fbpx

ભાજપ સામે કોંગ્રેસ કેમ હારી જાય છે? દિગ્ગી રાજાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Spread the love

ભાજપ સામે કોંગ્રેસ કેમ હારી જાય છે? દિગ્ગી રાજાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

ભાજપ સામે કોંગ્રેસ કેમ હારી જાય છે તે અંગે ઘણા રાજકીય વિશ્લેષકો અને નેતાઓ પોતાના મત આપતા હોય છે. પરંતુ કોંગ્રેસના સિનિયર નેતા અને રાહુલ ગાંધીના ખૂબ નજીક ગણાતા દિગ્વિજયસિંહે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસના ઇતિહાસમાં ક્યારેય સંગઠન રહ્યું નથી. તે નેતાઓની પાર્ટી છે. 

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ લગભગ 40 વર્ષના રાજકીય અનુભવ પછી હાલ રાજ્યસભામાંથી રીટાયર થયા છે. તેમણે કોંગ્રેસના જ સિનિયર નેતા મણિશંકર ઐય્યર સાથેના એક પોડકાસ્ટમાં ચોંકાવનારી હકીકત કબૂલી કે કોંગ્રેસમાં ક્યારેય સંગઠન રહ્યું નથી. 

03

દિગ્વિજયસિંહે કહ્યું કે કોંગ્રેસનો ઉદય મહાત્મા ગાંધીના આગમન પછી થયો. કોંગ્રેસ બેઠી થઇ આંદોલનોને કારણે. મહાત્મા ગાંધીએ જે આંદોલનો ચલાવ્યા તેને કારણે શહેરોમાં કેટલાક લોકો સુધી સીમિત કોંગ્રેસ ગામડે ગામડે પહોંચી ગઇ. બાપુએ અસ્પૃશ્યતા, સ્વદેશી જેવા આંદોલનોથી પાર્ટીને ઊભી કરી. પછી દેશ આઝાદ થયો. દેશ આઝાદ થયા પછી કોંગ્રેસ સીધી સત્તામાં આવી. દરેક રાજ્યમાં મોટા મોટા નેતાઓ હતા. તેમના જૂથો હતા. એટલે દરેક રાજ્યમાં જે તે નેતાઓનું રાજ ચાલતું. આ નેતાઓ કેન્દ્રીય નેતૃત્વને સન્માન તો આપતા પરંતુ ઘણીવાર સામે પણ થઇ જતા. આ સ્થિતિ આજદિન સુધી ચાલી રહી છે. 
દિગ્વિજયસિંહે એમ પણ કહ્યું કે રાહુલ પણ ઘણીવાર કહેતા હોય છે કે આપણી પાર્ટી આંદોલનની પાર્ટી છે. એટલે આપણે આંદોલનો ઉપર જ ફોકસ કરવું જોઇએ.    

Digvijaya-Singh1
facebook.com/DigvijayaSinghOfficial

જોકે, દિગ્ગી રાજાનું માનવું છે કે આંદોલનો કરવા માટે સંગઠનની જરૂર હોય છે. સંગઠન વગર આંદોલનો થઇ શકતા નથી. તેમણે કહ્યું કે ભાજપની સામે કોંગ્રેસ નબળી પડવાનું કારણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ છે. સંઘના લોકો ઘરે ઘરે જતા હોય છે. લોકો સાથે સંપર્ક કરતા હોય છે. તેમને પોતાની વાત સમજાવતા હોય છે. એટલે લોકો તેમની સાથે જોડાય છે. કોંગ્રેસ પાસે આવું કોઇ સંગઠન નથી કે જે લોકોને ઘરે જાય અને તેમને પોતાની વિચારધારા અંગે જાણકારી આપે. જો સંઘ ન હોય તો ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ લડત આપી શકે. સંઘને આજે 100 વર્ષ થઇ ગયા છે. આજે પણ તેના લોકો ઘરે ઘરે જાય છે. તેમની સાથે સંબંધ બનાવે છે. 

તો શું કોંગ્રેસે ક્યારેય સંગઠન ઊભું કરવાના પ્રયાસ કર્યા નથી. આ અંગે દિગ્ગીરાજાએ કહ્યું કે સંગઠન ઊભું કરવાના પ્રયાસો ઘણીવાર કરાયા છે. ઇંદિરા ગાંધીના સમયમાં પાર્ટીને ધ્યાને આવ્યું કે સંગઠન વગર સત્તા જતી રહેશે. એટલે સંજય ગાંધીએ સંગઠન ઊભું કરવાના પ્રયાસો કર્યા પરંતુ તેમનું મૃત્યુ થઇ ગયું. ત્યારપછી રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા તેમણે પણ પ્રયત્ન શરૂ કર્યા પરંતુ ત્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઇ ગઇ એટલે રાજીવ ગાંધી વડાપ્રધાન બની ગયા અને સંગઠનનું કામ ફરી ટલ્લે ચડી ગયું. 

02

ત્યારપછી રાહુલ ગાંધીએ પણ સંગઠન રચવાના પ્રયત્નો કર્યા છે પરંતુ હાલ સુધી તેને સફળતા મળી હોય તેમ દેખાતું નથી. એટલે હાલ તો કોંગ્રેસની વિચારધારાને લોકો સુધી પહોંચાડનારા સ્થાનિક નેતાઓના જૂથો જ છે. એક શિસ્તબદ્ધ કેન્દ્રીય સંગઠન જેવું આજે પણ નથી. ચૂંટણી જીતવા માટે બૂથલેવલ સુધીના વિચારધારાને વરેલા કાર્યકરો જોઇએ જે કોંગ્રેસ પાસે ખૂબ ઓછા છે. એટલે જ પાર્ટી ભારતીય જનતા પાર્ટી સામે લડવામાં નબળી પડે છે. જોકે, જ્યાં જ્યાં સ્થાનિક નેતા પાવરફૂલ છે જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલગંણા, ત્યાં પાર્ટી જીતે છે. જોકે, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોમાં પાર્ટી ખૂબ જ નબળી પડી ગઇ છે. આ ઉપરાંત પાર્ટી પાસે ભારતીય જનતા પાર્ટી જેટલા રૂપિયા પણ નથી. આમ, હાલ તો પાર્ટી પાસે ચૂંટણી જીતવા એક જ રસ્તો છે અને તે છે આંદોલન. પરંતુ આંદોલન કરવા માટે જે સંગઠન જોઇએ તે નબળું છે. જોકે, દિગ્ગીરાજાએ કહ્યું કે પાર્ટીએ હવે સંગઠન ઊભું કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કેટલાક ફેરફારો પણ કર્યા છે.

error: Content is protected !!