fbpx

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય…’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

Spread the love

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી દૂર રહેવા પ્રેરિત કરી. જ્યારે મદન દિલાવરની પગપાળા યાત્રા ભૈરુપુરા ગામ પહોંચી, ત્યારે સ્થાનિક પુરુષો અને સ્ત્રીઓ ચૌપાલમાં પર ભેગા થયા અને તેમની સમક્ષ પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરી. હાજર રહેલા મોટાભાગના લોકો ભીલ સમુદાયના હતા. આ દરમિયાન, મદન દિલાવરે કહ્યું કે, ‘હું તમારી બધી માંગણીઓ પૂર્ણ કરીશ. તમે જે પણ માંગશો, હું તમને અહીં જ આપીશ; પરંતુ મારી એક શરત છે જે તમારે બદલામાં પૂર્ણ કરવી પડશે.’

શિક્ષણ મંત્રીની આ વાત સાંભળીને એક વખત તો બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગ્રામજનોના ચહેરા પરના હાવભાવ જોઈને મદન દિલાવરે કહ્યું કે, ‘ગભરાશો નહીં, હું કંઈ મોટું માંગવાનો નથી. મને પૈસાની પણ જરૂર નથી. પરંતુ, હું જે તમારી પાસેથી માંગવાનો છું તે તમારે મને આપવું પડશે; તો જ હું તમારી માંગણીઓ પૂર્ણ કરીશ. બોલો મારી માંગ પૂરી કરશો? આના પર ચૌપાલ પર ભેગા થયેલા પુરૂષોએ સર્વસંમતિથી સંમતિ વ્યક્ત કરતા ‘હા’ કહ્યું. મંત્રી મદન દિલાવર ત્યાં જ ન અટક્યા. તેમણે કહ્યું કે, ‘બધા હાથ ઊંચા કરીને વચન આપો કે હું જે માંગીશ તે પૂર્ણ કરશો. તેના પર બધાએ એકતામાં  પોતપોતાના હાથ ઊંચા કર્યા.

madan-dilawar-4

બધાની સંમતિ મળ્યા બાદ મંત્રી મદન દિલાવરે કહ્યું કે, ‘હું તમારી પાસેથી માત્ર એક જ વસ્તુ ઇચ્છું છું, અને તે છે તમારી બોટલ. બસ તમારી બોટલ મને આપી દો. ત્યારબાદ મદન દિલાવરે પાણીથી ભરેલો લોટા મંગાવ્યો અને પોતાની માંગણીનું પુનરાવર્તન કરતા તેમણે કહ્યું કે, ‘આ પાણીનો લોટો તમારા હાથમાં લો અને શપથ લો કે, આજથી, તમે ફરી ક્યારેય દારૂ નહીં પીઓ.’ નોંધનીય છે કે ભીલ સમુદાયના સભ્યો મોટાભાગે દારૂ પીવાની ટેવ ધરાવતા હોય છે. દારૂ છોડવાનો ઉલ્લેખ થતા શરૂઆતમાં બધા પુરુષો આશ્ચર્યચકિત થઈ ગયા; જોકે, થોડા સમય બાદ ગામના અન્ય વડીલો દ્વારા પ્રોત્સાહિત કરવા પર એક-એક કરીને બધા લોકો મંત્રી મદન દિલાવર પાસે ગયા અને પછી પાણીથી ભરેલો લોટો હાથમાં લઈને હવે ફરીથી ક્યારેય દારૂ ન પીવાના શપથ લીધા.

મંત્રી મદન દિલાવરે ગ્રામજનોને કહ્યું કે, હવે પોતાના વચનમાં અડગ રહેજો. જો કોઈએ ફરીથી દારૂ પીવાનું શરૂ કર્યું તો, તો જે વિકાસ માટે જે પૈસા આપીને જઇ રહ્યો છુ, તે બધા રોકી દઇશ અને ગામમાં કોઈ કામ નહીં કરાવું. ત્યારબાદ મંત્રી દિલાવરે સમગ્ર ગામમાં ડ્રેનેજ સિસ્ટમ અને CC રસ્તા બનાવવા માટે 30 લાખ રૂપિયા, આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે 35 લાખ રૂપિયા, સ્મશાનભૂમિની ફરતે બાઉન્ડ્રી વોલ બનાવવા માટે 5 લાખ રૂપિયા અને કોમ્યુનિટી હોલ બનાવવા માટે 10 લાખ રૂપિયા આપ્યા.

આમ, મંત્રી મદન દિલાવરે સમગ્ર ગામમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 80 લાખ રૂપિયાની તાત્કાલિક ફાળવણીની જાહેરાત કરી. તેમણે હાજર અધિકારીઓને આ પ્રોજેક્ટ્સ અંગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવા માટે નિર્દેશો આપ્યા. પ્રધાનમંત્રી આવાસ યોજના, ખાદ્ય સુરક્ષા યોજનાનો લાભ, મફત ઘઉં વિતરણ અને પાત્ર લોકોને પેન્શન આપવા માટે મંત્રીએ અધિકારીઓને અરજીઓ દાખલ કરવાની સુવિધા આપવા માટે ગામની અંદર શિબિરોનું આયોજન કરીને ફોર્મ ભરાવવાની સૂચના આપી.

મંત્રીએ ફરી એકવાર બધા પુરુષોને ચેતવણી આપી કે તમે જે વચન આપ્યું છે દારૂ ન પીતા. આજથી તમે બધા આ ગામના લોકો મારા ભાઈઓ છો. હું તમારા બધા સુખ-દુઃખમાં ભાગીદાર બનીશ. જો કોઈ બીમાર પડે અથવા અન્ય કોઈ મુશ્કેલી હોય તો મને કહેજો. જયપુર લઈ જઈને સારામાં સારી સારવાર કરાવીશ. બસ એક જ શરત છે કે દારૂ છોડવો પડશે.

madan-dilawar-3

મંત્રી મદન દિલાવરે ભાર મૂક્યો કે દારૂ પીવાથી કોઈ ફાયદો થતો નથી. દારૂ તમારા પરિવારને સંપૂર્ણપણે બરબાદ કરે છે, આર્થિક તંગીને કારણે પરિવારજનો પૈસા-પૈસા માટે તરસી જાય છે. બાળકોનું ભવિષ્ય બરબાદ થઈ જાય છે એટલે મારી તમને બધાને અપીલ છે કે, દારૂન પીશો અને બાળકોને શિક્ષણ મેળવવા માટે શાળામાં જરૂર મોકલો.

નોંધનીય છે કે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે 13 માર્ચે નયાગાંવથી તેમની ‘જન હિતાય-જન સુખાય’ પદયાત્રા શરૂ કરી હતી. સોમવારે આ ચાર દિવસીય યાત્રાનો અંતિમ દિવસ હતો. આ પદયાત્રા સવારે 8:00 વાગ્યે દોલિયા ગામથી શરૂ થઈ હતી અને ભૈરુપુરામાંથી પસાર થઈને બોરાવાસ પહોંચી હતી. બોરાવાસમાં મંત્રી મદન દિલાવરે ગ્રામજનોની જાહેર ફરિયાદો સાંભળી અને તેમની સાથે સીધા વાતચીત કરીને પોતાની વાત રાખી.

error: Content is protected !!