fbpx

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

Spread the love

વિધાનસભામાં ઉઠ્યો બાળકોના કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો, મનીષા વકીલ-જિગ્નેશ મેવાણી સામ-સામે

ગુજરાત વિધાનસભાની બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. આ દરમિયાન વિધાનસભામાં મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતા પ્રશ્નો દરમિયાન કુપોષણ અને વિધવા સહાય યોજનાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.  રાજ્યમાં કુપોષણના મુદ્દે ચર્ચા થઈ અને કેટલાક મહત્ત્વના આંકડા સામે આવ્યા. છે

વિગતો મુજબ સરકાર તરફથી આપવામાં આવેલા લેખિત જવાબ અનુસાર, રાજ્યના 20 જિલ્લાઓમાં કુલ 4,03,051 બાળકો કુપોષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં ઓછા વજનવાળા અને અતિ ઓછા વજનવાળા બાળકોનો પણ સમાવેશ થાય છે.

manisha vakil

વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે ગૃહમાં જવાબ આપતા જણાવ્યું હતું કે રાજ્યને કુપોષણમુક્ત બનાવવા સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેના પરિણામે ધીમે-ધીમે કુપોષણના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે આહાર પદ્ધતિમાં આવેલા બદલાવ અને કેટલીક સ્થાનિક પરિસ્થિતિઓને કારણે કેટલાક વિસ્તારોમાં હજુ પણ કુપોષણ જોવા મળે છે.

આ મુદ્દે ચર્ચા દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષા વકીલએ ગૃહમાં જણાવ્યું હતું કે, ક્યારેક લોકો સારી વાનગી ખાય છે છતા શરીરને જરૂરી પોષણ મળતું નથી. તેમના જણાવ્યા મુજબ અગાઉ લોકો આંતરડાને અનુરૂપ અને શરીરને ફાયદાકારક ખોરાક લેતા હતા, જ્યારે આજકાલ ઘણા લોકો માત્ર સ્વાદ માટે ખોરાક પસંદ કરે છે. જેના કારણે પણ પોષણની સમસ્યા ઊભી થતી હોય છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર જિલ્લા અને તાલુકા સ્તરે જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. કેટલાક લોકો જૂના આંકડાઓ રજૂ કરી રહ્યા છે, જ્યારે તાજેતરના આંકડા મુજબ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. બાળકોની ખાવાની ટેવમાં આવેલા બદલાવના કારણે પણ ઘણા બાળકોને પૂરતું પોષણ મળતું નથી.

jignesh mevani

આ મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમાં મંત્રીને ઘેર્યા હતા. બંને વચ્ચે આંકડાઓને લઈને સામસામે તર્કવિતર્ક જોવા મળ્યો હતો અને મંત્રીને આંકડાઓ અંગે સ્પષ્ટતા કરવી અઘરી પડી હતી. આ દરમિયાન અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુપોષણના આંકડાઓ રજૂ કરતા મંત્રી મનીષા વકીલે કહ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં અનેક તાલુકાઓમાં 6412 કુપોષિત બાળકો નોંધાયા છે, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં લગભગ 16,000થી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. બાયડ વિસ્તારમાં 853 બાળકો કુપોષિત છે.

ચર્ચા દરમિયાન સરકાર તરફથી જણાવાયું હતું કે રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને ફોર્ટિફાઇડ પૂરક પોષણ આહાર આપવામાં આવે છે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર કુપોષિત બાળકો માટે ખાસ પોષણ સહાય અને આરોગ્ય સેવા પણ આપવામાં આવી રહી છે. વિધાનસભામાં કુપોષણના આંકડાઓ સામે આવતા ખાસ કરીને ઉત્તર ગુજરાતના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોના પોષણ અને આરોગ્ય અંગેની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે.

વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ કેટલાક આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા વધુ ગંભીર છે. છોટા ઉદેપુર, દાહોદ અને નર્મદા જેવા જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ નોંધાઈ છે. જિલ્લાવાર આંકડાઓ મુજબ તાપીમાં 8848, નર્મદા 8881, છોટાઉદેપુર 32644, પંચમહાલ 41524, આણંદ 12704, ખેડા 37180, વલસાડ 14974, ડાંગ 6440, મહીસાગર 15676, દાહોદ 32776, ગીર રસોમનાથ 10378, જૂનાગઢ 10204, પાટણ 14280, ભરૂચ 22906, અમદાવાદ 12822, ગાંધીનગર 12934, બનાસકાંઠા 38782, કચ્છ 23093 અરવલ્લી 12824 અને સાબરકાંઠા 33176 બાળકો કુપોષિત હોવાનું જણાવાયું છે.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ આ મુદ્દે મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કેટલાક વિસ્તારોમાં સામાજિક માન્યતાઓના કારણે કિશોરીઓ આંગણવાડીમાં આપવામાં આવતો ખોરાક લેતા સંકોચ અનુભવે છે. ઘણા વખત આંગણવાડી કાર્યકર્તાઓ ખોરાક આપવા જાય ત્યારે કિશોરીઓ તેને સ્વીકારતી નથી. ખોરાકની ગુણવત્તા અને ઉપલબ્ધતા બંને બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે-સાથે યોગ્ય વ્યક્તિ સુધી ખોરાક પહોંચે છે કે નહીં તે માટે સચોટ ટ્રેકિંગ સિસ્ટમ પણ જરૂરી છે. જો ખોરાક જરૂરિયાત ધરાવતા લોકો સુધી યોગ્ય રીતે પહોંચશે તો જ કુપોષણ ઘટાડવામાં સફળતા મળશે.

manisha vakil

બીજી તરફ ગૃહમાં વિધવા સહાય યોજના અંગેનો મુદ્દો પણ ગરમાયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ કર્યો હતો કે વર્ષ 2025ના છેલ્લા 6 મહિનામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા કેમ ઘટી છે. તેમણે દાવો કર્યો હતો કે અગાઉ આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા વધુ હતી.

આ પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ડૉ. મનીષા વકીલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે અગાઉ ઇન્દિરા ગાંધી પેન્શન યોજના હેઠળ આવતી બહેનોને હવે ગંગા સ્વરૂપ યોજનામાં માઇગ્રેટ કરવામાં આવી રહી છે. વર્ષ 2024-25 દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં એક લાખથી વધુ લાભાર્થી બહેનોને ગંગા સ્વરૂપ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને રાજ્યની દરેક પાત્ર મહિલાને યોજનાનો લાભ મળી રહ્યો છે.

ચર્ચા દરમિયાન અધ્યક્ષે નોંધ્યું કે પ્રશ્ન પૂછનાર અનેક ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહે છે. આ બાબતે તેમણે બંને પક્ષોના દંડકોને વિનંતી કરી કે પ્રશ્ન પૂછનાર ધારાસભ્યો ગૃહમાં હાજર રહે તેવી સભ્યોને સૂચના આપવામાં આવે, કારણ કે ગેરહાજરી યોગ્ય નથી.

error: Content is protected !!