fbpx

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

Spread the love

ગુજરાતના સિંઘમ નિર્લિપ્ત રાયની રાજકોટમાં એન્ટ્રી થતા ગુનેગારોમાં ફફડાટ, 20 દિવસમાં વોન્ટેડ લિસ્ટ તૈયાર, ઈનામોની જાહેરાત

ગુજરાતના IPS અધિકારી નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી (હાલ ડીઆઈજી) તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે લાલ આંખ કરી છે. સત્તા સંભાળ્યાના ગણતરીના દિવસોમાં જ તેમણે સમગ્ર રેન્જમાં સપાટો બોલાવતા 29 રીઢા ગુનેગારોની યાદી જાહેર કરી છે અને તેમના પર ઈનામોની પણ જાહેરાત કરી દીધી છે.

મહિલા દિવસ પહેલા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી 37 IPS અધિકારીઓની બદલીમાં નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) માંથી રાજકોટ રેન્જની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. ચાર્જ સંભાળ્યાના માત્ર 20 દિવસમાં જ તેમણે રાજકોટ ગ્રામ્ય, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વોન્ટેડ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી દીધું છે.

nirlipt rai

કુલ 29 આરોપીઓ લાંબા સમયથી ફરાર છે, જેમના વિરુદ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ પણ મેળવી લેવામાં આવ્યા છે. આ ગુનેગારો વિશે ચોક્કસ માહિતી આપનાર નાગરિકો માટે ₹5,000 થી ₹20,000 સુધીના રોકડ ઈનામની જાહેરાત કરવામાં આવી છે. અસામાજિક તત્વો વિરુદ્ધ તડીપાર અને પાસા (PASA) હેઠળની કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી છે.

નિર્લિપ્ત રાયે માત્ર ફિલ્ડ પર જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને પબ્લિક આઉટરીચ દ્વારા પણ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું છે. વ્યાજખોરોના ત્રાસથી પીડાતા નાગરિકો માટે તેમણે 1  અને 2 એપ્રિલના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન રાજકોટ આઈજી ઓફિસ ખાતે ખાસ જનસંપર્ક બેઠકનું આયોજન કર્યું છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને અપીલ કરી છે કે, વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોએ કોઈ પણ ડર રાખ્યા વગર રૂબરૂ આવીને પોતાની ફરિયાદ નોંધાવવી.

મૂળ ઉત્તર પ્રદેશના અને 2010 બેચના IPS અધિકારી નિર્લિપ્ત રાય તેમની કડક અને બાહોશ અધિકારી તરીકેની છબી માટે જાણીતા છે. અગાઉ તેમણે અમરેલી અને SMC માં રહીને દારૂ-જુગાર અને ખનીજ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું હતું. જાણકારોનું માનવું છે કે, સૌરાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે જ સરકારે તેમને ગાંધીનગરથી રાજકોટના મોરચે તૈનાત કર્યા છે. નિર્લિપ્ત રાયની આ આક્રમકતાથી સૌરાષ્ટ્રના પાંચેય જિલ્લાના અસામાજિક તત્વોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

error: Content is protected !!