fbpx

કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

Spread the love

કિંજલ રબારીની ઘર વાપસી બાદ ચૌધરી સમાજની દીકરી પરત લાવવા માંગ, ઉણ ગામનો રબારી યુવક ભગાડી ગયાના આક્ષેપ

તાજેતરમાં જ કિંજલ રબારીને પરત તેના પરિવારજનોને સોપવામાં આવી છે. ત્યારે હવે ચૌધરી સમાજ મેદાનમાં આવ્યો છે. તેણે પણ પોતાના સમાજની દીકરી પરત આપવાની માંગ સાથે બેઠક કરી હતી. ભાભરના રૂની ગામે રવિવારે બેઠક યોજાઈ હતી. જેમાં ચૌધરી સમાજની દીકરીને રબારી સમાજનો યુવક લઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

કિંજલ રબારી ઘરે પરત ફરી ત્યારે ચૌધરી સમાજની દીકરી પણ પરત અપાવે તેવી સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. 15 માર્ચે ભાભરના રૂની ગામે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું. દીકરી પરત લાવવા માટેની ચર્ચા વિચારણા કરવા આગામી સમયમાં સંમેલન યોજાશે. તેમજ ભાભરના રૂની ગામના ચૌધરી સમાજની દીકરીને રબારી યુવક લઈ ગયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ભાભર તાલુકાના રૂની ગામની ચૌધરી સમાજની દીકરીને ઉણ ગામનો એક રબારી યુવક ભગાડી ગયો હોવાનો આક્ષેપ છે. પરિવારના જણાવ્યા અનુસાર આ ઘટનાને ઘણો સમય વીતી ગયો હોવા છતા દીકરીની કોઈ ભાળ મળી નથી. દીકરીના પિતા જગમાલભાઈએ આરોપ કર્યો છે કે, દીકરી ઘરમાંથી દાગીના લઈને ગઈ છે અને આ મામલે પોલીસમાં ફરિયાદ કરવા છતા તંત્ર દ્વારા ઉદાસીન વલણ અપનાવવામાં આવ્યું છે .

દીકરીના પિતાએ સોશિયલ મીડિયા પર પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, ‘મેં દીકરીને શોધવા માટે મારું ઘર 4-4.5 લાખમાં ગીરે મૂક્યું છે. જે કંઈ હતું તે વેચીને હું ખૂબ દોડ્યો છું, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નથી. હું 18એ વર્ણને અને રબારી સમાજને વિનંતી કરું છું કે મને મારી દીકરી સન્માનપૂર્વક પરત અપાવો.’

chaudhary samaj

તાજેતરમાં વરસાડાના ચૌધરી યુવાન સાથે ગયેલી કિંજલ રબારીને ચૌધરી સમાજે એકઠો થઈને સન્માનપૂર્વક પરત સોંપી હતી. આ દાખલાનો ઉલ્લેખ કરતાં સમાજના આગેવાનો જણાવી રહ્યા છે કે જો એક સમાજ પહેલ કરતો હોય, તો બીજા સમાજે પણ તેટલી જ નૈતિકતા બતાવવી જોઈએ.

આ મુદ્દે ન્યાય મેળવવા માટે રૂની ગામે ચૌધરી સમાજના યુવાનો અને આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે આગામી દિવસોમાં આ લડતને ઉગ્ર બનાવવામાં આવશે. 18 માર્ચના રોજ રૂની ગામના સગત માતાના મંદિરે ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાશે જેમાં દીકરીને પરત લાવવા માટેની રણનીતિ ઘડવામાં આવશે.

સમાજના આગેવાલ અમરાભાઈ ચૌધરીએ ચીમકી આપતા જણાવ્યું છે કે, ‘જો દીકરીને પરત કરવામાં નહીં આવે તો સમાજ એકઠો થઈને જે પણ કડક નિર્ણય લેશે તે તમામને માન્ય રહેશે. આ બેઠકમાં સમગ્ર ગુજરાતના અખિલ આંજણા ચૌધરી સમાજને મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.’

chaudhary samaj

કલ્પેશભાઈ ચૌધરીએ રાધનપુરના વરસાડા અને શિનાવાડના કિસ્સાને યાદ અપાવતા કહ્યું કે, ‘અમે રબારી સમાજની દીકરી પરત અપાવવામાં મદદ કરી હતી, હવે અમે પણ તેવા જ સહયોગની આશા રાખીએ છીએ.’ સમાજના અન્ય એક આગેવાલ તેજાભાઈ ચૌધરીએ જણાવ્યું કે, ‘આ દીકરીને ઉણ ગામનો યુવક બારેક મહિનાથી લઈને ફરાર છે. ઠાકરશીભાઈ રબારીએ જેમ કિંજલના કિસ્સામાં સહયોગ આપ્યો, તેમ આ કિસ્સામાં પણ મધ્યસ્થી કરી તાત્કાલિક નિવેડો લાવવો જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન બાદ ભારે વિવાદ સર્જાયો હતો. પરંતુ રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની રાતોરાત મળેલી બેઠક બાદ કિંજલ રબારીની ‘ઘરવાપસી’ થઈ હતી. આ ઘટનાને રબારી સમાજે પોતાની નૈતિક જીત ગણાવી હતી. હવે આ જ ઘટનાને ઉદાહરણ બનાવી અન્ય પીડિત પરિવારો પણ પોતાની દીકરીઓ પરત મેળવવા મેદાને આવ્યા છે.

error: Content is protected !!