
મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ મોડેલ તરીકે લોન્ચ થયા પછી, તે હવે બ્રાન્ડની સૌથી સસ્તી (એન્ટ્રી-લેવલ) ઇલેક્ટ્રિક સેડાન બની ગઈ છે. નવી ઇલેક્ટ્રિક CLA ત્રણ અલગ અલગ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે.
નવી EV CLA ત્રણ અલગ અલગ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. પહેલું CLA 200 છે, જેની કિંમત રૂ. 55 લાખ (એક્સ-શોરૂમ) છે. બીજું CLA 250+ છે, જેની કિંમત રૂ. 59 લાખ (એક્સ-શોરૂમ) છે. ત્રીજું લોન્ચ એડિશન છે, જેની કિંમત રૂ. 64 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે.

તેમાં એરફ્લોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાયેલ સ્લીક કૂપ ડિઝાઇન છે. તેના આગળના ભાગમાં વાઇબ્રન્ટ થ્રી-પોઇન્ટેડ સ્ટાર લોગો સાથે ગ્લોસી બ્લેક એન્ક્લોઝ્ડ ગ્રિલ છે. તેમાં પાતળા લાઇટ બાર દ્વારા જોડાયેલા વિશિષ્ટ ટ્વીન-પોડ LED હેડલેમ્પ્સ છે. પાછળના ભાગમાં પણ એ જ પ્રકારની લાઇટ બાર આપવામાં આવી છે.
તેમાં ફ્લશ-માઉન્ટેડ ડોર હેન્ડલ્સ અને 18-ઇંચ AMG એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. આ કાર ક્લિયર બ્લુ, કોસ્મિક બ્લુ, પોલપ વ્હાઇટ, અલ્પાઇન ગ્રે અને પેટાગોનિયા રેડ સહિત વિવિધ રંગોમાં ઉપલબ્ધ છે.
ઇન્ટિરિયર મર્સિડીઝ-બેન્ઝની નવીનતમ ડિઝાઇન પર આધારિત છે. તેમાં 10.25-ઇંચ ડ્રાઇવર ડિસ્પ્લે અને 14-ઇંચ સેન્ટ્રલ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પેસેન્જર બાજુ માટે એક અલગ ડિસ્પ્લે વિકલ્પ પણ ઉપલબ્ધ છે. કારમાં મેમરી ફંક્શન સાથે પાવર્ડ અને હીટેડ ફ્રન્ટ સીટ, ફિક્સ્ડ પેનોરેમિક ગ્લાસ રૂફ અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ ઉપરાંત, ડેશબોર્ડ અને સેન્ટર કન્સોલ પર પ્રીમિયમ ટ્રીમ વિગતો આપવામાં આવી છે, અને સ્ટીયરિંગ પર ટચ-સેન્સિટિવ કંટ્રોલ આપવામાં આવ્યા છે.
સુરક્ષા માટે, તેમાં 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં લેવલ-2 ADAS અને ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક જેવી સુવિધાઓ પણ મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઇલેક્ટ્રિક કારને યુરો NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે.
ભારતીય બજાર માટે, મર્સિડીઝ-બેન્ઝે CLA 200 વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જે એક જ ચાર્જ પર 542 Kmની રેન્જ આપે છે. CLA 250+ વેરિઅન્ટ એક જ ચાર્જ પર 792 Km સુધીની રેન્જ આપે છે. આ વેરિઅન્ટમાં 85 kWh બેટરી અને પાછળ માઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટર છે, જે લગભગ 268 hp પાવર અને 335 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે.

આની બેટરી 250 kW DC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જે ફક્ત 20 મિનિટમાં 400 Km સુધીની રેન્જ આપી શકે છે. આ ઉપરાંત, આ સેડાનમાં એક ખાસ ટુ-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જેની મદદથી આ કાર ફક્ત 6.7 સેકન્ડમાં 0 થી 100kmphની ઝડપે પહોંચી શકે છે.