
ભારતીય રિઝર્વ બેંકે તેની યુનિફાઇડ લોકપાલ સ્કીમ દ્વારા ડિજિટલ ધરપકડ છેતરપિંડીના પીડિતને રાહત આપી છે. આ યોજના દ્વારા, RBIએ 5 બેંકોને પીડિતની થાપણોના 5 થી 7.5 ટકા વચ્ચે ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બેંકો તે હતી જેના દ્વારા છેતરપિંડી કરનારાઓએ પીડિતના ભંડોળને ટ્રાન્સફર કરવા માટે નકલી ખાતા ખોલ્યા હતા.
આ 5 બેંકોમાં એક્સિસ બેંક, સિટી યુનિયન બેંક, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંકનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં RBI લોકપાલે 25 ફેબ્રુઆરીએ એક આદેશ બહાર પાડીને આ બેંકોને પીડિતને સંયુક્ત રીતે મળીને રૂ. 1.31 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

આ કેસને દિલ્હીનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિજિટલ ધરપકડ કેસ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. આ કિસ્સામાં, 78 વર્ષીય નિવૃત્ત બેંકર નરેશ મલ્હોત્રાએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 વચ્ચે ડિજિટલ ધરપકડ છેતરપિંડીમાં રૂ. 22.92 કરોડ ગુમાવ્યા હતા. આ વર્ષે માર્ચના અંતમાં આ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો.
નરેશ મલ્હોત્રાએ સુપ્રીમ કોર્ટમાં ફોજદારી રિટ અરજી પણ દાખલ કરી છે. તેમણે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, તેમને ચાર રીમીટર બેંક ખાતાઓમાં પહેલાથી જ રૂ. 1.31 કરોડ મળી ચુક્યા છે, જ્યાંથી ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેમણે તાજેતરમાં RBIમાં અપીલ દાખલ કરી હતી, જેમાં વ્યાજ અને નુકસાની સાથે સંપૂર્ણ રકમની માંગ કરવામાં આવી હતી.
RBI લોકપાલના આદેશમાં જણાવાયું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશને અનુસરીને, 20 ફેબ્રુઆરી, 2026ના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી. બેંકોમાં સેવા ખામીઓ અંગે ચર્ચા કરવા માટે તમામ રીમીટર અને પ્રાપ્તકર્તા બેંકોના અધિકારીઓ હાજર હતા. ડિજિટલ ધરપકડ હેઠળ નરેશ મલ્હોત્રાએ પોતે બેંક શાખાઓની મુલાકાત લઈને તમામ વ્યવહારો શરૂ કર્યા હતા, રૂ. 22.92 કરોડના વિવાદિત વ્યવહારો પૂર્ણ કરવામાં રીમીટર બેંકો દ્વારા કોઈ સેવા ખામીઓ જોવા મળી ન હતી.
આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 5 લાભાર્થી બેંકોની રિપોર્ટિંગ પ્રક્રિયાઓમાં હાલના KYC/AML (મની લોન્ડરિંગ વિરોધી) અને વ્યવહાર દેખરેખ માર્ગદર્શિકાના પાલન અંગે કેટલીક ખામીઓ જોવા મળી હતી.
આદેશમાં જણાવાયું છે કે, આ ખામીઓ મુખ્યત્વે બેંક ખાતાઓના સંચાલન અને આ ખાતાઓમાં વ્યવહારોની દેખરેખ સંબંધિત KYC માર્ગદર્શિકાના અપૂરતા પાલન સાથે સંબંધિત હતી
RBI દ્વારા બહાર પાડવામાં આવેલા હાલના (માન્ય) પરિપત્રો/માર્ગદર્શિકાઓ અનુસાર નકલી ખાતાઓનું નિરીક્ષણ કરવામાં ખામીઓ બદલ RBI લોકપાલે 5 બેંકો પર દંડ લગાવ્યો હતો.
આદેશમાં એક્સિસ બેંક, સિટી યુનિયન બેંક, ICICI બેંક અને ઇન્ડસઇન્ડ બેંકને નરેશ મલ્હોત્રાને ટ્રાન્સફર કરાયેલ રકમના 5 ટકા ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. જ્યારે યસ બેંકને જમા કરાયેલ રકમના 7.5 ટકા વળતર તરીકે ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

લોકપાલે એ પણ શોધી કાઢ્યું કે, જે ખાતાઓમાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું તે મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગમાં લેવાતા હતા, પરંતુ વ્યવહારો જે ઝડપે થયા અને ત્યારપછી બહુવિધ ખાતાઓમાં ઝડપી ટ્રાન્સફર થયા, તે જોતાં, ફક્ત માનવ હસ્તક્ષેપ દ્વારા આ ટ્રાન્સફરને અટકાવવાનું અશક્ય હતું.
એક અંગ્રેજી અખબારમાં 24 સપ્ટેમ્બર, 2025ના રોજ છપાયેલા અહેવાલ મુજબ, નરેશ મલ્હોત્રા કેસ દેશના સૌથી મોટા સાયબર છેતરપિંડીના કેસોમાંનો એક છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, નરેશ મલ્હોત્રાના ભંડોળ 4,236 વ્યવહારો દ્વારા 7 સ્તરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેમાં 16 બેંક શાખાઓ (રેમિટિંગ બેંકો) પર કરવામાં આવેલા 21 વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.
નરેશ મલ્હોત્રાએ RBI લોકપાલના ‘સ્પીકિંગ ઓર્ડર’ સામેની તેમની અપીલમાં નકલી ખાતાઓની આ બહુ-સ્તરીય સિસ્ટમનું વર્ણન કર્યું હતું. તેમની અપીલમાં, તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે 4,000થી વધુ વ્યવહારોની તપાસ કર્યા પછી, પોલીસે 811 નકલી ખાતા શોધી કાઢ્યા હતા.
તેમણે વધુમાં કહ્યું, ‘દિલ્હી પોલીસના IFSOએ 811 નકલી ખાતાઓ શોધી કાઢ્યા હતા, જેમાં મારા ખાતામાંથી છેતરપિંડીથી ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. આ મ્યુલ એકાઉન્ટ્સ લગભગ 47 બેંકોમાં ચાલુ છે, જેમાં પૈસા મોકલતી બેન્ક અને પૈસા જમા કરતી બેંકો બંનેનો સમાવેશ થાય છે.’
મીડિયા સૂત્ર સાથે વાત કરતા, નરેશ મલ્હોત્રાએ કહ્યું કે, RBI લોકપાલે RBIના KYC/AML માર્ગદર્શિકાના પાલનમાં બેંકોની ખામીઓ સ્વીકારી હોવાથી, રૂ. 22.92 કરોડની સંપૂર્ણ છેતરપિંડીવાળી રકમ વળતર આપવી જોઈએ, જેમાં નુકસાન, વ્યાજ અને મૂડી લાભ કર જવાબદારીનો સમાવેશ થાય છે.