાઇન બદલવાની જ હતી તો અગાઉથી તેની જાહેરાત કેમ ન કરાઈ? આ આખી ઘટના હવે ઉચ્ચ સ્તરીય તપાસનો વિષય બની છે. સત્ય અને ભ્રષ્ટાચારની વિગતો નપક્ષ તપાસના અંતે જ બહાર આવી શકશે.

Leave a Reply

error: Content is protected !!