fbpx

મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી

Spread the love

મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી

7 ઓક્ટોબર 1969ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલપર ગામે જન્મેલા મનહરભાઈએ એચ.એસ.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. સામાન્ય શૈક્ષણિક પૃષ્ઠભૂમિ હોવા છતાં તેઓએ પોતાના દૃઢ સંકલ્પ, મહેનત અને સતત શીખવાની ઇચ્છાશક્તિના બળ પર ઉદ્યોગ અને સમાજ જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

03

માત્ર 18 વર્ષની ઉંમરે વર્ષ 1986માં તેઓ પોતાના વતન ગામમાંથી સુરત આવ્યા. હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમની ઝડપી શીખવાની ક્ષમતા અહીં સ્પષ્ટ જોવા મળી માત્ર એક વર્ષની અંદર જ હીરા વેપારની બારીકીઓ શીખી ગયા. પછી તો તેમણે બેલ્જિયમથી ખરીદી અને વેચાણ શરૂ કર્યું. હવે વેપાર મોટો થયો એટલે પોતાના ભાઈઓ સાથે મળી સુરત અને મુંબઈમાં “સાહિલ સ્ટાર ગ્રુપ”ની સ્થાપના કરી. પોતાની કુનેહથી પરિવારને સાથે લઇ આગળ વધીને “જે.આર. ગ્રુપ” ઉભું કર્યું. આજે “જે.આર. ગ્રુપ”નો વ્યવસાય ભારત ઉપરાંત બેલ્જિયમ, હોંગકોંગ, દુબઈ, તાઈવાન, થાઈલેન્ડ, અમેરિકા, યુ.કે., જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન, ઇટાલી સહિત 15થી વધુ દેશોમાં વિસ્તરેલો છે. તેમના કાર્યમાં ગુણવત્તા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા તેમને વૈશ્વિક સ્તરે સફળતા અપાવી છે.

મનહરભાઈનો નવીનતા તરફનો અભિગમ તેમને હંમેશા નવા ક્ષેત્રોમાં આગળ ધપાવે છે. વર્ષ 2005થી તેમણે “જે.આર. ડેવલોપર્સ”શરૂ કરી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સુરતમાં અનેક કોમર્શિયલ, રેસિડેન્શિયલ તેમજ ટેક્સટાઈલ પાર્ક જેવા પ્રોજેક્ટ્સ વિકસાવ્યા. સતત ડાયવર્સિફિકેશન અને રીસ્ક ટેકિંગ તેમનો મૂળમંત્ર છે એટલે ત્યારબાદ વર્ષ 2010થી ખૂબ જ સ્પર્ધા ધરાવતી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરીને “યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમિટેડ”ની સ્થાપના કરી.  આજે “યુરો” બ્રાન્ડના ઉત્પાદનો ભારત ઉપરાંત યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટના અનેક દેશોમાં નિકાસ થાય છે. હવે તેમણે વાપી નજીક દેશનો પહેલો હાઇટેક થીમ બેસ્ડ ફૂડ પાર્ક વિકસાવ્યો છે જ્યાં વિદેશોની જેમ પ્રવાસીઓ જઇ શકશે અને ફૂડ ઇન્ડસ્ટ્રીનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કરી શકશે. પાર્કની થીમ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદના આધારે તૈયાર થઇ છે. યુરોના પ્રોડક્ટ્સમાં તેઓ ગુણવત્તા પ્રત્યે એટલા સજાગ છે કે એકવાર તળ્યા પછી તેલનો બીજીવાર ઉપયોગ કરતા નથી.  ઉદ્યોગમાં તેમની કુનેહ અને સફળતા જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નિમણૂક રાષ્ટ્રીય સ્તરની સંસ્થા સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના બોર્ડ ઓફ ગવર્નન્સમાં કરી હતી.

02

મનહરભાઈ વ્યવસાયમાં  જુદા જુદા ક્ષેત્રોમાં સક્રિય હોવા છતાં સમાજસેવામાં પણ એટલા જ સમર્પિત રહે છે. તેઓ અનેક સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. “સ્વ. જીવણભાઈ રાઘવજીભાઈ સાંસપરા ચેરિટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ તરીકે તેઓ સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારે છે. સાથે જ સરદારધામ (દક્ષિણ ગુજરાત ઝોન), સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ (કિરણ હોસ્પિટલ), સુરત ડાયમંડ હોસ્પિટલ, રમાબા કૅન્સર હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓમાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમની સેવા માત્ર પદ સુધી મર્યાદિત નથી. સમાજમાં કોઈને દવાખાનાની જરૂર હોય, શિક્ષણ માટે સહાયતા જોઈએ કે રમતગમતમાં પ્રોત્સાહન આપવાનું હોય દરેક પ્રસંગે લોકો સીધા મનહરભાઈનો સંપર્ક કરે છે અને તેઓ નિઃસ્વાર્થભાવથી મદદ કરે છે. ખાસ વાત એ છે કે તેઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો ક્યારેય પ્રચાર કરતા નથી; શાંતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા આપવી તેમની જીવનશૈલી બની ગઈ છે.

તેમના વતન ગામ પ્રત્યેની લાગણી પણ એટલી જ વિશેષ છે. દર વર્ષે ગામની શાળામાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાયરૂપ પ્રવૃત્તિઓ યોજીને તેઓ શિક્ષણને પ્રોત્સાહન આપે છે. વિવિધ ટ્રસ્ટોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, પાઠ્યપુસ્તકો અને જરૂરી સામગ્રી પૂરી પાડી તેઓ ભવિષ્યની પેઢીને સશક્ત બનાવી રહ્યા છે.

01

મનહરભાઈ સાંસપરા એક એવા વ્યક્તિ છે જેઓ ઉદ્યોગ, પરિવાર અને સમાજ ત્રણેય ક્ષેત્રોમાં સંતુલન જાળવીને આગળ વધ્યા છે. તેમની સાદગી, સમર્પણ, નવીનતા અને ગુણવત્તા પ્રત્યેની અડગતા તેમને અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનાવે છે. તેઓ એ સાબિત કરે છે કે સાચી સફળતા માત્ર વ્યવસાયમાં નહીં પરંતુ સમાજ માટે કરેલી નિઃસ્વાર્થ સેવા અને મૂલ્ય આધારિત જીવનમાં વસે છે.

error: Content is protected !!